Chotaudepur : લો બોલો...બ્રિજ પર પણ પડ્યો મોટો ભુવો...
અહેવાલ---તૌફિક શેખ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલ અલીરાજપુર તરફ પસાર થતા રોડ ઉપરના ઓરસંગ પુલ પર ભુવો પડ્યો છે. પુલ ઉપર મસ મોટો ભુવો પડતા લોકો પણ પુલ ઉપર દોડી ગયા હતા.
ભારજ નદી ઉપરનો પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો
જિલ્લામાં એક પછી એક રોડ રસ્તાની દુર્દશાના કિસ્સાઓ હવે સામાન્ય બનતા જોવા મળી રહ્યા છે. નજીકના જ ભૂતકાળમાં પાવીજેતપુરથી નજીક આવેલ ભારજ નદી ઉપરનો પુલ ક્ષતિગ્રસ્ત થતા ઘણા સમય સુધી વાહન ચાલકોને પારવાર મુશ્કેલીઓમાંથી પસાર થવાના વારો આવ્યો હતો.
સમયાંતરે નિરીક્ષણ થતું નથી
દરેક રોડ રસ્તાની તંદુરસ્તીની જાળવણી માટે અલગ અલગ વિભાગો કામ કરે છે. અને જેની સમયાંતરે નિરીક્ષણ કરવાની પણ જવાબદારી હોય છે. છતાં ક્યાંક ને ક્યાંક વિભાગને ક્ષતિ ધ્યાને આવે તે પહેલા મીડિયાની સુરખીઓ બને છે અને ત્યારબાદ જ સંબંધિત તંત્ર કામે લાગતું હોવાની ઘટના પણ લોકોમાં ચર્ચાઓ મુદ્દો બન્યો છે.
પ્રજાને પારાવાર મુશ્કેલી
સરકાર લોકોની માર્ગ સલામતી અને સુરક્ષાની સતત ચિંતા કરે છે. અને લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાનું બજેટ પણ ફાળવે છે. જો કે દેખરેખના દેખીતા અભાવને લઈ પ્રજાને ઘણા ખરા કિસ્સામાં પારવાર મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. આ માર્ગ ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો માર્ગ છે.આ જ માર્ગ ઉપરનો ચિસાડિયા પાસેનો બ્રીજ નજીકના જ ભુતકાળમાં ક્ષતિગ્રસ્ત થયો હતો.
સાંકેતિક બોર્ડ પણ ના મુક્યું
અત્રે ખાસ નોંધનીય એ છે કે ભુવો પડ્યાના સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરતા ધટના સ્થળે લોક ટોળા એકત્ર થયા હતા. પરંતુ બપોર સુધી સંબંધિત તંત્રના વાહકો દ્વારા ભુવા પડેલ સ્થળે સાંકેતિક બોર્ડ સુધ્ધાં પણ મૂકવામાં નહીં આવતા તેમની ફરજ પ્રત્યેની કેટલી દરકાર છે તેના સ્પષ્ટ દર્શન જોવા મળી આવ્યા હતા. જોકે આ અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર દોડતું થયું હતું અને ભુવાની મરામત કરાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો----સાળંગપુર હનુમાનજી દાદાને મુંબઈના ભક્તે એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અર્પણ કર્યો