Pahalgam Terrorist Attack : આંતકી હુમલામાં બે વિદેશી નાગરિક સહિત 27 નાં મોતની આશંકા, હેલ્પલાઇન નં. જાહેર
- J&K નાં પહેલગામનાં બૈસરંગ વિસ્તારમાં પ્રવાસીઓ પર આંતકી હુમલો (Pahalgam Terrorist Attack)
- આતંકી હુમલોમાં 27 થી વધુ નાગરિકોનાં મોત થયાની આશંકા
- મૃતકોમાં બે વિદેશ નાગરિક પણ હોવાનાં અહેવાલ
- પીએમ મોદી સાથે વાતચીત બાદ બાદ ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર જવા રવાના
Pahalgam Terrorist Attack : જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામનાં બૈસરંગ વિસ્તારમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક વધ્યો હોવાની માહિતી સામે આવી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ હુમલામાં 27 લોકોનાં મોત થયાનાં અહેવાલ છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ પર 50 થી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો છે. ત્યારે મૃત્યુઆંક વધી તેવી શક્યતાઓ છે. પરિસ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પોતે દિલ્હીથી શ્રીનગર જવા રવાના થયા છે. પીએમ મોદીએ (PM Narendra Modi) અમિત શાહ સાથે ફોન પર વાત કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર જવા રવાના થયા છે.
27 થી વધુનાં મોતની આશંકા, બે વિદેશી નાગરિક પણ સામેલ!
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલામાં 27 થી વધુ પ્રવાસીઓના મોત થયાના અહેવાલ છે, જેમાં બે વિદેશી નાગરિક હોવાનાં પણ અહેવાલ સામે આવ્યા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં 3 ગુજરાતી નાગરિકો હોવાની પણ માહિતી સામે આવી છે. આતંકી હુમલા બાદ સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ હાથ ધરી છે.
તેઓને છોડવામાં આવશે નહીં : PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની (Pahalgam Terrorist Attack) કડક શબ્દોમાં નિંદા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, 'હું પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું.' જેમણે પોતાનાં પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલદીથી સ્વસ્થ થાય. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળનાં લોકોને ન્યાયનાં કઠેડામાં લાવવામાં આવશે. તેઓને છોડવામાં આવશે નહીં! તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો આપણો સંકલ્પ દ્રઢ છે અને તે વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો - Bhavnagar: જમ્મુ-કાશ્મીરમાં થયેલ હુમલાને લઈ કલેક્ટરનું નિવેદન, ભાવનગરના એક પ્રવાસી ઘાયલ
અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું : ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પણ આ મામલે દુ:ખ વ્યક્ત કર્યું છે અને કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનાં (Jammu and Kashmir) પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી હું દુઃખી છું. મારી સંવેદનાઓ મૃતકોનાં પરિવારો સાથે છે. આ જઘન્ય આતંકવાદી હુમલામાં સામેલ લોકોને છોડવામાં આવશે નહીં અને અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હું ટૂંક સમયમાં શ્રીનગર જઈશ અને બધી એજન્સીઓ સાથે તાત્કાલિક સુરક્ષા સમીક્ષા બેઠક યોજીશ.
સેના અને ગુપ્તચર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગૃહમંત્રીની બેઠક
આતંકવાદી હુમલાનાં સમાચાર મળતાં જ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, જેમાં સેના અને ગુપ્તચર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં હુમલા પછીની પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ અમિત શાહ કાશ્મીર જવા રવાના થયા.
આ પણ વાંચો - Jammu Kashmir માં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ ઘાયલ
આતંકવાદીઓનાં ખાતમા માટે ઓપરેશન શરૂ
પ્રાપ્ત માહિતી અનુસાર, આટલા મોટા આતંકવાદી હુમલા બાદ આતંકવાદીઓને ખતમ કરવા માટે એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન ભારતીય સેનાના (Indian Army) વિક્ટર ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસનાં SOG અને CRPF દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળે સેનાનાં જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસનાં જવાનો હાજર છે. સેનાનાં અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રવાસીઓ માટે 24/7 ઇમરજન્સી હેલ્પ ડેસ્ક શરૂ
પહેલગામમાં આતંકી હુમલામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. ત્યારે મદદ અથવા માહિતીની જરૂર હોય તેવા પ્રવાસીઓને મદદ કરવા માટે પોલીસ કંટ્રોલ રૂમ અનંતનાગ (Police Control Room Anantnag) ખાતે એક સમર્પિત હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે, જેનો કોન્ટેક્ટ નંબર 9596777669, 01932225870 અને વોટ્સએપ નં. 9419051940 છે, જેના પરથી માહિતી અને મદદ મેળવી શકાશે.
આ પણ વાંચો - Pahalgam :'ભેળપુરી ખાતા સમયે પૂછ્યું તમે મુસ્લિમ છો? પછી ગોળી મારી દીધી'