Patan : 160 વર્ષ જુની મીઠાઇ 'દેવડા'નો દબદબો આજે પણ યથાવત
- પાટણવાસીઓની મીઠાઇમાં પહેલી પસંદ આજે પણ દેવડા
- દિવાળીમાં દેવડાની ભારે માંગ રહે છે
- આ વર્ષે નવા સ્વાદનો વિકલ્પ પણ આપવામાં આવ્યો
Patan : પાટણ પોતાની ઐતિહાસિક ધરોહરથી ઓળખાય છે. પાટણના દેવડા (Patan - Devda) દુનિયાભરમાં જાણીતા બન્યા છે. આ દેવડાની મીઠાઇ 160 વર્ષ જુનો ઇતિહાસ ધરાવે છે. તહેવાર કોઇ પણ હોય, મીઠાઇમાં પહેલી પસંદ દેવડા બન્યા છે. ખાસ કરીને દિવાળીમાં દેવડાની માંગમાં ભારે વધારો આવી જતો હોય છે. પાટણવાસીઓની દિવાળી દેવડા (Devda High Demand In Diwali) વગર અધુરી હોવાનું પણ મનાય છે. દિવાળીમાં ગ્રાહકોને વિવિધ પ્રકારના સ્વાદ પૂરા પાડવા માટે ચોકલેટ, બટરસ્કોચ, કેસર અને બદામ પિસ્તાના દેવડા તૈયાર કરવામાં આવ્યા છે.
સ્વાદના નવા પ્રયોગો કરવામાં આવ્યા
પાટણના દેવડા 160 વર્ષ જુનો ઇતિહાસ ધરાવે છે. પાટણવાસીઓ માટે દિવાળી હોય કે પછી કોઇ અન્ય તહેવાર હોય, મીઠાશ માટે તો દેવડાને જ પ્રાથમિકતા અપાય છે. એવું કહેવું સહેજ પણ ખોટું નથી કે, દેવડા વગર દિવાળીનો પર્વ અધુરો છે (Devda High Demand In Diwali). દિવાળીની માંગને ધ્યાને રાખીને અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. દિવાળીમાં ભારે માંગ રહેતી હોવાના કારણે ગ્રાહકોને આકર્ષવા માટે તેમાં નવા નવા સ્વાદનો પ્રયોગો પણ કરવામાં આવે છે. આ દેવડા જીભને જેટલા વ્હાલા છે, તેટલી જ રસપ્રદ પ્રક્રિયા તેને બનાવવામાં લાગે છે. ચાલો જાણીએ જેના વગર તહેવારો અધુરા ભાસે છે, તેવા દેવડા કેવી રીતે બનાવવામાં આવે છે.
આ રીતે બને છે લોકપ્રિય દેવડા
શરૂઆતમાં મેંદાના લોટને ઘીમાં ભેગું કરીને તેમાંથી બ્લોક બનાવવામાં આવે છે, બાદમાં તેને ઘીમાં તળીને એક દિવસ માટે ઠંડા કરવા માટે મુકવામાં આવે છે. ત્યાર બાદ ખાંડને મોટી કડાઇમાં નાંખીને ઉકાળીને તેની ચાસણી બનાવવામાં આવે છે. ત્યાર બાદ ચાસણીની ચીકાશને આંગળી વડે તપાસવામાં આવે છે. બાદમાં એક મોટા વાસણમાં ઘીને ફેલાવવામાં આવે છે. બાદમાં દેવડાના બ્લોકને ચાસણીમાં ડુબાડીને ઘીના વાસણમાં મુકવામાં આવે છે. બાદમાં અંતે તેના પર કેસર, પિસ્તા જેવા સુકા મેવા નાંખવામાં આવે છે. આખરમાં દેવડા ઠંડા થયા બાદ તેને વેચાણ અર્થે મુકવામાં આવે છે.
દેવડાની ટક્કરમાં કોઇ નહીં
પાટણના બજારોમાં ખાસ કરીને દિવાળીના પર્વમાં દેવડાની ભારે માંગ રહે છે. બજારમાં અનેક મીઠાઇઓએ તહેવાર ટાણે ઠલવાતી હશે, પરંતુ પાટણના દેવડાને કોઇ ટક્કર આપી શકે તેમ નથી. દેવડા લોકોના હ્રદયમાં આગવું સ્થાન ધરાવતા હતા, ધરાવે છે, અને ધરાવતા રહેશે, તેવું પાટણવાસીઓનું સ્પષ્ટ પણે માનવું છે.
આ પણ વાંચો - Gujarat: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી


