પાણીની ટાંકી બની મુશ્કેલીનું કારણ!
પાટણ-ડીસા હાઇવે પર આવેલી સિદ્ધહેમ સોસાયટી અને તેની આસપાસની 15 જેટલી સોસાયટીઓમાં અત્યારે ભયનો માહોલ છે. ભય કોઈ રોગચાળાનો નથી, પણ પાલિકા જે પાણી ઘર-ઘર સુધી પહોંચાડી રહી છે, તેનાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નગરપાલિકાએ લાખોના ખર્ચે પાણીનો સંપ અને ટાંકી તો બનાવી દીધા, પણ પાણીની શુદ્ધતા ચકાસવાની તસ્દી લીધી નથી. નિયમ પ્રમાણે પીવાના પાણીમાં ફ્લોરાઇડની માત્રા વધુમાં વધુ 1.05 હોવી જોઈએ. પરંતુ જ્યારે સ્થાનિકોએ આ પાણીનો ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ ચોંકાવનારો આવ્યો!
દૂષિત પાણી મુદ્દે Patan માં આરપારની લડાઈ
આ પાણીમાં ફ્લોરાઇડની માત્રા 2.65 હોવાનું સામે આવ્યું છે, એટલે કે રિપોર્ટ સદંતર ફેલ છે. આ દૂષિત પાણી પીવાના કારણે સ્થાનિકોમાં હાડકાના રોગ, દાંતનો સડો અને પાણીજન્ય ગંભીર બીમારીઓ થવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. અહીં પાંચ હજારથી વધુ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના બહેરા તંત્રના પેટનું પાણી હલતું નથી. જેથી આજે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાલિકા વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ હવે આરપારની લડાઈનું એલાન કરી દીધું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાંચ હજારથી વધુ લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા આ ગંભીર મુદ્દે પાટણ નગરપાલિકા જાગશે ખરી? કે પછી સ્થાનિકો ચીમકી આપ્યા પ્રમાણે પાલિકાનો ઘેરાવો કરશે ત્યારે જ તંત્રની આંખ ખુલશે?
આ પણ વાંચો : Surat : ચાની લારી પર શરૂ થયેલો ઝઘડો બન્યો જીવલેણ, 2 યુવકની હત્યાથી મચ્યો હાહાકાર