શું પાકિસ્તાન પણ કરશે T20 વર્લ્ડ કપનો બહિષ્કાર? બાંગ્લાદેશ બહાર થતા PCB ચીફે ICC પર લગાવ્યા આરોપ
- બાંગ્લાદેશને બહાર કરવાના નિર્ણય સામે PCB ચીફ ગુસ્સે ભરાયા ( PCB Threat to ICC)
- ICC પર પક્ષપાતનો લગાવ્યો મોટો આરોપ
- ICC બોર્ડની બેઠકમાં પણ નકવીએ કર્યો હતો વિરોધ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (International Cricket Council ) દ્વારા બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માંથી બાકાત કરવાના નિર્ણયથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હવે આ વિવાદમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board [PCB]) પણ કૂદી પડ્યું છે. PCB ચેરમેન મોહસીન નકવી (Mohsin Naqvi) એ ICC ના વલણ સામે આકરા પ્રહારો કર્યા છે.
PCB Threat to ICC: ICC ના બેવડા ધોરણો સામે સવાલ
મોહસીન નકવીએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ સાથે ઘોર અન્યાય થયો છે. તેમણે ICC બોર્ડની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હોવાનો દાવો કર્યો હતો. નકવીએ કહ્યું, "ICC એ બેવડા ધોરણો અપનાવવાનું બંધ કરવું જોઈએ. જો ભારતને પાકિસ્તાન સામે પ્રાથમિકતા મળતી હોય, તો બાંગ્લાદેશના હિતોનું રક્ષણ પણ એટલું જ જરૂરી છે. એક સભ્ય દેશ બીજા દેશ પર પોતાના નિર્ણયો લાદી શકે નહીં."
પાકિસ્તાને આપી વર્લ્ડ કપ બહિષ્કારની ધમકી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડાએ વધુમાં જણાવ્યું હતું કે, જો સ્થિતિ નહીં સુધરે તો પાકિસ્તાન પણ કડક વલણ અપનાવી શકે છે. તેમણે સરકારની ભૂમિકાને મહત્વની ગણાવતા કહ્યું કે, "જો પાકિસ્તાન સરકાર વર્લ્ડ કપમાં ન રમવાનો નિર્ણય લેશે, તો ICC એ ટુર્નામેન્ટ માટે અન્ય ટીમની શોધ કરવી પડશે. અમારી પાસે પ્લાન A, B, C અને D તૈયાર છે." તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન બોર્ડ ICC કરતા પોતાની સરકાર પર વધુ વિશ્વાસ ધરાવે છે.
બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડની એન્ટ્રી
ઉલ્લેખનીય છે કે, સુરક્ષા અને સ્થળના વિવાદને પગલે ICC એ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે અને તેના સ્થાને સ્કોટલેન્ડ (Scotland) નો સમાવેશ કર્યો છે. ICC એ સ્પષ્ટ કર્યું છે કે વર્લ્ડ કપના શેડ્યૂલમાં હવે કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પાકિસ્તાનના આ આક્રમક વલણ બાદ હવે ICC અને અન્ય સભ્ય દેશો વચ્ચે તણાવ વધવાની શક્યતા છે.
આ પણ વાંચો : Bangladesh Out of T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માંથી બાંગ્લાદેશ બહાર, ICC એ આ ટીમની એન્ટ્રી પર મારી મહોર


