Vadodra : ડ્રેનેજ લાઇન માટે ખોદેલા ખાડા બન્યા આફત, ચોમાસામાં જ ડ્રેનેજ લાઇનનું કામ કરતા સ્થાનિકોને ભારે હાલાકી
- વડોદરામાં ડ્રેનેજ લાઇન માટે ખોદેલા ખાડા બન્યા આફત
- ખોદેલા ખાડામાં ગેરેજમાં કામ કરતો યુવક ચક્કર ખાઇને પડ્યો
- સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ કેમેરામાં થયા કેદ
- ડ્રેનેજ લાઇનમાં કામ કરતા શ્રમિકોએ યુવકનો બચાવ્યો જીવ
વડોદરામાં કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇન માટે ખોદેલા ખાડામાં ગેરેજમાં કામ કરતો યુવક ચક્કર આવવાના કારણે પડી જતા દોડધામ મચી જવા પામી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં ડ્રેનેજ લાઇન માટે કામ કરતાં શ્રમિકો યુવક માટે દેવદૂત બન્યા અને તેનો જીવ બચાવ્યો…
વડોદરાના રાજેશ ટાવર થી અમીન પાર્ટી પ્લોટ રોડ પર કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે ડ્રેનેજની ગ્રેવિટી લાઇન પુશીંગ પદ્ધતિથી નાખવામાં આવી રહી છે. ચોમાસું શરૂ થાય તે પહેલા જ કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું છે, જેના લીધે લોકોને મુશ્કેલી પડી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇન માટે મોટા મોટા ખાડા ખોદી દીધા છે અને તેના ફરતે બેરીકેટિંગ કરી સેફ્ટી પટ્ટી પણ બાંધી છે, પરંતુ આખો રોડ વાહનચાલકો માટે બેરિકેટિંગ કરી બંધ નથી કર્યો.
ગઈકાલે સાંજે ગેરેજમાં કામ કરતો યુવક સંજય તડવી આ રોડથી પસાર થઈ રહ્યો હતો તે સમયે એકાએક તેને ખેંચ આવી. સંજયને ખેંચના કારણે ચક્કર આવતાં તે 10 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો. સંજય પડતા જ ત્યાં કામ કરતાં શ્રમિકોએ ખાડામાં કૂદી સંજયને સુરક્ષિત બહાર કાઢ્યો અને તેનો જીવ બચાવ્યો. સંજય તડવીને માથા અને હાથમાં ઈજા પહોંચતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ કહ્યું કે ચોમાસા સમયે જ કેમ કામ આપવામાં આવ્યું? ધીમી અને મંથર ગતિએ કામ ચાલતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યો.
કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં યુવક પડી જવાની ઘટના બાદ સ્થાનિક લોકોએ કોર્પોરેટરને ફરિયાદ કરતાં વોર્ડ 9 ના કોર્પોરેટર શ્રીરંગ આયરે સ્થળ પર દોડી આવ્યા, કોર્પોરેટરે તાત્કાલિક કોન્ટ્રાક્ટરને સૂચના આપી બેરિકેટિંગ કરાવી રોડ બંધ કરાવ્યો. સાથે જ વહેલીતકે કામ પૂર્ણ કરવા સૂચના પણ આપી. જ્યારે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના અધિકારી ધાર્મિક દવેએ કહ્યું કે વારંવાર ભૂવા પડવા તેમજ ડ્રેનેજ લીકેજ થવાને લઈ કામગીરી કરવામાં આવી રહી છે. યુવકને ચક્કર આવતાં તે ખાડામાં પડ્યો, આગામી બે દિવસમાં કામગીરી પૂર્ણ કરી કામ સેફ સ્ટેજમાં લઈ જવાશે.
આ પણ વાંચોઃ Bhavnagar Rain : નદીમાં કાર તણાયાનો LIVE વીડિયો, ગ્રામ્ય પંથકના ખેતરોમાં પાણી ફરી વળ્યા
કોર્પોરેશને ચોમાસા પૂર્વે સમગ્ર શહેરમાં ડ્રેનેજ, પાણી અને વરસાદી લાઇન નાખવા માટે જ્યાં ત્યાં ખાડા ખોદી દીધા છે, જે નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ડ્રેનેજ માટે ખોદેલા ખાડામાં પડ્યા બાદ પણ સદનસીબે યુવકનો જીવ તો બચી ગયો પણ જો ચોમાસામાં વરસાદ શરૂ થાય તે પહેલા ખોદેલા ખાડા પૂરવામાં નહીં આવે અને કામ સેફ સ્ટેજ પર નહી લઈ જવાય તો અનેક નાગરિકોનો જીવ જઈ શકે છે.