મનોજ કુમારના નિધન પર PM મોદીએ કર્યુ ટ્વિટ, જાણો શું કહ્યું?
- મનોજ કુમારના નિધન પર PM મોદીએ કર્યુ ટ્વિટ
- મનોજ કુમાર ભારતીય સિનેમાના પ્રતિક હતા: PM
- તેમની ફિલ્મોમાં દેશભક્તિ પ્રતિબિંબિત થતી: PM
Manoj Kumar passes away: પ્રખ્યાત અભિનેતા મનોજ કુમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું ગઈકાલે રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું. તેમના નિધનથી માત્ર ફિલ્મ ઉદ્યોગમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બધા ભીની આંખો સાથે મનોજ કુમારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સત્તાના ગલિયારાઓથી લઈને ફિલ્મ ઉદ્યોગ સુધી, દરેક વ્યક્તિ તેમની અંતિમ વિદાય પર શોક વ્યક્ત કરી રહ્યું છે. મનોજ કુમારના મૃત્યુ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટનો મારો ચાલુ થઈ ગયો છે. રાજકારણીઓ સહિત અનેક હસ્તીઓએ મનોજ કુમારને શ્રદ્ધાંજલિ આપી છે.
એક સફળ અભિનેતા
મનોજ કુમારે પોતાના અભિનય, દિગ્દર્શન અને દેશભક્તિપૂર્ણ ફિલ્મો દ્વારા ભારતીય સિનેમામાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું હતું, જેને ક્યારેય ભૂલી શકાશે નહીં. તેમને ‘ભારત કુમાર’નું બિરુદ મળ્યું હતું, જે તેમની રાષ્ટ્રપ્રેમથી ભરેલી ફિલ્મોની ઓળખ બની. પાકિસ્તાનમાં જન્મેલા આ કલાકારે પોતાના જીવનકાળમાં અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા અને દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી.
આ પણ વાંચો : Manoj Kumar ની પાકિસ્તાનથી ભારત અને બોલિવૂડથી રાજકારણ સુધીની સફર
PM મોદીએ ટ્વિટ કર્યું
મનોજ કુમારના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. X પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને PM મોદીએ કહ્યું કે, મનોજ કુમારના નિધનથી તેઓ ખૂબ જ દુઃખી છે. તેઓ ભારતીય સિનેમાના પ્રતિક હતા, તેમની દેશભક્તિ તેમની ફિલ્મોમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થતી હતી. તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદીએ ટ્વિટ કર્યું
મનોજ કુમારના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 'X' પર પોસ્ટ કરી કે, "સુપ્રસિદ્ધ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારજીના નિધનથી હું ઘણી દુઃખી છું. તેમણે ભારતીય સિનેમા પર અમીટ છાપ છોડી છે. તેમની લાંબી અને પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન, તેઓ તેમની દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા બન્યા, જેણે ભારતના યોગદાન અને મૂલ્યોમાં ગર્વની ભાવનાને પ્રોત્સાહન આપ્યું. તેમણે જીવંત કરેલા રાષ્ટ્રીય નાયકો, ખેડૂતો અને સૈનિકોના પ્રતિષ્ઠિત પાત્રો આપણી સામૂહિક સ્મૃતિમાં કોતરાયેલા રહેશે. તેમનું સિનેમા રાષ્ટ્રીય ગૌરવ જગાડશે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. હું તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું."
આ પણ વાંચો : Manoj Kumar Death Reason: મનોજ કુમારનું મૃત્યુ કેવી રીતે થયું, આખરે 'ભરત કુમાર'ને શું થયું હતુ?