PM Gujarat visit: રાજકોટમાં ભવ્ય રોડ-શો અને વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરાશે!
- રાજકોટમાં વડાપ્રધાન મોદી રોડ શો કરે તેવી શક્યતા
- 11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રોડ શો
- અમદાવાદમાં પણ અનેક કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત
PM Gujarat visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ ગુજરાત (Gujarat) ના મહેમાન બનવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ બે દિવસીય પ્રવાસને લઈને સમગ્ર રાજ્યમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ અને અમદાવાદમાં વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ અને આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ સહિતના મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે.
રાજકોટમાં ભવ્ય રોડ-શો અને સ્વાગત
11મી જાન્યુઆરીએ વડાપ્રધાન બપોરે રાજકોટ પધારશે. જૂના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા 'સ્વદેશી થીમ' સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ વડપ્રધાનનો આશરે એક કિલોમીટર લાંબો ભવ્ય રોડ-શો યોજાશે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી શક્યતા છે. રાજકોટ (Rajkot) માં વડાપ્રધાનનું સ્વાગત ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન
ગુજરાતની આ બીજી રિજનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટની મારવાડી યુનિવર્સિટી (Marwadi University) ખાતે 11 અને 12 જાન્યુઆરીએ યોજાશે. પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સમિટની અગત્યની બાબતો નીચે મુજબ છે.
- જાપાન, યુક્રેન, રિપબ્લિક ઓફ કોરિયા અને રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા 22 દેશો આ સમિટમાં જોડાશે.
- 26,400 ચોરસ મીટરમાં ટ્રેડ શોનું આયોજન કરાયું , જે મહેસાણા કરતા પણ વિશાળ હશે.
- અત્યાર સુધીમાં 6, 364 ઉદ્યોગકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું .
- સૌરાષ્ટ્ર-કચ્છના ઓટોમોબાઇલ અને સિરામિક ઉદ્યોગોને આનાથી વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. ટાટા કેમિકલ્સ, રિલાયન્સ અને અદાણી જેવી કંપનીઓ સહભાગી થશે.
અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ અને વિદેશી મહેમાન
12મી જાન્યુઆરીએ વડાપ્રધાન અમદાવાદ (Ahmedabad) ની મુલાકાત લેશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ (International Kite Festival) નો પ્રારંભ કરાવે તેવી શક્યતા છે. આ જ સમયે જર્મનીના ચાન્સેલર પણ ગુજરાતના મહેમાન બનવાના છે, જેમને વડાપ્રધાન સાબરમતી રિવરફ્રન્ટ અને ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત કરાવી શકે છે. અમદાવાદમાં પણ રોડ-શો યોજાય તેવી સંભાવના છે. આ ઉપરાંત, તેઓ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની પણ મુલાકાત લઈ શકે છે.
PM વિકાસ કાર્યોની સમીક્ષા કરશે
પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ જેવા કે મેટ્રો ટ્રેન ફેઝ-2 અને બુલેટ ટ્રેનની કામગીરી અંગે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા પણ કરશે. રાજકોટ બાદ આ સમિટ વડોદરા અને સુરતમાં પણ યોજાવાની છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય રોકાણકારો સાથે જોડવાનો છે.
આ પણ વાંચોઃ Surat: લિંબાયતમાં ખૂની ખેલ, 24 વર્ષીય યુવકની નિર્મમ હત્યાથી ચકચાર!


