'બિરસા મુંડાના ગામની માટીને માથા પર લગાડીને હું આદિવાસીઓના કલ્યાણનો સંકલ્પ લઈને નિક્ળ્યો છું' - PM મોદી
- આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની એક દિવસની મુલાકાતે
- સુરત બાદ તેઓ ડેડિયાપાડામાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા
- ડેડિયાપાડામાં જંગી મેદનીને સંબોધન કર્યું
- કોંગ્રેસ દ્વારા આદિવાસીઓની કરવામાં આવેલી ઉપેક્ષા સામે વડાપ્રધાનની ગર્જના
PM Modi In Dediyapada : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Bhai Modi) આજે એક દિવસ માટે ગુજરાતની (PM In Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા છે. તેમણે પ્રથમ સુરતની મુલાકાત લીધી હતી, અને ત્યાર બાદ તેઓ ડેડિયાપાડા ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં આદિવાસીઓના માતાજી દેવમોગરા માતાજીના મંદિરે શીશ ઝૂકાવ્યું હતું, અને આરતી કરી હતી. ત્યાર બાદ તેઓ રોડ શો સ્વરૂપે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. આ તકે તેમણે રૂ. 9,700 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે. જ્યાં તેમણે જંગી મેદનીને સંબોધન કરતા કહ્યું કે, હું 2003 માં દેવમોગરા માતાના દર્શને આવ્યો હતો, આજે આ જગ્યાનો ખુબ વિકાસ થયો છે, 2021માં ભગવાન બિરસામુંડાની જન્મજયંતિની જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણી શરૂ કરવામાં આવી. દેશમાં જયારે પણ જરૂર પડી, ત્યારે આદિવાસી સમાજ હંમેશા આગળ રહ્યો છે. સ્વતંત્રતા સંગ્રામ તેનું ઉદાહરણ છે, આદિવાસી નેતાઓએ આઝાદી માટે અપાર ત્યાગ કર્યો અને જીવનભર સંઘર્ષ કર્યા અને અંગ્રેજોને શાંતિથી બેસવા દીધા ન્હતા. આદિવાસી શૂરવીરોએ આઝાદી માટે પોતાનું લોહી વહાવ્યું હતું.
દેશમાં ઘણા ટ્રાયબલ મ્યુઝીયમ બનાવવામા આવ્યા
તેમણે વધુમાં જણાવ્યું કે, સ્વતંત્રતા સંગ્રામના ઘણા અધ્યાયો જનજાતીય ગૌરવથી રંગાયેલા છે. સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓના યોગદાનને ભૂલવું ના જોઈએ. પણ આઝાદી બાદ એક જ પરિવારની વાહવાહીમાં આ બધું યોગદાન ભુલાઈ ગયું. 2014 પહેલા બિરસા મુંડાથી ઓછા લોકો પરિચિત હતા. આવનારી પેઢીને યાદ રહે તે માટે દેશમાં ઘણા ટ્રાયબલ મ્યુઝીયમ બનાવવામાં આવ્યા છે. માતા નર્મદાની આ પવિત્ર ભૂમિ આજે બીજી એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બની રહી છે. 31 ઓક્ટોબરના રોજ, આપણે અહીં સરદાર પટેલની 150 મી જન્મજયંતિ ઉજવી. ભારત પર્વ આપણી એકતા અને વિવિધતાની ઉજવણી માટે શરૂ થયું છે.અને આજે, ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિની આ ભવ્ય ઉજવણી સાથે, આપણે ભારત પર્વની પૂર્ણતાના સાક્ષી બની રહ્યા છીએ. આ શુભ પ્રસંગે હું ભગવાન બિરસા મુંડાને મારા શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
હું પહેલો પ્રધાનમંત્રી છું
તેમણે વધુમાં જણાવ્યું કે, હું મુખ્યમંત્રી બન્યો ત્યારબાદ ગુજરાતના આદિવાસી પટ્ટામાં 10,000 સ્કૂલો બની અને આજે બે ડઝન જેટલી કોલેજો પણ કાર્યરત છે, હવે રમતગમતમાં પણ આદિવાસી ખેલાડીઓ પણ ઉભરી રહ્યાં છે. હમણાં વુમન ટીમ વર્લ્ડકપ જીતી તેમાં પણ એક આદિવાસી ખેલાડીનું યોગદાન રહ્યું છે, હું પહેલો પ્રધાનમંત્રી છું જેણે ભગવાન બિરસા મુંડાના ઘરની મુલાકાત લીધી છે. આજે પણ ભગવાન બિરસા મુંડાના પરિવારજનો સાથે મારા સારા સંબંધ છે. ભગવાન બિરસા મુંડાના ગામની માટીને માથા પર લગાડી હું આદિવાસીઓના કલ્યાણનો સંકલ્પ લઈને નિક્ળ્યો છું, ગુજરાતમાં અમે આદિવાસીઓના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ આ યોજનાઓએ સારી રીતે આગળ ધપાવી રહ્યાં છે. આજે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી છે. આ ઉપરાંત NDAએ હંમેશા આદિવાસી સાથી નેતાઓને શીર્ષ પદો આપ્યા છે, અમે ઘણા રાજ્યોમાં આદિવાસી મુખ્યમંત્રી, વિધાનસભાઓમાં આદિવાસી સ્પીકર, રાજ્યોના રાજ્યપાલ આદિવાસી નેતાને બનાવ્યાં છે
આ પણ વાંચો ----- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેવમોગરા માતાજી સમક્ષ શીશ ઝૂકાવ્યું