VADODARA : ગગનભેદી જયઘોષ, વિવિધ ઝાંખીઓ, સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોથી રોડ શો મહાઉત્સવ બન્યો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા વડોદરાવાસીઓએ તમામ તાકાત જોખી
- વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન કારમાંથી બહાર નીકળીને ઝીલ્યું
- સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રથમની ભાવનાથી ઓતપ્રોત બન્યું
VADODARA : ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ પ્રથમ વખત વડોદરા (VADODARA) ની ધરતી પર પધારેલા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (PM NARENDRA MODI) ના સ્વાગત સન્માન યોજાયેલી સિંદૂર સન્માન યાત્રા (SINDOOR SANMAN YATRA) માં નારીશક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વડોદરાની હજારો મહિલાઓએ ઓપરેશન સિંદૂર બદલ વડાપ્રધાનશ્રીનું સ્વાગત અભિવાદન કરી તેમને બિરદાવ્યા હતા. રોડ શો સ્વરૂપની સિંદૂર સન્માન યાત્રાના રૂટ પર પ્રચંડ નારીશક્તિ, દેશભક્તિના ગીતો, રૂટ પર તિરંગો, વિવિધ ઝાંખીઓ, સાંસ્કૃતિક કૃતિઓ, ભારતીય સેનાના શસ્ત્રોની પ્રતિકૃતિઓએ વાતાવરણને ઉર્જાવાન અને મનમોહક બનાવી દેતા આ યાત્રા મહાઉત્સવમાં પરિણમી હતી.
વડાપ્રધાન મોદી પર પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત સન્માન કર્યું
જૂના એરપોર્ટથી એરફોર્સ સ્ટેશનના ગેટ સુધી યોજાયેલા આ રોડ શો દરમિયાન વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે વડોદરાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. સૌપ્રથમ વડોદરા એરપોર્ટ પર નાસિક બેન્ડ સહિત વિવિધ બેન્ડથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાનશ્રીનો રોડ શો શરૂ થયો હતો. રોડ શોના રૂટ પર હજારો મહિલાઓ સાથે બાળશક્તિઓએ પણ હાથમાં તિરંગો પકડીને વડાપ્રધાન શ્રી મોદી પર પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત સન્માન કર્યું હતું.
શહેરીજનોનું અભિવાદન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝીલ્યું
જેમ જેમ વડાપ્રધાન શ્રી મોદીનો કાફલો આગળ વધતો ગયો તેમ તેમ દેશભક્તિના ગીતોના સથવારે અને ઓપરેશન સિંદૂરના પ્રણેતા એવા શ્રી મોદી પર પુષ્પવર્ષા થકી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો રંગ વધારે જોવા મળતો હતો. વડાપ્રધાનની એક ઝલક જોવા માટે અને ઓપરેશન સિંદૂર માટે આભાર અભિનંદન વ્યક્ત કરવા માટે ઉમટેલા શહેરીજનોનું અભિવાદન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝીલ્યું હતું.
વિવિધ ધર્મ, સમાજ, વર્ગો તેમજ સંસ્થાઓના લોકો સાથે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જોડાયા
અંદાજે એક કિલોમીટરના ભવ્ય રોડ શોમાં વિવિધ ૧૫ સ્ટેજ પર દેશપ્રેમની થીમ આધારિત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ, તિરંગો, બ્રહ્મોસ મિસાઈલ અને રાફેલ વિમાનોના ટેબ્લો, દેશભક્તિના ગીતો, ભારતીય સેનાના શોર્યને બિરદાવતા પ્લે કાર્ડ/બેનરોના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રથમની ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું. વિવિધ ધર્મ, સમાજ, વર્ગો તેમજ સંસ્થાઓના લોકો સાથે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ આ રોડ શોના સ્વાગત કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
ગરબા રમીને લોકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો
આ રોડ શોમાં ઓપરેશન સિંદૂરની વિવિધ ઝાંખીઓ, વડાપ્રધાનશ્રી મોદી અને ભારતીય સેનાના જવાનો સાથે તેજસ અને રાફેલ ફાઈટર પ્લેન તેમજ બ્રહ્મોસ મિસાઈલનું કટ આઉટ, સિંદૂર ભરેલો ઘડો, ઓપરેશન સિંદૂરની કેપ, શાસ્ત્રીય નૃત્યો, સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કરીને આવેલા વડોદરાના કલાવૃંદો વગેરે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. સિંદૂર સન્માન યાત્રામાં નારીશક્તિના વિવિધ સ્વરૂપના દર્શન થયા હતા. રોડ શો પૂર્ણ થયા બાદ લોકો દેશભક્તિના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા, તો ક્યાંક ગરવી ગુજરાતની આગવી સંસ્કૃતિ સમા ગરબા રમીને લોકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો --- VADODARA : PM મોદીને વધાવતી સિંદૂર સન્માન યાત્રામાં સાંસ્કૃતિક મેળાવડા જેવો માહોલ