માનવતા હજુ જીવે છે, કૉન્સ્ટેબલ અને બે યુવકો મધરાતે ભૂલા પડેલા વયોવૃદ્ધનું ઘર શોધતા હતા
Ahmedabad City Police : કડકાઈ, રૂઆબ અને અસંવેદનશીલતા આ ઓળખ છે સામાન્ય રીતે પોલીસની. ખાખીધારીઓની ફોજમાં હજુ પણ કેટલાંક સંવેદનશીલ અને માનવતાવાદી લોકો છે. આવું જ એક ઉદાહરણ અમદાવાદ શહેરમાં મધરાતે જોવા મળ્યું. મારી નજરની સામે Ahmedabad City Police ના પોલીસ કર્મચારી અને બે યુવકોએ ભૂલાં પડેલાં 74 વર્ષીય વૃદ્ધને સ્વજનો પાસે પહોંચાડવા રાતભર પ્રયત્નશીલ રહ્યાં અને 12 કલાકની મહેનત રંગ લાવી. પોલીસનો આ પણ એક ચહેરો છે. કોણ છે આ ફરજ નિષ્ઠાવાન પોલીસ કર્મચારી જેઓ જવાબદારીની સાથે માનવતા પણ નિભાવે છે ? વાંચો આ અહેવાલ...
અડધી રાતે ફોનમાં ફોટો બતાવી કૉન્સ્ટેબલ પૂછપરછ કરતા
ગત સોમવાર-મંગળવારની રાતે ઑફિસેથી નીકળ્યો ત્યારે મારા એક પત્રકાર મિત્રને ફોન કર્યો તો તેણે મળવા આવવાનો આગ્રહ કર્યો. જેથી હું તેના આગ્રહને ટાળી ના શક્યો અને નારણપુરા વિસ્તારની એક ચાની કીટલી ખાતે અમે ભેગા થયા. દરમિયાનમાં અમારા એક પરિચિત પોલીસ અધિકારી પણ ત્યાં આવતા તેમની સાથે ચાની ચૂસ્કી લઈ રહ્યાં હતા. તે સમયે એક પોલીસ કર્મચારી મોબાઈલ ફોનમાં એક વયોવૃદ્ધની તસ્વીર બતાવી તમે આમને ઓળખો છે કે ક્યાં જોયા છે ? તેવું લોકોને પૂછવા લાગ્યા હતા. અમને પણ આ પોલીસ કર્મચારીએ ફોટો બતાવી માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. જ્યારે અમે પોલીસ કર્મચારી સાથે વાત કરી તો તેઓ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન (Ghatlodia Police Station) ખાતે ઈન્વે. સ્કવૉડમાં ફરજ બજાવતા જયેશભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
માનવતાવાદી યુવકોએ વૃદ્ધને મદદ કરવા પોલીસની મદદ લીધી
મધરાતે એક અજાણ્યા વૃયોવૃદ્ધને સ્વજનો સુધી પહોંચાડવા માટે કોઈ પોલીસ કર્મચારી પ્રયત્નશીલ હોય તેવું દ્રશ્ય આજના જમાનામાં જોઈને હું ખુશ થયો હતો. મારી સાથે ચાની કીટલી પર બેસેલો મારો પત્રકાર મિત્ર અને પોલીસ અધિકારી પણ આ વાતથી આનંદમાં હતા. આ વાત ભૂલી શકાય તેમ ન હતી. જેથી મેં બેએક દિવસ બાદ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના પીઆઈ જે. એસ. કંડોરીયા (PI J S Kandoriya) ને ફોન કરીને ઈન્વે. સ્કવૉડના જયેશભાઈ અંગે વાત કરતા પીઆઈ તેમની સારી કામગીરીથી વાકેફ હોવાનું જાણવા મળ્યું હતું. જયેશભાઈનો ફોન નંબર મેળવી Gujarat First એ તેમનો સંપર્ક કર્યો હતો. જયેશભાઈને ભૂલાં પડેલાં વયોવૃદ્ધ બાબતે પૂછતાં તેમણે કહ્યું કે, ગત સોમવારની રાતે નવેક વાગે પાર્થ અને અન્ય એક એમ બે યુવાનો કે. કે. નગર પેટ્રોલ પંપ પાસેથી તેમને લઈને પોલીસ સ્ટેશન આવ્યા હતા. વયોવૃદ્ધ વ્યક્તિ પોતાનું નામ નરેશભાઈ જાની હોવાનું જણાવતા હતા અને પોતે શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હોવાનું કહેતા હતા.
આ પણ વાંચો -7 વર્ષથી અમદાવાદમાં ચૂંટણી/આધાર/પાન કાર્ડનો ધંધો કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરને Gujarat ATS એ પકડ્યો
બાર કલાકની જહેમત બાદ વૃદ્ધનો સ્વજનો સાથે ભેટો થયો
મોટી ઉંમર તેમજ થાકના કારણે ભૂલાં પડેલાં વૃદ્ધ બોલી શકવા માટે સમર્થ નહીં હોવાથી પોલીસ કૉન્સ્ટેબલ જયેશકુમાર નાણાવટી (Jayesh Nanavati PC) એ સોશિયલ મીડિયાનો સહારો લઈ તેમનો ફોટો વાયરલ કરી માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. દરમિયાનમાં યુવકોએ તેમનું ઘર શોધવા માટે નારણપુરા શાસ્ત્રીનગર વિસ્તારમાં કાર લઈને અનેક ઠેકાણે આંટા માર્યા હતા. રાત પડી ગઈ હોવાથી વૃદ્ધ દાદા તેમના ઘરની આસપાસનો વિસ્તાર ઓળખી શકતા ન હતા. મોડી રાત થઈ ગઈ હોવાથી જયેશભાઈએ બંને યુવકોને દોડભાગમાંથી છુટા કર્યા અને ત્યારબાદ પોલીસ વાનમાં બેસાડીને દાદાનું ઘર શોધવા પણ પ્રયાસ કર્યો હતો. આમને આમ પરોઢ થઈ જતાં દાદાને ચા-નાસ્તો કરવી પોલીસ સ્ટેશનમાં દોઢેક કલાક સુવડાવી દીધા હતા અને ફરી પાછા સવારે તેમની સાથે વાત કરી નારણપુરા શાસ્ત્રીનગર વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં લોકોની સાથે વાતચીત કરતા ભૂલાં પડેલા જાની દાદાનું ઘર મળી ગયું અને તેમના પુત્ર, પુત્રવધુ તેમજ પૌત્ર સાથે મિલન કરાવ્યું હતું. જાની પરિવાર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, દાદા સોમવારની બપોરે જ ઘરેથી નીકળી ગયા હતા.
આ પણ વાંચો -સિન્ડીકેટ કરપ્શનનો પર્દાફાશ, ખાણ ખનીજ કચેરીનો સ્ટાફ 2 લાખની લાંચમાં Gujarat ACB ની ઝપટે ચઢ્યો
'નેકી કર દરિયા મેં ડાલ' : PC જયેશકુમાર નાણાવટી
વર્ષ 2015માં કૉન્સ્ટેબલ તરીકે પોલીસ દળમાં ભરતી થયેલા જયેશભાઈ નાણાવટી અગાઉ સાબરમતી પોલીસ સ્ટેશન (Sabarmati Police Station) અને હાલ ઘાટલોડીયા ખાતે ફરજ બજાવી રહ્યાં છે. 'નેકી કર દરિયા મેં ડાલ' સૂત્રને અનુસરતા જયેશભાઈસાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, અગાઉ પણ ગુમ થયેલા/ભૂલાં પડેલા સગીર તેમજ પુખ્ત વયના અનેક લોકોને સ્વજનનો ભેટો કરાવ્યો છે. તેમની આ કામગીરી બાબતે વાત કરતા કહે છે કે, કોઈપણ ગુમ થયેલી કે પછી ભૂલી પડેલી વ્યક્તિને હું મારા પરિવારના સભ્યની જેમ જોઉં છું અને લાગણી અનુભવું છું.