Valsad: રાજસ્થાન બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલ મયંક પટેલને અપાયું ગાર્ડ ઓફ ઓનર
- Valsad ના મૃતક પોલીસ કોન્સ્ટેબલને અપાયું ગાર્ડ ઓફ ઓનર
- રાજસ્થાનમાં અકસ્માતમાં કોન્સ્ટેબલ મયંક પટેલનું થયું અવસાન
- અંતિમયાત્રામાં ધરમપુરના MLA, ઉચ્ચ અધિકારીઓ જોડાયા
- મયંક પટેલના અવસાનથી ફલધરા ગામમાં શોકની લાગણી પ્રસરી
Valsad:વલસાડ જિલ્લાના ફલધરા ગામમાં આજે શોકની ભારે લાગણી સાથે કરુણતા છવાઈ ગઈ હતી. રાજસ્થાનમાં થયેલા ગમખ્વાર બસ અકસ્માતમાં જીવ ગુમાવનાર પોલીસ કોન્સ્ટેબલ મયંક પટેલ (Constable Mayank Patel) ને અંતિમ વિદાય આપવામાં આવી છે. વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત આવી રહેલા મયંક પટેલને વતન લવાયા બાદ સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પરત ફરતી વખતે નડ્યો અકસ્માત
વલસાડ તાલુકાના મુસાફરોને લઈને વૈષ્ણોદેવીના દર્શન (Vaishno Devi Yatra) કરીને પરત ફરી રહેલી અક્ષરયાન ટ્રાવેલ્સ (Aksharyan Travels) ની બસને રાજસ્થાનમાં મંગળવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. મુસાફરોએ 2 ડિસેમ્બરના રોજ આ યાત્રા શરૂ કરી હતી, પરંતુ પરત ફરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જેમાં વલસાડ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મયંક પટેલનો પણ સમાવેશ થાય છે. મયંક પટેલના નિધનના સમાચાર મળતા જ ફલધરા ગામ સહિત આસપાસના ગામોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
ઉલ્લેખનયી છે કે આ બસમાં ફલધરાના કુલ 18 લોકો સવાર હતા. તેમાં અન્ય ગામોના પણ લોકો હતા. જેમને ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પરિવાર સહિત આખું ગામ હિબકે ચડ્યું
પોલીસ કોન્સ્ટેબલ મયંક પટેલની અંતિમયાત્રા દરમિયાન આજે ફલધરા ગામ (Phaladhra Village) માં ભારે શોકનું વાતાવરણ હતું. યુવાન વયના મયંકના આકસ્મિક નિધનથી તેમનો પરિવાર અને સમગ્ર પોલીસ પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા અને આખો માહોલ અત્યંત કરુણ હતો. પોલીસના જવાનો અને તેમના સાથી મિત્રો પણ આંખમાં આંસુ સાથે તેમને અંતિમ સલામ આપી હતી.
Valsad પોલીસ અને હીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાંજલિ
કોન્સ્ટેબલ મયંક પટેલની અંતિમયાત્રામાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ( MLA Arvind Patel ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વલસાડ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટી તંત્રના પદાધિકારીઓ પણ જોડાયા હતા. મયંક પટેલને પૂર્ણ સન્માન અને ગૌરવ સાથે અંતિમ વિદાય આપતાં તેમને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Rajkumar Jat case: હવે થશે દૂધનું દૂધ, પાણીનું પાણી!, ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ