ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Porbandar: આજથી 5 દિવસ સુધી માધવપુર ઘેડ મેળો શરૂ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના માધવપુરમાં રામનવમી પર્વની સંધ્યાએ ભવ્ય માધવપુર મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.
10:13 PM Apr 06, 2025 IST | Vishal Khamar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના માધવપુરમાં રામનવમી પર્વની સંધ્યાએ ભવ્ય માધવપુર મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.
Madhavpur horse fair starts gujarat first

દ્વારકાના નાથ ભગવાન શ્રીકૃષ્ણના અરુણાચલ પ્રદેશના રુકમણીજી સાથેનો દિવ્ય વિવાહ મહોત્સવ માધવપુરમાં યોજાયો તેની સ્મૃતિ ઉત્સવરૂપે દર વર્ષે રામનવમીથી આ મેળો ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2018થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે યોજાતા આ માધવપુર મેળાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રીશ્રી અને પોરબંદરના સાંસદ શ્રી ડૉ. મનસુખ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. તેમણે આ અવસરે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રુકમણી મંદિર પરિસરમાં રૂ. 30 કરોડના ખર્ચે નિર્માણ થયેલા યાત્રી સુવિધાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, માધવપુરનો મેળો શ્રીરામ અને શ્રીકૃષ્ણ બંનેની ભક્તિ અને પરંપરાના સંગમનું પ્રતીક છે. એક તરફ શ્રીરામના જન્મોત્સવની દિવ્યતા છે અને એક તરફ ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન ઉત્સવની ભવ્યતા છે. તેમણે ઉમેર્યું કે માધવપુરનો મેળો એ માત્ર ધાર્મિકોત્સવ જ નહિં, પરંતુ આપણી એકતા, સાંસ્કૃતિક વિરાસત અને પરસ્પરના પ્રેમનું જીવંત પ્રતિક છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણના પશ્ચિમ પ્રદેશ અને રુકમણીજીના પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નો જે સંકલ્પ આપ્યો છે તે આવી મેળા સંસ્કૃતિમાં અલગ-અલગ પ્રદેશોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ, ખાન-પાન વ્યંજનો, હસ્તકલા કારીગરી વસ્તુઓના આદાન-પ્રદાનથી ભલિભાંતિ સાકાર થાય છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ મેળો માત્ર સાંસ્કૃતિક પ્રવૃત્તિ કે લોકકલાને માણવાનો અવસર નહિં પરંતુ બીચ સ્પોર્ટ્સ જેવી સાહસિક રમતોની સ્પર્ધાનો ઉત્સવ બને તેની પણ કાળજી લીધી છે તેમ ઉમેર્યું હતું. તેમણે ગાંધી જન્મભૂમિ પોરબંદર, સોમનાથ, દ્વારકા અને માધવપુર આખોય વિસ્તાર બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરીઝમ બની રહ્યો છે તેની ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સ્થળોએ વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા રાજ્ય સરકાર કનેક્ટિવિટીને વધુ સંગીન બનાવી રહી છે. આ હેતુસર પોરબંદર એરપોર્ટ નું વિસ્તરણ તથા રન-વે વિસ્તૃતિકરણ તેમજ સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે માટે આ વર્ષના બજેટમાં નાણાંકીય જોગવાઈ કરી છે. મુખ્યમંત્રીએ પૂર્વોત્તર રાજ્યો મેઘાલય, મણીપુર, અરુણાચલપ્રદેશ વગેરેના કલાકારોએ કરેલી પ્રસ્તુતિ અને ગુજરાતના કલાકારોની કલા પ્રસ્તુતિના સમન્વયેને બિરદાવ્યો હતો.

કેન્દ્રીયમંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ રામનવમીના પાવન અવસરે માધવપુરની પવિત્રભૂમિ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ઘેડ વિસ્તારમાં ક્ષાર નિયંત્રણ અને ભરતીપૂરની ગંભીર સમસ્યા નિવારવા માટે સરકારે બજેટમાં રૂપિયા 75 કરોડ જોગવાઈ કરી છે અને રાજ્ય સરકાર આ કામગીરી જલ્દીથી શરુ કરશે એવો મને વિશ્વાસ છે એમ ડો માંડવીયા એ ઉમેર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાણી, પર્યાવરણ અને પર્યટન ત્રણેય માટે ખૂબ મહત્વના એવા મોકરસગર તળાવની પોરબંદરને ખૂબ મોટી ભેટ આપી છે અને મુખ્યમંત્રી અહી મેળામાં આવતા પહેલાં મોકરસાગર તળાવની મુલાકાત લઈને આવ્યા છે તે જ સમગ્ર પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારનું કમિટમેન્ટ દર્શાવે છે. સાથે જ જણાવ્યું હતું કે પોરબંદર-ઘેડ વિસ્તારમાં વધતા પ્રવાસનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર તેના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવી રહી છે. આ વર્ષના બજેટમાં પણ પોરબંદર એરપોર્ટના વિકાસને પ્રાધાન્ય અપાયું છે.

માધવપુર અને તેની આસપાસનો વિસ્તાર રીલિજીયસ ટુરીઝમનું હબ બની રહ્યાં છે તેમ કહેતા માંડવિયાએ ઉમેર્યું કે વડાપ્રધાનના દિશાદર્શન હેઠળ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દ્વારા મૂળ સૌરાષ્ટ્રના અને તામિલનાડુમાં વસેલા તમિલ લોકો પોતાના મૂળ સાથે જોડાયા છે અને માધવપુરના મેળાએ પૂર્વોત્તર ભારતને ગુજરાત સાથે જોડ્યું છે. કેન્દ્રીય મંત્રી માંડવિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વેડ ઇન ઇન્ડીયા” ના વિઝન માટે માધવપુર દેશનું ઉત્તમ સ્થળ બની શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવું કે માધવપુરમાં તો સદિઓ પહેલા ડેસ્ટીનેશન વેડીંગ થયું હતું અને તેના માનમાં આ મેળાનું આયોજન આપણે દર વર્ષે કરીએ છીએ. આપણે માધવપુરને પણ ભારતના શ્રેષ્ઠ ડેસ્ટીનેશ વેડીંગ સ્થળ તરીકે વિકસાવી શકીએ તેમ છીએ.

રાજ્યના સાંસ્કૃતિક બાબતો અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. તેમણે આ વર્ષે પ્રથમવાર રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત સોમનાથ, દ્વારકા જેવા સ્થળોએ પૂર્વોત્તર પ્રદેશના કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને ક્રાફ્ટ બજારના આયોજનથી વધુને વધુ લોકોને માધવપુર મેળાનો નજીકથી પરિચય થયો છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો. આ મેળાના પ્રારંભ અવસરે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદઓ, મુખ્ય સચિવ પંકજ જોષી, યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના અગ્ર સચિવ એમ. થેન્નારસન, પ્રવાસન અગ્ર સચિવ ડો. રાજેન્દ્ર કુમાર તેમજ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ અને જિલ્લા-શહેરના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
CM Bhupendra PatelDivine Marriage FestivalGujarat FirstGUJARAT FIRST NEWSPorbandar CollectorPorbandar Madhavpur Horse FairPorbandar News
Next Article