Punjab Factory Blast : પંજાબમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 5 ના મોત
- પંજાબમાં મોટી દુર્ઘટના સામે આવી
- દુર્ઘટનામાં 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી
- સ્થાનિક પોલીસે રાહત કાર્યની સાથે તપાસ શરૂ કરી
Punjab Factory Blast : પંજાબ (Punjab) ના મુક્તસર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહેવાલ અનુસાર, ફટાકડા બનાવતા એકમની ઇમારત વિસ્ફોટ બાદ ધરાશાયી (Cracker Factory Blast) થઈ ગઈ છે, જેમાં પાંચ કામદારોના મોત થયા છે. અને 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. ઘટના બાદ પોલીસ આ મામલાની આરંભી છે. કાટમાળ નીચે હજુ ઘણા લોકો દટાયેલા હોવાની આશંકા છે. આ સાથે જ રાહત કાર્ય પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.
મોટા ભાગના કામદારો અન્ય રાજ્યના હોવાનું અનુમાન
સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, મુક્તસર જિલ્લાના સિંઘેવાલામાં એક ઇમારત ધરાશાયી થવાથી ઓછામાં ઓછા પાંચ કામદારોના મોત થયા છે. મીડિયા સૂત્રોએ જણાવ્યું કે, આ ઘટના રાત્રે 2 વાગ્યાની આસપાસ બની હતી. હરિયાણા રાજ્યની સરહદ પર સ્થિત આ યુનિટમાં કામદારો ફટાકડા બનાવવા અને પેક કરવાના કામમાં જોતરાયેલા હતા. જે પૈકીના મોટા ભાગના કામદારો અન્ય રાજ્યના હોવાનું અનુમાન છે.
20 કામદારોને AIIMS ખસેડાયા
મુક્તસરના એસએસપી અખિલ ચૌધરીએ જણાવ્યું છે કે, કાટમાળમાંથી 5 મૃતદેહ મળી આવ્યા છે, સાથે જ ઘાયલોને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 20 કામદારોને AIIMS એટલે કે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ભટિંડામાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુક્તસરની કેટલીક અન્ય હોસ્પિટલોમાં પણ કામદારોની સારવાર કરવામાં આવી રહી છે.
અગમ્ય કારણોસર વિસ્ફોટ થયો
એસએસપીએ કહ્યું, 'પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ફટાકડા ઉત્પાદન વિસ્તારમાં અગમ્ય કારણોસર વિસ્ફોટ થયો હતો, જેના કારણે ઇમારત ધરાશાયી થઈ હતી.' પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આ ઘટનામાં મૃત્યુ આગને કારણે નહીં પણ ફેક્ટરીનું માળખું તૂટી પડવાથી થયા છે.
આ પણ વાંચો ---Ahmedabad : દિલ્હી દરવાજા પાસે પશુઓ લઇ જતું વાહન પકડાતા બબાલ થઇ