પંજાબના DIG હરચરણ સિંહ ભુલ્લર લાંચ કેસમાં કરાયા સસ્પેન્ડ, CBIએ દરોડામાં 2.5 કિલો સોનાના દાગીના કર્યા હતા જપ્ત
- Bribery Case: પંજાબના DIG હરચરણ સિંહ ભુલ્લર લાંચ કેસમાં સસ્પેન્ડ
- પંજાબ સરકારે ભુલ્લરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા
- સીબીઆઇની રેડમાં સોનાના દાગીના સહિત રોકડ રકમ જપ્ત કરાઇ
પંજાબ સરકારે ભ્રષ્ટાચારના ગંભીર કેસમાં ફસાયેલા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG) હરચરણ સિંહ ભુલ્લર સામે મોટી કાર્યવાહી કરી છે. ₹8 લાખની લાંચના કેસમાં CBI દ્વારા ધરપકડ કરાયા બાદ પંજાબ સરકારે ભુલ્લરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Bribery Case: CBIના દરોડામાં કરોડોની રોકડ અને સોના ચાંદીના દાગી કર્યા હતા જપ્ત
ભુલ્લરના ચંદીગઢ સ્થિત નિવાસસ્થાને CBI દ્વારા રાતોરાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી માત્રામાં રોકડ અને લક્ઝરી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન CBIએ ₹7.50 કરોડ રોકડા અને 2.5 કિલો સોનાના દાગીના જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, રોલેક્સ અને રાડો જેવી બ્રાન્ડની 26 લક્ઝરી ઘડિયાળો, પરિવારના સભ્યોના નામે 50થી વધુ સ્થાવર મિલકતો સંબંધિત દસ્તાવેજો અને અનેક બેંક ખાતાઓની વિગતો પણ મળી આવી હતી. સમરાલા સ્થિત ભુલ્લરના ફાર્મહાઉસમાંથી પણ ₹15.70 લાખ રોકડા અને 108 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.
Bribery Case: પંજાબ સરકારે ભુલ્લરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા
ફતેહગઢ સાહિબના એક ભંગાર વેપારી, આકાશ બટ્ટાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે DIG ભુલ્લર 2023માં દાખલ થયેલી FIRના સમાધાન માટે વચેટિયા મારફતે નિયમિત માસિક લાંચની માંગણી કરી રહ્યા હતા. આ મામલે ભુલ્લરના વચેટિયા કિર્શાનુની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ₹2.1 મિલિયન જપ્ત કરાયા હતા. ભુલ્લર સામે ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
શુક્રવારે CBI કોર્ટે ભુલ્લરને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. શનિવારે પંજાબ ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, કોઈપણ સરકારી અધિકારી જે 48 કલાકથી વધુ સમય માટે સત્તાવાર કસ્ટડીમાં રહે છે, તેને સસ્પેન્ડ થયેલો માનવામાં આવશે. આ નિયમ મુજબ, હરચરણ સિંહ ભુલ્લરને 16.10.2025 થી સસ્પેન્ડ થયેલા ગણવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હરચરણ સિંહ ભુલ્લર પંજાબના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક એમએસ ભુલ્લરના પુત્ર છે.
આ પણ વાંચો: બિહારમાં કોંગ્રેસે પાંચ ઉમેદવારની બીજી યાદી કરી જાહેર