વરસાદની આગાહી, 12થી 16 જૂન વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની વકી
હાલ ગુજરાત પર ‘બિપોરજોય’ નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેવામાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝડું માંડવી અને કરાંચી વચ્ચે 15મી જૂનના રોજ બપોર પછી આવી રહ્યું હોય તેવો ટ્રેક દેખાઇ રહ્યો છે. જેમાં તારીખ 12, 13, 14, 15 અને 16 જૂને અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, નલિયા અને માંડવીની આસપાસ વાવાઝોડું લેન્ડફોલ કરશે. બિપોરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને લઈ વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. વાવાઝોડા બિપોરજોયના નવા રૂટથી ગુજરાત પર જોખમ વધ્યું છે. સ્કાયમેટે કહ્યું કે, હવે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. 15 જૂને વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરશે.
બીજી તરફ બિપોરજોય વાવાઝોડાને લઈ સરકાર પણ સતર્ક થઇ ગઇ છે અને મંત્રી ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયાએ બેઠક યોજીને કચ્છ જિલ્લામાં સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. વાવાઝોડાના પગલે કચ્છ જિલ્લામાં 3 દિવસ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સંભવિત સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે.
રાજ્યના 9 બંદર પર અતિ ભયજનક 9 નંબરના સિગ્નલ
બિપોરજોય અત્યંત ખતરનાક બનતા રાજ્યના 9 બંદર પર અતિ ભયજનક 9 નંબરના સિગ્નલ લગાવાયા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બંદરો જખૌ, માંડવી, મુન્દ્રા, કંડલા તથા નવલખી, જામનગર, સલાયામાં 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ઓખા બંદરે પણ 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
દ્વારકામાં દિવાલ ધરાશાયી
દ્વારકામા બિપોરજોય વાવાઝોડાની વધારે અસર જોવા મળી રહી છે અને દ્વારકાના ભડકેશ્વર દરિયા કિનારે દરિયાઈ મોજાના કારણે ભેખડ ખસી પડી છે. દરિયામાં ભારે કરંટ હોવાથી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને તેના કારણે કિનારા પરની ભેખડ ધસી પડી છે. ભારે પવનના કારણે દરિયા કિનારા વિસ્તારમાં લોકોને ના જવાની તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાંથી પહેલીવાર ISKP ના મોડ્યૂલનો પર્દાફાશ, ગુજરાત ATSએ પકડેલી આતંકી સુમેરાબાનુનો મોટો ઘટસ્ફોટ


