આ ગેંગ વધુ ગુનાઓ સાથે સંકળાયેલી હતી
કુલ 20 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી 10 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, 6 અન્ય ગુનાઓમાં જેલમાં હોવાથી તેમનો કબ્જો મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
જ્યારે 4 આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, ફીરીયા સિન્ડિકેટ છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ સહિત જામનગર, ભાવનગર, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં બહારના રાજ્યોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી તેનું વિશાળ નેટવર્ક ચલાવતું હતું. માત્ર દારૂની હેરાફેરી જ નહીં, પરંતુ હત્યાના પ્રયાસ, ગેંગ બનાવી હુમલા, અપહરણ, ધાક-ધમકી, મારામારી અને આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓમાં પણ આ ગેંગ સક્રિય હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
મહાજન માંડલીયા સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હતો
પોલીસે વર્ષ 2017થી 2026 દરમિયાનના ગુનાહિત ઇતિહાસનું વિશ્લેષણ કરતાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ સિન્ડિકેટ સાથે સીધી કે પરોક્ષ રીતે જોડાયેલા આરોપીઓ સામે કુલ 272 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસના મતે ફીરોઝ ઉર્ફે ફીરીયો અને તેનો સાગરીત હર્ષદ ઉર્ફે મહાજન માંડલીયા સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધાર હતા.
પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં સિન્ડિકેટને આર્થિક મદદ કરનાર, પડદા પાછળથી સંચાલન કરનાર તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓમાંથી લાભ મેળવનાર લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પૂરતા પુરાવા મળતા તેમની સામે પણ GUJCTOC હેઠળ કાર્યવાહી થશે.છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેરમાં પેંડા, મુર્ગા, બાટલી, ઓડિયા, ઇભાલા, શામજી મંકા, અલ્તાફ છ આંગળી, રામદેવ ડાંગર અને હવે ફીરીયા સિન્ડિકેટ સહિત કુલ 9 ગેંગો સામે GUJCTOC હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે. આ તમામ કેસોમાં અત્યાર સુધીમાં 113 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
272 ગુનાઓ આચરનાર સિન્ડિકેટ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલે કુવાડવા રોડ વિસ્તારમાં દરોડો પાડી 70 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે તપાસમાં લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધિનું નામ સામે આવતા તેને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.
ફિરોઝ સંધિનું નામ અગાઉ પણ અનેક પ્રોહિબિશન કેસોમાં સામે આવી ચૂક્યું છે. તેના પરિવારના અન્ય સભ્યો સામે પણ જુદા જુદા ગંભીર ગુનાઓ તેમજ GUJCTOC હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે.સંગઠિત ગુનાખોરી સામે રાજકોટ પોલીસે સતત કાર્યવાહી તેજ કરી છે. હવે તપાસનો ફોકસ ફીરીયા સિન્ડિકેટના ફાઇનાન્સર્સ, પડદા પાછળના સંચાલકો અને સમગ્ર નેટવર્કને તોડી પાડવા પર છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડ અને નવા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Gujarat Weather : રાજયમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું નાવ કાસ્ટ બુલેટિન કર્યુ જાહેર