Rajkot: ગોંડલના 3 બાળકોની આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક, UCMAS મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં સેકન્ડ રનર અપનું સન્માન
- Rajkot: ગોંડલના ૩ બાળકોએ UCMAS આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સેકન્ડ રનર-અપનું સન્માન મેળવ્યું
- જિયાંન ડોબરીયા (A2), તુલસી માવાણી અને હેતાંશ ઉદેશી (A1)એ ટ્રોફી જીતી
- 4 મહિના, રોજ 4-6 કલાક અબેકસ પ્રેક્ટિસથી મેળવી સફળતા
- “માર્ક્સ કરતાં કૌશલ્ય મહત્વનું, અબેકસથી ઝડપ-એકાગ્રતા વધે”
- Gondal માં મોબાઈલને બદલે રચનાત્મક પ્રવૃત્તિનો સંદેશ આપ્યો
Rajkot:આજના યુગમાં જ્યારે મોટાભાગના બાળકો માટે ગણિતનો વિષય અઘરો અને કંટાળાજનક લાગે છે, ત્યારે કેટલાક એવા પણ ટાબરીયા છે જેમના માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર જેવી ક્રિયાઓ રમત જેવી સરળ બની ગઈ છે. કલ્પના કરો કે કોઈ તમને 10 અંકનો મોબાઈલ નંબર બોલે અને તમે તરત જ તેનો સરવાળો કરી દો? અથવા 786ને 9થી ગુણાકાર કરીને સેકન્ડોમાં જવાબ આપી દો? કેલ્ક્યુલેટર વગર પણ આવી ઝડપી ગણતરીઓ કરવી શક્ય છે, અને એક મિનિટમાં 25થી વધુ દાખલાઓ ગણવા પણ સંભવ છે. પરંતુ આ માટે જરૂરી છે અબેકસ જેવી તાલીમ અને સતત મહેનત.
Rajkot: ગોંડલના ત્રણ બાળકોનુું સન્માન
આવા જ અદ્ભુત કૌશલ્યના આધારે ગોંડલના ત્રણ બાળકોએ આંતરરાષ્ટ્રીય (international) સ્તરે ગૌરવ વધાર્યું છે. જ્યોર્જિયામાં તા. 6 ડિસેમ્બરના રોજ યોજાયેલી UCMASની આંતરરાષ્ટ્રીય મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં વિશ્વના 20થી વધુ દેશોના 1500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગોંડલના ત્રણ બાળકો - ડોબરીયા જિયાંન પરાગભાઈ (A2 કેટેગરીમાં સેકન્ડ રનર અપ), માવાણી તુલસી અતુલભાઈ અને ઉદેશી હેતાંશ સિદ્ધાર્થભાઈ (બંને A1 કેટેગરીમાં સેકન્ડ રનર અપ) - એ પોતપોતાની કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રેન્ક મેળવ્યા છે. આ બાળકોને UCMAS ઈન્ડિયાના હેડ સ્નેહલ કારીયાના હસ્તે ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ટ્રેનર રજનીશ રાજપરાએ શું કહ્યું?
'રાતોરાત કોઈ સિદ્ધિ મળતી નથી'
વર્તમાન સમયમાં જ્યારે મોટાભાગના માતા-પિતા માટે મોબાઈલ બાળકોની સમસ્યા બની ગયું છે અને તેમને કઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવા તે પડકાર છે, ત્યારે આવી તાલીમ અને સ્પર્ધાઓ બાળકોને રચનાત્મક દિશા આપે છે. રજનીશ રાજપરાએ કહ્યું, "માતા-પિતા જો બાળકને મોબાઈલના બદલે કોઈ રચનાત્મક પ્રવૃત્તિમાં લગાડે તો તેમની અંદરની ક્ષમતાઓ બહાર આવે છે. નવી એજ્યુકેશન પોલિસી પણ આ જ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે - માર્ક્સને બદલે કૌશલ્ય વિકાસ પર." તેઓએ ભારપૂર્વક કહ્યું કે, બાળકોમાં અદ્ભુત શક્તિઓ છુપાયેલી છે, પરંતુ તેને ઉજાગર કરવા માટે યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને સમય આપવો જરૂરી છે. "રાતોરાત કોઈ સિદ્ધિ મળતી નથી; સતત અને સખત મહેનત જરૂરી છે. આ સમાચાર બાળકો અને માતા-પિતા માટે પ્રેરણાદાયી છે કે ગણિત જેવા વિષયને પણ મજેદાર બનાવીને વિશ્વસ્તરે સફળતા મેળવી શકાય છે.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચોઃ Gondal : પિતાનું હાર્ટ એટેકથી મૃત્યુ, પુત્રે ડેમમાં ઝંપલાવ્યું