Rajya Sabha Election 2026: ઝારખંડમાં રાજ્યસભા બેઠક માટે રસાકસી
ઝારખંડમાં રાજ્યસભાની 2 બેઠકો માટે આજે મતદાન હાથ ધરવામાં આવ્યું છે. આ ચૂંટણીમાં જેએમએમના વૈદ્યનાથ રામ, કોંગ્રેસના પ્રણવ ઝા અને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી મેદાનમાં છે. ઝારખંડ વિધાનસભામાં કુલ 81 સભ્યો છે, જેમાં ઇન્ડિયા એલાયન્સ પાસે 56 ધારાસભ્યોનું સંખ્યાબળ રહેલું છે. એનડીએ પાસે 24 ધારાસભ્યો છે. સંખ્યાબળ જોતા વૈદ્યનાથ રામની જીત લગભગ નક્કી છે. બીજી બેઠક મેળવવા માટે કોંગ્રેસ અને એનડીએ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે.
Rajya Sabha Election 2026: ધારાસભ્યોને સાચવવા માટે પક્ષોની કવાયત
ક્રોસ-વોટિંગના ડરથી તમામ રાજકીય પક્ષો સતર્ક બન્યા છે. એનડીએએ પોતાના તમામ ધારાસભ્યોને રાંચીની એક હોટલમાં સુરક્ષિત રાખ્યા છે. ઇન્ડિયા એલાયન્સના નેતાઓ સતત બેઠકો કરી રહ્યા છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને પોતાના મતો અકબંધ રાખવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વિધાનસભા પરિસરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મિઝોરમમાં બે પક્ષો વચ્ચે સીધો મુકાબલો
મિઝોરમમાં પણ 1 રાજ્યસભા બેઠક માટે આજે મતદાન થવાનું છે. અહીં ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ અને મિઝો નેશનલ ફ્રન્ટના ઉમેદવારો વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. ઝેડપીએમએ કે. લલતલુઆંગકીમાને ઉમેદવાર બનાવ્યા છે. એમએનએફે એડવોકેટ જોથાનસંગી હમારને મેદાનમાં ઉતાર્યા છે. મિઝોરમની 40 સભ્યોની વિધાનસભામાં ઝેડપીએમ પાસે 27 ધારાસભ્યો છે. એમએનએફ પાસે 10 ધારાસભ્યોનું સમર્થન છે.
ભાજપ અને કોંગ્રેસનું મતદાનથી અંતર
ભાજપ અને કોંગ્રેસે મિઝોરમની આ ચૂંટણીથી અલિપ્ત રહેવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય સી. ન્ગુનલિયાનચુંગા પાર્ટીની સૂચના મુજબ મતદાન કરશે નહીં. ભાજપના ૨ ધારાસભ્યો પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. વિધાનસભા સચિવાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. સાંજે 5 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો---- Supreme Court cyber fraud: સાયબર ગુનેગારના જામીન નામંજૂર, તમે જેલમાં રહેવાને જ લાયક છોઃ CJI સૂર્યકાંત