દાનચોરીએ ધાર્મિક વિશ્વાસ સામેનો ગંભીર અપરાધ
શંકરાચાર્યએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ભગવાનને અર્પણ કરાયેલ દાન માત્ર નાણાકીય સંપત્તિ નથી, પરંતુ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા (Faith) સાથે જોડાયેલ દેવદ્રવ્ય છે. જો આવા દાનમાં ગેરરીતિ માત્ર કાનૂની ગુનો નહીં પરંતુ ધાર્મિક વિશ્વાસ સામેનો ગંભીર અપરાધ ગણાય.
નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કાર્યવાહી પર ભાર
નિવેદનમાં જણાવાયું છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ, સમયબદ્ધ અને તથ્ય આધારિત તપાસ થવી જોઈએ. તપાસ દરમિયાન કોઈપણ વ્યક્તિનું પદ, પ્રભાવ કે રાજકીય ઓળખ ધ્યાનમાં રાખ્યા વગર દોષિત સામે કાયદા અને ધર્મ બંનેના આધારે કાર્યવાહી થવી જરૂરી છે. શંકરાચાર્યએ સ્પષ્ટ કર્યું કે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા સામે પૂર્વગ્રહ રાખવાનો પ્રશ્ન નથી, પરંતુ સત્ય બહાર આવે અને શ્રદ્ધાળુઓનો વિશ્વાસ જળવાઈ રહે તે જ મુખ્ય હેતુ છે.
દાનના ઉપયોગમાં પારદર્શિતા જરૂરી
પ્રેસ નિવેદનમાં મંદિર ટ્રસ્ટ (Temple Trust) માટે પાંચ મહત્વના સિદ્ધાંતો સૂચવવામાં આવ્યા છે. તેમાં દરેક દાનનો ડિજિટલ અને લેખિત રેકોર્ડ રાખવો, દર વર્ષે સ્વતંત્ર ઓડિટ કરાવવી, આવક-જાવકનો જાહેર હિસાબ રજૂ કરવો, ધાર્મિક વિદ્વાનો અને નાણાકીય નિષ્ણાતોની સંયુક્ત દેખરેખ રાખવી તથા દરેક ખર્ચનો સ્પષ્ટ હેતુ જાહેર કરવો જેવી ભલામણો કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પારદર્શિતા વિશ્વાસને નબળો કરતી નથી પરંતુ તેને વધુ મજબૂત બનાવે છે.
દાનનો ઉપયોગ ક્યાં થવો જોઈએ?
શંકરાચાર્યએ શાસ્ત્રોના આધારે જણાવ્યું કે મંદિરમાં મળતા દાનનો ઉપયોગ મુખ્યત્વે વેદ અભ્યાસ, ગુરુકુલ , ગૌશાળા, સંસ્કૃત શિક્ષણ, ધર્મપ્રચાર, ઔષધાલય, વિદ્વાનોના સન્માન અને લોકકલ્યાણ જેવા કાર્યોમાં થવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે શ્રદ્ધાળુઓ જે હેતુથી ભગવાનને દાન આપે છે, તેનો ઉપયોગ પણ તે જ ધાર્મિક હેતુઓ માટે થવો જોઈએ.
મંદિર વ્યવસ્થાપન અંગે સૂચન
નિવેદનમાં સૂચવાયું છે કે દેશના ચાર શંકરાચાર્ય પીઠો (Shankaracharya Peeth), વૈષ્ણવ આચાર્યો અને અન્ય પ્રતિષ્ઠિત સંતોનો સમાવેશ કરીને એક માર્ગદર્શક ધાર્મિક પરિષદ બનાવવી જોઈએ, જે સમયાંતરે મંદિરના ધાર્મિક સંચાલન અંગે માર્ગદર્શન આપે. તેમણે જણાવ્યું કે મંદિર માત્ર વહીવટી સંસ્થા નથી પરંતુ સમગ્ર હિંદુ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. તેથી તેની વ્યવસ્થામાં ધાર્મિક પરંપરા અને શાસ્ત્રીય માર્ગદર્શન સતત જળવાઈ રહેવું જોઈએ.
રાજકારણથી ઉપર આસ્થાનો મુદ્દો
શંકરાચાર્યએ જણાવ્યું કે ભગવાન શ્રીરામ કોઈ એક રાજકીય પક્ષના નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રની આસ્થાના પ્રતિક છે. તેથી મંદિર સાથે જોડાયેલા કોઈપણ વિવાદને રાજકીય દૃષ્ટિકોણથી નહીં પરંતુ શ્રદ્ધા અને જવાબદારીના દૃષ્ટિકોણથી જોવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે વ્યક્તિઓ બદલવાથી સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ આવતું નથી, પરંતુ મજબૂત સિસ્ટમ, નિયમો, નાણાકીય પારદર્શિતા અને જવાબદારીની વ્યવસ્થા ઊભી કરવી વધુ જરૂરી છે.
શ્રદ્ધાળુઓને સંદેશ
નિવેદનના અંતમાં શંકરાચાર્યએ શ્રદ્ધાળુઓને ભગવાન શ્રીરામ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અડગ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે વ્યક્તિ ભૂલ કરી શકે છે, પરંતુ ભગવાન, ધર્મ અને આસ્થાની મહિમા ક્યારેય ઓછી થતી નથી. સત્યની જીત જ અંતિમ સત્ય છે અને પારદર્શક વ્યવસ્થા જ સમાજનો વિશ્વાસ મજબૂત બનાવી શકે છે.
આ પણ વાંચોઃ Sanand Semiconductor Plant: જાણો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ સેમિકન્ડક્ટર પ્લાન્ટને લઈ શું કહ્યું?