Kadi: નાગરિક સહકારી બેંકને નિયમોના ઉલ્લંઘન બદલ ફટકારાયો લાખોનો દંડ
- RBIની Kadi નાગરિક સહકારી બેંક સામે મોટી કાર્યવાહી
- RBIએ કડી નાગરિક સહકારી બેંકને 16.30 લાખનો દંડ ફટકાર્યો
- બેંકિંગ નિયમો અને એડવાન્સિસના ઉલ્લંઘન બદલ લેવાયા પગલાં
- નિર્ધારિત ધિરાણ મર્યાદાનો ભંગ કરવા બદલ બેંક સામે કાર્યવાહી
- લોન ફંડના અંતિમ ઉપયોગની ખાતરી કરવામાં બેંક તંત્ર નિષ્ફળ
- બેંકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓ હેઠળ RBIએ લાલ આંખ કરી
Kadi Nagarik Sahakari Bank News: ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India - RBI) એ બેંકિંગ નિયમોના કડક પાલન અંગે ફરી એકવાર મક્કમ વલણ અપનાવ્યું છે. ગુજરાતની જાણીતી કડી નાગરિક સહકારી બેંક (Kadi Nagarik Sahakari Bank) સામે આરબીઆઈએ મોટી કાર્યવાહી કરતા 16.30 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ અને એડવાન્સિસના મેનેજમેન્ટ અંગેની સૂચનાઓના ભંગ બદલ આ પગલાં લેવામાં આવ્યા છે.
Kadi : બેંકે નિયમોનું પાલન ન કરતા દંડ
આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે, કડી નાગરિક સહકારી બેંકે નિર્ધારિત બેંકિંગ ધોરણોનું પાલન કરવામાં બેદરકારી દાખવી હતી. ખાસ કરીને 'કનેક્ટેડ ગ્રાહકો' (Connected Customers) માટે નક્કી કરવામાં આવેલી ધિરાણ મર્યાદા (Exposure Limits) નો બેંકે ભંગ કર્યો હતો. આ ઉપરાંત, બેંક દ્વારા મંજૂર કરવામાં આવેલી કેટલીક લોનના કિસ્સામાં, ફંડનો જે હેતુ માટે ઉપયોગ થવો જોઈએ તેની અંતિમ ઉપયોગની ખાતરી (End Use of Funds) કરવામાં બેંક તંત્ર નિષ્ફળ રહ્યું હતું.
નિયમનકારી ખામીઓ આધારિત કાર્યવાહી
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (Banking Regulation Act, 1949) ની વિવિધ જોગવાઈઓ અને આરબીઆઈની માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ આ દંડ લાદવામાં આવ્યો છે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, આ દંડ બેંક દ્વારા કરવામાં આવેલી નિયમનકારી ખામીઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ્ય બેંકના તેના ગ્રાહકો સાથેના વ્યવહારો કે કરારોની માન્યતા પર કોઈ અસર કરવાનો નથી. જોકે, સહકારી બેંકિંગ ક્ષેત્રમાં આરબીઆઈની આ કડક કાર્યવાહીથી અન્ય નાની બેંકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. બેંકિંગ ક્ષેત્રમાં પારદર્શિતા અને નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા માટે આરબીઆઈ સતત નિરીક્ષણ કરી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad: દાણીલીમડામાં પોલીસની મોટી કાર્યવાહી, લાખોની કિંમતના ગાંજા સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો


