VADODARA : મહેસુલી કેસોની પેન્ડન્સી ઘટતા કલેક્ટર તંત્રને બિરદાવતા અધિક મુખ્ય સચિવ
- આજે રાજ્યના અધિક મુખ્ય સચિવ વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા
- જયંતિ રવિએ પ્રથમ સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠક યોજી તેમના પ્રશ્નો જાણ્યા
- વડોદરા કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી
VADODARA : અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ (JAYANTI RAVI - IAS) આજે કલેક્ટર કચેરી ખાતે (VADODARA COLLECTOR OFFICE) એક બેઠક યોજીને મહેસુલી કાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લા મથકો ઉપર જઇ સમીક્ષા બેઠક યોજવાની નૂતન પ્રણાલી શરૂ કરી છે, તેના ભાગ રૂપે આ બેઠક યોજાઇ હતી.
સૌએ સારી રીતે અદા કરવાની જરૂર
તેમણે જણાવ્યું કે, રાજ્યનો મહેસુલ વિભાગ ચાવીરૂપ કાર્ય કરે છે અને જિલ્લા કક્ષાએ તમામ વિભાગોનું બેકબોન છે. મહેસુલ અધિકારી બનવાથી સેવા કરવાની વિશેષ તક મળે છે. જે સૌએ સારી રીતે અદા કરવાની જરૂર છે. ગંભીરા પૂલ દુર્ઘટના દરમિયાન વડોદરા કલેક્ટર સહિતના મહેસુલી અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીમાં બજાવેલી ફરજોની સરાહના કરતા તેમણે કહ્યું કે, જિલ્લામાં કામ કરતા મહેસુલી અધિકારીના માથે આવી આપત્તિ વેળાએ સંકલનનું મહત્વનું કામ કરવાનું થતું હોય છે. જે વડોદરામાં સારી રીતે થયું છે.
ત્રણ સિદ્ધાંતો પર ભાર મુકાયો
મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ રવિએ વધુમાં ઉમેર્યું કે, મહેસુલી અધિકારી તરીકે સમક્ષ, પારદર્શક અને કામગીરીમાં સમાન હોવું જોઇએ. મહેસુલ વિભાગ ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ ત્રણ સિદ્ધાંતોને ધ્યાને રાખીને લોકોને સરળતાથી મળી રહે તે રીતે કામ કરવું જોઇએ. વડોદરા કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરીઓમાં છેલ્લા એક તબક્કામાં વિવિધ મહેસુલી કેસોની પેન્ડન્સી ઘટી હોવાની વાતની તેમણે સહર્ષ નોંધ લીધી હતી.
કેસ સ્ટડી કામ આવી શકે
તેમણે કહ્યું કે, મહેસુલી કર્મચારીઓ અને અધિકારીઓ પાસે રહેલું કાયદાકીય જ્ઞાન સંગ્રહિત થાય અને આવનારા અધિકારીઓને કામ લાગે તે માટે કેસ સ્ટડી તૈયાર કરવા જોઇએ. જેથી ભવિષ્યમાં પણ મહેસુલીકર્મીઓને આ કેસ સ્ટડી કામ આવી શકે. મહેસુલી કેસોના બોર્ડમાં પણ પક્ષકારોની ઓનલાઇન હાજરી રાખી શકાય કે કેમ ? એ બાબતની શક્યતાઓ ચકાસવા તેમણે પ્રેરક સૂચન પણ કર્યું હતું.
કામગીરીની વિગતો પ્રસ્તુત કરી
કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ જમીન મહેસુલી અધિનિયમ, ગણોત ધારા, જમીન સંપાદન અધિનિયમ, સ્ટેમ્પ ડ્યુટી, સિટી સર્વે સહિતની બાબતોમાં કામગીરીની વિગતો પ્રસ્તુત કરી હતી. જેની વિસ્તૃત છણાવટ આ બેઠક દરમિયાન કરવામાં આવી હતી. આ ઉપરાંત કામગીરી માટે સરકારના વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મમાં સુધારા વધારા અંગે સૂચનો પણ પ્રસ્તુત કર્યા હતા.
વૃક્ષારોપણનો સંદેશ આપ્યો
બેઠક પૂર્વે જયંતિ રવિએ કલેક્ટર કચેરી પરિસરમાં પારિજાતના છોડ રોપ્યો હતો અને વૃક્ષારોપણનો સંદેશ આપ્યો હતો. આ બેઠક બાદ ક્રેડાઇ, વકીલ મંડળ, ખેડૂત સંગઠનો, વેપારી મંડળોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી મહેસુલી કાર્યોને સુદ્રઢ બનાવવા માટેના પ્રતિભાવો જાણ્યા હતા. સમીક્ષા બેઠકમાં સેટલમેન્ટ કમિશનર બિજલ શાહ, અધિક કલેક્ટર બી. એસ. પટેલ, મનિષા બ્રહ્મભટ્ટ,મેહુલ પંડ્યા સહિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : ગંભીરા દુર્ઘટનામાં અટકેલો ટ્રક કાઢવાની વાત કોઇ ધ્યાને લેતું નથી