રિલાયન્સે રશિયન તેલ ખરીદી પર જાહેર કર્યું સત્તાવાર નિવેદન,જાણો કંપનીએ શું કહ્યું...
- RIL Russian Oil : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ જાહેર કર્યું સત્તાવાર નિવેદન
- US અને EUના રશિયા ઓઇલ પ્રતિબંધ મામલે આપ્યું નિવેદન
- રિલાયન્સ નવા EU પ્રતિબંધોનું પાલન કરશે
અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) દ્વારા રશિયાની ક્રૂડ ઓઇલ કંપનીઓ અને તેના ઉત્પાદનો પર નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ હવે એ વાત નિશ્ચિત છે કે ભારત આગામી દિવસોમાં રશિયા પાસેથી તેલની ખરીદીમાં ઘટાડો કરશે. રશિયન તેલના ભારતના સૌથી મોટા ખરીદદાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ સત્તાવાર નિવેદન જાહેર કર્યો છે. નવા EU પ્રતિબંધોનું પાલન કરશે અને આ અંગે કેન્દ્ર સરકારના માર્ગદર્શનનું પાલન કરશે.
RIL Russian Oil રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ જાહેર કર્યું સત્તાવાર નિવેદન
રિલાયન્સ દ્વારા જારી કરાયેલી નોંધ સ્પષ્ટ સંકેત આપે છે કે રશિયા અને ભારત વચ્ચેનો તેલ વેપાર ઘટવાનો છે. રિલાયન્સે આ મામલે કહ્યું "અમે યુરોપિયન યુનિયન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત અને યુરોપમાં રિફાઇન્ડ ઉત્પાદનોની નિકાસ પર તાજેતરમાં જાહેર કરાયેલા પ્રતિબંધોની નોંધ લીધી છે, અમે યુરોપમાં રિફાઇન્ડ ઉત્પાદનોની આયાત અંગે EU માર્ગદર્શિકાનું પાલન કરીશું.
RIL Russian Oil: રિલાયન્સ નવા EU પ્રતિબંધોનું પાલન કરશે
કંપનીએ વધુમાં કહ્યું હતું કે, "હંમેશની જેમ, અમે આ સંદર્ભમાં ભારત સરકારના કોઈપણ માર્ગદર્શનનું સંપૂર્ણ પાલન કરીશું, રિલાયન્સ હાલમાં આ નવા પ્રતિબંધોની અસરનું મૂલ્યાંકન કરી રહી છે અને પાલન આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે રિફાઇનરી કામગીરીમાં જરૂરી ફેરફારો કરવા પ્રતિબદ્ધ છે.
આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે તેમને ભારત તરફથી રશિયા પાસેથી તેલ ખરીદી ધીમે ધીમે ઘટાડવાની ખાતરી મળી છે. જોકે, ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે સરકાર ઉર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ પગલાં લેશે. અમેરિકાએ રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ, રોઝનેફ્ટ (Rosneft) અને લુકોઇલ (Lukoil) પર નવા પ્રતિબંધો લાદ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, તાજેતરના સમયમાં ભારત રશિયા પાસેથી જે તેલ ખરીદી રહ્યું હતું તેમાંથી 50 ટકા તેલ આ બે કંપનીઓ પાસેથી આવતું હતું, અને RIL મુખ્યત્વે આ કંપનીઓ સાથે વ્યવહાર કરતી હતી. આવી સ્થિતિમાં, ભારતીય કંપનીઓ માટે તેમની સાથે વ્યવસાય ચાલુ રાખવો મુશ્કેલ બની ગયો છે.રિલાયન્સે અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વિવિધ સ્ત્રોતોમાંથી ક્રૂડ ઓઇલ સપ્લાયની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની તેની સમય-ચકાસાયેલ વ્યૂહરચના સ્થાનિક અને નિકાસ જરૂરિયાતોને પૂર્ણ કરતી રહેશે.
આ પણ વાંચો: હવે દુશ્મનોની ખેર નહીં, ભારતીય સેનાની દરેક બટાલિયનમાં ડ્રોન પ્લાટૂન તૈયાર,જાણો