વડોદરા પીએમ આવાસ યોજનામાં કોન્ટ્રક્ટરે કરોડો રૂપિયાનું કરી નાંખ્યું, સરકાર-લાભાર્થી બંનેને નુકશાન
- વડોદરામાં પીએમ આવાસ યોજનામાં રૂ. 4 કરોડનું કૌભાંડ, તપાસના આદેશ
- આવાસ યોજનામાં ગેરરીતિ: વડોદરામાં કોન્ટ્રાક્ટર પર કડક કાર્યવાહીની માગ
- વડોદરામાં PMAY કૌભાંડ: ગ્રેનાઈટની જગ્યાએ કોટા સ્ટોન, લાભાર્થીઓમાં રોષ
- અધિકારી-કોન્ટ્રાક્ટરની મિલીભગત? વડોદરામાં આવાસ યોજનામાં કૌભાંડનો આરોપ
- વડોદરામાં આવાસ યોજનામાં ગેરવ્યવહાર, વિપક્ષે માગી સ્વતંત્ર તપાસ
વડોદરા : વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ બનેલા મકાનોમાં ગંભીર ગેરરીતિઓનો મામલો સામે આવ્યો છે. લાભાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને આશરે રૂ. 4 કરોડનું કૌભાંડ આચર્યું છે. આ મુદ્દે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ તપાસના આદેશ આપ્યા છે, જ્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ ગેરરીતિઓ થઈ છે.
લાભાર્થીઓનો આક્ષેપ: નિયમોનું ઉલ્લંઘન
2021માં બનેલા 400 મકાનોના લાભાર્થીઓએ તપાસ કરતાં અનેક ગેરરીતિઓ બહાર આવી છે. ટેન્ડરની શરતો મુજબ રસોડામાં ગ્રેનાઈટની જગ્યાએ કોટા સ્ટોન નાખવામાં આવ્યો, બારીની સપાટી અને દાદર પર પથ્થર ન લગાવાયા, ગેસ લાઈનની જોગવાઈ હોવા છતાં તે ન નાખવામાં આવી અને પ્લાસ્ટિક પેઈન્ટની જગ્યાએ ડિસ્ટેમ્પર કલરનો ઉપયોગ કરાવામાં આવ્યો હતો. આ બધા નિયમભંગને કારણે લાભાર્થીઓએ રૂ. 4 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે.
લાભાર્થીઓએ જણાવ્યું કે, કલરથી લઈને દરેક ખરાબ વસ્તુનો ઉપયોગ કરીને મોટા પાયે ગેરરીતિ કરવામાં આવી છે. તો ગેસ લાઈન અરજદારોએ પોતે પાછળથી અરજી કરીને લેવી પડી છે. દરેક બાબતે કોન્ટ્રાક્ટરે કાચું કાપ્યું હોવાના આરોપો થઈ રહ્યાં છે. લાભાર્થીઓએ એકથી વધારે મુદ્દાઓ ઉપર કોન્ટ્ર્કાટર સામે આક્ષેપો કર્યા છે. 4 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાનો ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
સ્થાયી સમિતિ ચેરમેનનું નિવેદન
વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું, "આવાસ યોજનામાં કૌભાંડના અહેવાલો ગંભીર છે. અમે અધિકારીઓને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. જો કૌભાંડની પુષ્ટિ થશે તો કોન્ટ્રાક્ટર પર કડક કાર્યવાહી કરવામાં આવશે." તેમણે લાભાર્થીઓને ન્યાય આપવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો-Surat : પથરીની સારવાર માટે આવ્યા, બનાવી દીધું રૂપિયા 3 લાખનું બિલ
વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ મુદ્દે સરકાર અને પાલિકા પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, "દરેક આવાસ યોજનામાં કૌભાંડ થયું છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી લાભાર્થીઓનું શોષણ થઈ રહ્યું છે. અમે માગણી કરીએ છીએ કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને તેની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે." તેમણે આ મામલે સ્વતંત્ર તપાસની પણ માગણી કરી છે.
ગેરરીતિથી લાભાર્થીઓમાં નારાજગી-રોષ
લાભાર્થીઓએ આ ગેરરીતિઓથી ભારે નારાજગી વ્યક્ત કરી છે. એક લાભાર્થીએ નામ ન જણવવાની શરતે જણાવ્યું, "અમે આવાસ યોજના હેઠળ સારી ગુણવત્તાના મકાનની અપેક્ષા રાખી હતી, પરંતુ અમને નબળી ગુણવત્તાનું ઘર આપવામાં આવ્યું. આ ન્યાય નથી." લાભાર્થીઓએ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી પણ આપી છે.
વડોદરા મહાનગરપાલિકાએ આ મામલે તપાસ શરૂ કરી છે, અને અધિકારીઓને ટૂંક સમયમાં અહેવાલ સુપરત કરવા આદેશ આપવામાં આવ્યા છે. જો કૌભાંડની પુષ્ટિ થશે, તો કોન્ટ્રાક્ટર સામે કાનૂની કાર્યવાહી સહિત બ્લેકલિસ્ટ કરવાની શક્યતા છે. આ ઘટનાએ વડોદરામાં રાજકીય અને સામાજિક ચર્ચાઓને વેગ આપ્યો છે, અને આગામી દિવસોમાં તપાસના પરિણામો પર સૌની નજર રહેશે.
ઉલ્લેખનિય છે કે, વડોદરામાં પાંચ વર્ષ પહેલા પણ પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયાના આરોપો લાગ્યા હતા. જોકે, તે વખતે 15 હજાર કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ લાગ્યો હતો. તે વખતે પ્રધાનમંત્રી આવાસ યોજના કૌભાંડ મામલે કેન્દ્ર સરકારે તપાસના આદેશ આપ્યા હતા. જણાવી દઈએ કે, તે સમયે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા તપાસના આદેશ અપાયા હતા. તો તપાસ શહેરી વિકાસ અને મકાનોના મુખ્ય સચિવ મુકેશ પુરીને સોંપાઇ હતી.
આ પણ વાંચો- ગુજરાત હવામાન વિભાગનું ચિંતાજનક નાઉકાસ્ટ; 7 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી