રશિયામાં દુ:ખદ વિમાન દુર્ઘટના: 50 જેટલા લોકોના મોતની આશંકા
રશિયામાં દુ:ખદ વિમાન દુર્ઘટના: 50 જેટલા લોકોના મોતની આશંકા
રશિયાના દૂરના પૂર્વીય વિસ્તારમાં ગુરુવારે (24 જુલાઈ, 2025) એક દુ:ખદ ઘટના બની છે. લગભગ 50 લોકોને લઈ જઈ રહેલું એક યાત્રી વિમાન અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું અને બાદમાં તેનો કાટમાળ અમૂર વિસ્તારમાં મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ વિમાનમાં સવાર તમામ લોકોનાં મોત થયાં હોવાની દુ:ખદ આશંકા છે, જોકે હજુ સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
આ વિમાન એન્ટોનોવ AN-24 હતું, જેને સાઈબેરિયાની અંગારા એરલાઈન્સ ચલાવતી હતી. તે ચીનની સરહદ નજીક આવેલા અમૂર પ્રદેશના ટિંડા શહેર તરફ જઈ રહ્યું હતું. રશિયાના આપાતકાલીન મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિમાન ટિંડા એરપોર્ટની નજીક પહોંચતાં જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના રડાર પરથી ગાયબ થઈ ગયું હતુ. બાદમાં એક Mi-8 હેલિકોપ્ટરે ટિંડાથી 15 કિલોમીટર દૂર એક ટેકરીની ઢોળાવ પર વિમાનનો બળેલો કાટમાળ દેખ્યો હતો. હવાઈ સર્વેક્ષણમાં કોઈ જીવિત વ્યક્તિ જોવા ન મળ્યું હતુ.
પ્રદેશના ગવર્નર વાસિલી ઓરલોવના જણાવ્યા અનુસાર, વિમાનમાં 43 યાત્રીઓ, જેમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે, અને ચાલક દળના 6 સભ્યો સવાર હતા. કેટલાક સૂત્રો 40 લોકોની સંખ્યા જણાવે છે, પરંતુ હજુ આંકડાઓની પુષ્ટિ થઈ રહી છે.
આ ઘટનાએ રશિયામાં શોકનું મોજું ફેલાવ્યું છે. સ્થાનિક અધિકારીઓ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં, ખરાબ હવામાન, ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણ હોઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે, પરંતુ સત્તાવાર રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા દિવસ પહેલાં જ મેક્સિકો સિટીમાં બે વિમાનો ટકરાતાં-ટકરાતાં બચ્યા હતા. આવી ઘટનાઓ વૈશ્વિક સ્તરે એવિએશન સલામતી પર સવાલો ઉભા કરે છે.
આ પણ વાંચો- Austrailiaના એડિલેડમાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો, ‘ઈન્ડિયન ભાગી જાઓ’ કહીને વિદ્યાર્થી સાથે મારામારી