ડોનાલ્ડ ટ્રમ્પની સલાહને અવગણીને રશિયાએ ડ્રોન 'પોસાઇડન'નું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ
- Poseidon Missile Test : રશિયાએ બીજી વખત પરમાણુ મિસાઇલનું કર્યું પરિક્ષણ
- ડ્રોન 'પોસાઇડન'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
- ડોનાલ્ડ ટ્રમ્પની સલાહને અવગણીને રશિયાએ ફરી કર્યું પરિક્ષણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સલાહને અવગણીને રશિયાએ એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં બીજી વખત પરમાણુ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે, જેની જાહેરાત ખુદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા કરવામાં આવી હતી. આ પગલાથી વૈશ્વિક સ્તરે તણાવ વધવાની સંભાવના છે.
નોંધનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જાહેરાત કરી કે રશિયાએ પરમાણુ-સક્ષમ અને પરમાણુ-સંચાલિત પાણીની અંદરના ડ્રોન 'પોસાઇડન' (Poseidon)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.અગાઉ, ગયા રવિવારે પુતિનની દેખરેખ હેઠળ રશિયાએ અદ્યતન પરમાણુ-સક્ષમ હથિયાર બ્યુરેવેસ્ટનિક ક્રુઝ મિસાઇલ (Burevestnik cruise missile)નું પણ સફળ પરીક્ષણ કર્યું હતું. ટ્રમ્પે તે સમયે રશિયાના આ પગલાંને અયોગ્ય ગણાવ્યું હતું.
Poseidon Missile Test: ડ્રોન 'પોસાઇડન'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
'પોસાઇડન'ના પરીક્ષણ બાદ પુતિને નિવેદન આપતા જણાવ્યું કે આ માનવ રહિત પાણીની અંદરનું ઉપકરણ પરમાણુ પાવર યુનિટથી સજ્જ છે.આ ટોર્પિડોને અટકાવવાનો કોઈ રસ્તો નથી.તે પરંપરાગત સબમરીન કરતાં વધુ ઝડપથી વહન કરી શકે છે અને વિશ્વના કોઈપણ ખંડ સુધી પહોંચી શકે છે.પુતિનના મતે, હાલમાં વિશ્વનો કોઈ દેશ પોસાઇડનની ગતિ અને ડાઇવિંગ ઊંડાઈનો મુકાબલો કરી શકે તેમ નથી, અને નજીકના ભવિષ્યમાં પણ આ શક્ય જણાતું નથી.
Poseidon Missile Test: ડોનાલ્ડ ટ્રમ્પની સલાહને અવગણીને રશિયાએ ફરી કર્યું પરિક્ષણ
નોંધનીય છે કે રવિવારના ક્રુઝ મિસાઇલ પરીક્ષણ પછી, ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને આકરા શબ્દોમાં સલાહ આપી હતી કે તેઓ મિસાઇલોનું પરીક્ષણ કરવાને બદલે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે. ટ્રમ્પે યુદ્ધ એક અઠવાડિયામાં સમાપ્ત કરવાને બદલે ચાર વર્ષ સુધી ખેંચાયું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.વધતા તણાવ વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિએ ગયા અઠવાડિયે બુડાપેસ્ટમાં પુતિન સાથેનું તેમનું આયોજિત શિખર સંમેલન પણ રદ કરી દીધું હતું. રશિયા દ્વારા વારંવાર કરવામાં આવતા આ પરમાણુ શસ્ત્રોના પરીક્ષણો વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર પડકાર ઊભો કરી રહ્યા છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશ છોડ્યા બાદ પ્રથમ વખત પૂર્વ PM શેખ હસીનાએ તમામ મુદ્દા પર ખુલ્લીને કરી વાતચીત