Sabarkantha: રૂ.7.88 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, લૂંટના પૈસાની ભાગ બટાઈ કરતા 6 શખ્સોને LCB એ રંગેહાથ ઝડપ્યાં
- દલપુર પાસે થયેલી રૂ.7.88 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
- ફાઈનાન્સના કર્મચારીને લૂંટનાર છ શખ્સોને ઝડપી લીધા
- મામરોલીની સીમમાં પૈસાનો ભાગ પાડવા ભેગા થયા હતા
- એલસીબીએ રૂ.7.72 લાખ રોકડ છ મોબાઈલ અને બે બાઈક કબ્જે લીધા
Sabarkantha: પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક નવ દિવસ અગાઉ પ્રાંતિજથી ફાઈનાન્સ કંપનીનો એક કર્મચારી રૂ.7.88 લાખ રોકડ લઈ હિંમતનગર આવી રહયો હતો ત્યારે દલપુર પાસેના એક ધાર્મિક સ્થળ નજીક રાત્રે આવેલા બે અજાણ્યા બાઈક સવારો લૂંટ કરીને ભાગી ગયાની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ એલસીબીએ માહિતીને આધારે ગુરૂવારે છ શખ્સોને મામરોલીની સીમમાંથી રંગેહાથ ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી રૂ.9.88 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
દલપુર પાસે થયેલી રૂ.7.88 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ, એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા, પીએસઆઈ આર.જે.જાડેજા અને તેમની ટીમના જણાવાયા મુજબ ગુરૂવારે તેમને દલપુર નજીક થયેલી લૂંટની કેટલીક વિગતો મળી હતી જે આધારે એલસીબીના સ્ટાફે પ્રાંતિજ તાલુકાના મામરોલીની સીમમાં આવેલ ઉમિયા કંપા નજીકના ખરાબામાં જઈને તપાસ કરતાં તેમાં ઉંછા ગામના પાંચ તથા પોગલુ ગામનો એક મળી છ શખ્સો લૂંટના પૈસાની ભાગ બટાઈ કરતા હતા ત્યારે એલસીબીએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
આ રીતે લૂંટની ઘટનાને આપ્યો અંજામ
પોલીસની પુછપરછ દરમ્યાન ફાઈનાન્સના કર્મચારીની તમામ વિગતો આજ ફાઈનાન્સ કંપનીમાં કામ કરતા બે જણાએ તેમના મિત્રોને જણાવી હતી જે આધારે ગત તા.૩ ડીસેમ્બરની રાત્રે લૂંટ કરવાનું આયોજન કરી બે બાઈક પર આવેલા શખ્સોએ લૂંટને અંજામ આપી ફાઈનાન્સ કંપનીમાં કામ કરતાં ધર્મેન્દ્ર સુતરીયાને બોથડ પદાર્થથી ઈજા પહોંચાડી તેની પાસેનો અંદાજે રૂ.7,88,155 રોકડ ભરેલો થેલાની લૂંટ કરી ભાગી ગયા હતા. ત્યારબાદ ધર્મેન્દ્ર સુતરીયાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.જે આધારે પોલીસે ઉંછાના પાંચ અને પોગલુના એક મળી છ જણાને અંદાજે રૂ.9,88,480ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ એલસીબીએ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા છ જણા પાસેથી વધુ વિગતો ઓકવવા માટે એલસીબીએ તેમના રીમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીઓ પાસેથી શું કબ્જે લેવાયું?
દલપુર પાસેની લૂંટમાં સંડોવાયેલા છ જણા પાસેથી પોલીસે અંદાજે રૂ.7,71,930 રોકડા, લૂંટમાં ગયેલ રૂ.16,500 નો મોબાઈલ તથા પકડાયેલાઓ પાસેથી રૂ.40 હજારના પાંચ મોબાઈલ, રૂ.1.60 લાખની બે બાઈક મળી અંદાજે રૂ.9,88,480 નો મુદ્દામાલ કબ્જે લીધો છે.
પકડાયેલાઓની યાદી
- મિતેષગીરી ઉર્ફે મીત્યો ઉર્ફે અકલો અશોકગીરી ગોસ્વામી
- સુરજસિંહ રણજીતસિંહ મકવાણા
- કુલદીપસિંહ ઉર્ફે પીન્ટો દિપસિંહ મકવાણા
- ભાવિકસિંહ વિરસંગજી મકવાણા
- મિહિલસિંહ ભરતસિંહ મકવાણા (પાંચેય રહે.ઉંછા, તા.પ્રાંતિજ)
- હંસરાજગીરી પ્રવિણગીરી ગોસ્વામી (રહે.પોગલુ, તા.પ્રાંતિજ)
અહેવાલ - યશ ઉપાધ્યાય
આ પણ વાંચો: Bharatkool Chapter-2 : ડ્રગ્સ મુદ્દે રાજકારણ પર DyCM હર્ષભાઈના વિરોધીઓ પર પ્રહાર!