'વ્હાલમ આવો ને' ફેમ મ્યુઝિક કમ્પોઝર સચિન સંઘવીની ધરપકડ, લગ્નની લાલચે જાતીય સતામણીનો આરોપ
- મ્યુઝિક કમ્પોઝર Sachin Sanghvi સામે પોલીસ ફરિયાદ
- ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં સંગીત આપનાર સચિનની ધરપકડ
- સચિન સામે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં સુપરહિટ ગીતો આપનાર સચિન-જીગરની જાણીતી મ્યુઝિક કમ્પોઝર જોડીમાંથી સચિન સંઘવી વિરુદ્ધ જાતીય સતામણીના ગંભીર આરોપો લાગ્યા છે. મુંબઈ પોલીસે આ કેસમાં સચિન સંઘવીની ધરપકડ કરી હતી, જોકે થોડા સમયમાં જ તેમને જામીન મળી ગયા છે.અંદાજે 29 વર્ષીય એક યુવતીએ સચિન સંઘવી વિરુદ્ધ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે સચિને તેને મ્યુઝિક આલ્બમમાં કામ આપવાની અને લગ્નની લાલચ આપીને તેની જાતીય સતામણી કરી હતી.
મ્યુઝિક કમ્પોઝર Sachin Sanghvi ની પોલીસે કરી ધરપકડ
અહેવાલ મુજબ સચિને ફેબ્રુઆરી, 2024માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર યુવતીનો સંપર્ક કર્યો હતો. સચિને તેને પોતાના આગામી મ્યુઝિક આલ્બમમાં કામ અપાવવાનું વચન આપીને વિશ્વાસ કેળવ્યો હતો, ત્યારબાદ બંનેએ એકબીજાના નંબર શેર કર્યા હતા.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ત્યારબાદ સચિને યુવતીને તેના મ્યુઝિક સ્ટુડિયોમાં બોલાવી હતી, જ્યાં તેણે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે આ પછી સચિને ઘણીવાર તેનું જાતીય શોષણ કર્યું છે.આ મામલે એક સિનિયર પોલીસ ઓફિસરે માહિતી આપી હતી કે, IPCની સંબંધિત કલમો હેઠળ દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. તપાસના ભાગરૂપે આરોપી સચિન સંઘવીની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસે સ્ટુડિયોમાંથી પુરાવા એકત્રિત કરવાની અને ફરિયાદમાં ઉલ્લેખિત સમય-મર્યાદાની ચકાસણી કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
Sachin Sanghvi ના વકીલે આ મામલે આપ્યું આ નિવેદન
આ આરોપો અંગે સચિન સંઘવીના વકીલ આદિત્ય મિઠેએ એક નિવેદન બહાર પાડ્યું છે. વકીલે કહ્યું, "મારા અસીલ સામેની FIRમાં કરાયેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને અપ્રમાણિત છે. આ કેસમાં કોઈ યોગ્યતા નથી." તેમણે વધુમાં કહ્યું કે પોલીસ દ્વારા તેમના અસીલની અટકાયત ગેરકાયદેસર હતી, જેના કારણે તેમને તાત્કાલિક જામીન પર મુક્ત કરવામાં આવ્યા. વકીલે સ્પષ્ટ કર્યું કે તેઓ આ તમામ આરોપોનો સામનો કરવા અને તેને સંપૂર્ણપણે ખોટા સાબિત કરવા તૈયાર છે.
સચિન-જીગરની જોડીએ ગુજરાતી સંગીતને 'વ્હાલમ આવો ને', 'ધૂણી રે ધખાવી', 'રાધાને શ્યામ મળી જાશે' જેવા લોકપ્રિય ગીતો આપ્યા છે. બોલિવૂડમાં પણ તેમણે 'સ્ત્રી', 'ભેડિયા', 'પરમસુંદરી' સહિતની ફિલ્મોમાં સફળ મ્યુઝિક આપ્યું છે. તાજેતરમાં રિલીઝ થયેલી આયુષ્માન-રશ્મિકાની ફિલ્મ 'થામા'માં પણ આ જોડીએ મ્યુઝિક કમ્પોઝ કર્યું છે.
આ પણ વાંચો: રૂ. 200 કરોડની ફિલ્મને રૂ. 20 કરોડ કમાવવામાં પણ ફાંફાં પડ્યા, જાણો સૌથી મોટી ફ્લોપ વિશે