Sanand : લોદરિયાદ ગામ નજીક પરિવારનું સામૂહિક આપઘાત, પોલીસ દોડતી થઈ
Sanand : અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ નજીક પરિવારે સામૂહિક આપઘાત કર્યું હોવાની ગંભીર ઘટના ઘટી છે. લોદરિયાદ ગામની હદમાં ખોડલ હોટલ પાસે એક જ પરિવારના ત્રણ સભ્યોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે.
મળી રહેલી માહિતી અનુસાર, લોદરિયાદ ગામની હદ્દમાં આવેલ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, પરિવાર આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસે હત્યાની શક્યતાઓ પણ નકારી નહોવાની માહિતી સામે આવી રહી છે.
આ અંગે પોલીસે યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી છે. મૃતકોના ગળામાં રહેલા ઘાને લઈને પોલીસ તપાસ કરી રહી છે કે, આ લોકોની હત્યા કરવામાં આવી છે કે પછી ગળે ફાંસો ખાવાના કારણે ઘા થયા છે.
આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક પોલીસ સાથે ડીવાયએસપી, નાયબ મામલતદાર અને એફએસએલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, પોલીસને તપાસ દરમિયાન ઘટના સ્થળેથી 10 પાનાની સૂસાઈડ નોટ મળી આવી છે. જેથી પોલીસ આગામી ટૂંક સમયમાં અપઘાત વિશે વધારે ખુલાસાઓ કરી શકે છે. તે ઉપરાંત આ ઘટના આપઘાત છે કે પછી કોઈએ મર્ડર કરીને આપઘાતનો રંગ આપવાની કોશિશ કરી છે, તે વિશે પણ ખુલાસો થઈ શકે છે.
આ સૂસાઈડ નોટ મળ્યા પછી પોલીસે નવી દિશામાં કાર્યવાહી હાથ ધરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તો ઘટના સ્થળેથી જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે અને જેથી કેસને લઈને ઝીણવટભરી તપાસ શક્ય બની શકે.
આ આત્મહત્યા પાછળ શું કારણ છે તે વિશે માહિતી સામે આવી નથી. તો પોલીસે પણ સુસાઈડ નોટમાં કઈ બાબતનો ઉલ્લેખ કર્યો છે, તે વિશે કોઈ માહિતી સાર્વજનિક કરી નથી. આ ગંભીર બાબતે જરાપણ કાચું કાપવા માંગતી નહોય તેવી રીતે ખુબ જ ગંભીરતાપૂર્વક તપાસ આગળ વધારી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મૃતકો વિશે પોલીસે હજું સુધી કોઈ માહિતી આપી નથી.
આ પણ વાંચો - Banaskantha ના ખેડૂતો વૈજ્ઞાનિક રીતે કરશે હળદરની ખેતી, દાંતીવાડા કૃષિ યુનિની નવી સિદ્ધિ