Jamnagar માં મેગા ડિમોલિશનનો બીજો દિવસ: 331 બાંધકામો હટાવાયા
- જામનગરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી યથાવત
- 40 દુકાન સહિત 331 ગેરકાયદે બાંધકામ હટાવવા કાર્યવાહી
- ગેરકાયદે બાંધકામ તોડી સાડા ત્રણ કિ.મી રોડ બનાવાશે
- ડિમોલિશન પૂર્ણ થતા 48 હજાર ચો.મી જગ્યા ખુલ્લી થશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસના ભાગરૂપે સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગને 12 મીટર પહોળો કરવાની કામગીરી ચાલુ છે. શહેરના મુસાફરી વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે હાથ ધરાયેલ આ યોજનાને અમલમાં મૂકતા પહેલા દિવસે 111 મિલકતો પર ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી, જ્યારે રવિવારના દિવસે વધુ 100થી પણ વધુ મિલકતો તોડી પાડવામાં આવી હતી.
331 મિલકતધારકોને આખરી નોટિસ આપવામાં આવી
મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગરથી નવાગામ ઘેડ સુધીના 3.5 કિલોમીટરના વિસ્તૃત માર્ગ વિસ્તારમાં કુલ 331 મિલકતધારકોને આખરી નોટિસ આપવામાં આવી હતી. મનપાના 150થી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે અને કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ઉભી રાખવામાં આવી છે. સીટી બી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટરના નેતૃત્વ હેઠળ 100થી વધુ પોલીસ કર્મચારીઓ જેમાં મહિલા પોલીસ કર્મચારીઓને પણ સાથે રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ બકરી ઈદ પહેલાં ફૂટી નીકળેલા ગૌભક્તો કમ લુખ્ખાઓ સામે Ahmedbad Police એ 4 ગુના નોંધ્યા
ડિમોલિશન દરમ્યાન વિરોધ પ્રદર્શન કરી રહેલ લોકોની અટકાયત
પ્રથમ દિવસે ડિમોલિશન દરમિયાન લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિત બે મહિલા અને આઠ પુરુષોની અટકાયત કરવામાં આવી હતી. તેમને મામલતદાર સમક્ષ રજૂ કરીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. બીજા દિવસે મનપાની કામગીરી શાંતિપૂર્ણ અને સહયોગથી ચાલી રહી છે. મહાનગરપાલિકા દ્વારા મળેલી માહિતી મુજબ, આગામી દિવસોમાં સમગ્ર રૂટ પર ડિમોલિશન પૂર્ણ કરીને નવા માર્ગનું કામ ઝડપથી શરૂ કરવામાં આવશે. શહેરના આધુનિકીકરણ માટેની આ પ્રક્રિયામાં શહેરીજનોનો સહયોગ મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ Surat : માવઠાના કારણે ખેડૂતોનું નુકસાન, પાલ આંબલિયાનો સરકાર પર પ્રહાર