Surat : સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યા, કિડનેપ, ખંડણી, કતલની ફિલ્મી સ્ટોરીને ટક્કર મારતી ઘટના
- સુરત શહેરમાં સિક્યુરીટી એજન્સી માલિકનું અપહરણ બાદ હત્યા
- રશીદ નામના રીક્ષા ચાલકે અપહરણને આપ્યો અંજામ
- ખંડણી નહી આપતા લાશના બે ટુકડા કરી ફેંકી દીધી
- લીંબાયતની મીઠી ખાદીમાં કોથળામાંથી મળી આવી લાશ
સુરતમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા ચંદ્રભાન દુબેના પરિવારજનોને તેમના જ ફોન પરથી આવો ફોન આવ્યો હતો. ચંદ્રભાન દુબે સિક્યુરિટી ગાર્ડને પગાર આપવા રૂપિયા લઈ ઘરેથી રિક્ષામાં નીકળ્યા હતા. રાશિદ અંસારીની રિક્ષામાં તે ગયા હતા. ત્યારબાદ મોડી રાત સુધી ઘરે પરત ન આવતા પરિવારે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ, ચંદ્રભાનના મોબાઈલ પરથી પરિવારને ફોન કરી આરોપીઓએ 3 કરોડ રૂપિયા માંગ્યા હતા. પોલીસની ટીમે ફરિયાદ નોંધી તપાસ ચાલુ કરી. રિક્ષા ચાલક રાશિદની પૂછપરછ કરતા તેણે ચંદ્રભાન દુબેને ખજોદ ચોકડી પર ઉતાર્યા હતા. એ પછી તેઓ ક્યાં ગયા તે ખબર નથી.
લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાંથી એક કોથળો મળી આવ્યો
પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા. પરંતુ, ચંદ્રભાનની કોઈ ભાળ મળી નહીં. તેમનું અપહરણ થયું હતું એ વાત તો સ્પષ્ટ હતી. પણ અપહરણ કોણે કર્યુ અને ક્યાં રાખવામાં આવ્યા છે, તેની જાણ પોલીસને ફરિયાદ નોંધાયાના 5 દિવસ પણ થયા ન હતા. અને પાંચમા દિવસે એટલે કે 16મેના દિવસે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાંથી એક કોથળો મળી આવ્યો. તે ખોલીને જોતા સિક્યુરિટી એજન્સીના માલિક ચંદ્રભાન દુબેની બે ટુકડામાં લાશ મળી આવી હતી. પોલીસની ટીમે લાશને પીએમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અપહ્યત ચંદ્રભાન દુબેની હત્યા થયાની જાણ થતા પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર પહોંચ્યા હતા. ચંદ્રભાનુની હત્યાના સમાાચાર સાંભળી પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું હતું અને ચોધાર આંસુએ આક્રંદ કરતા જોવા મળ્યા હતા.
વિજયસિંહ ગુર્જર, DCP, સુરત પોલીસ
અપહરણ, ખંડણી અને હત્યાના ભેદને ઉકેલવા પોલીસ તપાસ ચાલુ
સુરતમાં ચંદ્રભાન દુબે છેલ્લા 20 વર્ષથી સિક્યુરિટી એજન્સી ચલાવતા હતા. રિક્ષા ચાલક રાશિદ બે વર્ષથી તેમની સાથે હતો. આ કેસમાં રાશિદ પર શંકા જવા પાછળ અલગ-અલગ કારણો છે. પહેલું કારણ એ છે કે ચંદ્રભાન અવારનવાર લાખો રૂપિયા લઈ રાશિદની રિક્ષામાં તમામ જગ્યાએ જતા હતા. લાખો રૂપિયાની લેવડ-દેવડ તેની સામે જ કરતા હતા. જેથી, ચંદ્રભાનનું અપહરણ કરવામાં આવે તો મોટી રકમ પડાવી શકાય તેવા હેતુથી રાશિદે અન્ય આરોપી સાથે મળી અપહરણ કર્યાની શંકા સેવાઈ રહી છે. બીજુ કારણ ઘરેથી ચંદ્રભાન રાશિદની રિક્ષામાં બેસી નીકળ્યા હતા. રાશિદના કહેવા મુજબ તેણે ખજોદ ચોકડી પર ચંદ્રભાનને ઉતાર્યા હતા. પરંતુ, પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ચંદ્રભાન છેલ્લા રાશિદના સાગરિતના મકાનમાં જતા જોવા મળ્યા હતા. જેથી રાશિદ જ તેમને આરોપી નંબર 2ના ઘર સુધી લઈ ગયો હતો. ત્રીજુ કારણ, શરૂઆતમાં પરિવારજનો સાથે રહી તપાસમાં સહયોગ આપનાર રાશિદ ફરાર છે. જેથી તમામ બાબતોને ધ્યાનમાં રાખી કેસને લગતી કડીથી કડી જોડી અપહરણ, ખંડણી અને હત્યાના ભેદને ઉકેલવા પોલીસ તપાસ કરી રહી છે.
પૈસા આપવા છતાં હત્યા કરી
મૃતક ચંદ્રભાનના ભત્રીજાએ મીડિયા સાથેની વાતચીતમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. કારણકે, અપહરણ બાદ આરોપીઓએ જેમ-જેમ રૂપિયા માંગ્યા..એ રીતે, પરિવારજનોએ 5 લાખથી વધુ રકમ આપી હતી. તેમ છતાં, આરોપીઓએ ચંદ્રભાનની હત્યા કરી નાંખી. સૌથી મહત્વની વાત રિક્ષા ચાલક રાશિદ કે જે બનાવના પહેલા દિવસથી પોલીસ સાથે તપાસમાં સાથે રહેતો હતો. એ સિફસ્તપૂર્વક ભાગી ગયો હતો. ત્યાં સુધી પોલીસ તપાસ જ કરતી રહી. જો પોલીસે યોગ્ય દિશામાં તપાસ કરી હોત તો, રાશિદ કે અન્ય આરોપી ભાગી ન શક્યા હોત.
આ પણ વાંચો : Surat: ચોમાસુ વહેલું આવે તેવી શકયતા, પ્રિ-મોન્સૂનની કામગીરીને લઈ મનપા દ્વારા 50 ટકા કામગીરી શરૂ કરી