Ahmedabad : સાણંદમાં પ્રેમ સબંધમાં યુવકની હત્યા, શું છે ફિલ્મી ઢબે થયેલી હત્યાનું કારણ
- સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકની હત્યા
- પ્રેમસંબંધ રાખનાર યુવકને છરીના ઘા માર્યા
- હોસ્પિટલમાં હાજર તબીબી યુવકને મૃત જાહેર કર્યો
સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં ભરત પટેલ નામના યુવકનું પાન પાર્લર આવેલું છે. દરરોજની જેમ તે પોતાના પાર્લર પર બેઠો હતો. અન્ય ગ્રાહકો પણ ઉભા રહી તેની સાથે વાતચીત કરતા હતા. ત્યારે એક સગીર ગુટખા લેવાના બહાને ત્યાં આવ્યો. ભરત પાસે ગુટખા માગી. તે આપવા માટે સગીર તરફ ભરત ઝુક્યો. ત્યારે, સગીરે તેની પાસેથી છરી કાઢી. યુવકના છાતીમાં છરીના બે-ત્રણ ઘા મારી દીધા. છરીના ઘા વાગતાની સાથે જ ભરત લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો.
પોલીસે નિવેદનો લઈ તપાસ શરૂ કરી
ત્યાં હાજર લોકો તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક લઈ ગયા. પરંતુ, તેનો કોઈ જ મતલબ નહોતો કારણકે, ભરતનું મોત તો ઘટનાસ્થળે જ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સાણંદ GIDC પોલીસની ટીમે ગુનો નોંધી ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદન લીધા. તે લોકોએ છરી મારનાર સગીર વિશે જણાવ્યું. પોલીસ આરોપી સગીરના ઘરે ગઈ અને તેને પકડી પોલીસ સ્ટેશને લઈ જવાયો..સગીરે તેને ગુનો કબૂલતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સગીર અને ભરત વચ્ચે માથાકૂટ થઈ હતી
પાન પાર્લર ચલાવતા ભરત અને આરોપી સગીર વચ્ચે એવી તો શું દુશ્મની હતી કે, તેની હત્યા કરી દેવામાં આવી છે. એ જાણવા માટે પોલીસે સગીરની પૂછપરછ કરી. તો તેમાં પ્રેમ પ્રકરણ બહાર આવ્યું. પોલીસના કહેવા મુજબ, ભરતને આરોપી સગીરની બહેન સાથે 2 વર્ષથી પ્રેમસંબંધ હતો. 6 મહિના અગાઉ આ વાતની જાણ સગીરને થઈ હતી. ત્યારબાદ, સગીર અને ભરત વચ્ચે માથાકૂટ થઈ હતી.
આ પણ વાંચોઃ વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠક મળી
કંઈ સમજે તે પહેલા તેની છાતીમાં છરીનો ઘા મારી દીધો
સગીરે પોતાની બહેન સાથે સંબંધ ન રાખવા ભરતને સમજાવ્યો હતો. તેમ છતાં, ભરતે આરોપીની બહેન સાથે સંબંધ યથાવત રાખ્યા હતા. એ વિશે જાણ થતા સગીરને ગુસ્સો આવ્યો. તેણે બહેન સાથે પ્રેમસંબંધ રાખનાર ભરતની હત્યા કરવાનું મનોમન નક્કી કરી લીધું. એવું વિચારી આરોપી ખિસ્સામાં છરી રાખી ભરતના પાન પાર્લર પર ગયો. ભરત કંઈ સમજે તે પહેલા તેની છાતીમાં છરીનો ઘા મારી દીધો. જાણે કંઈ બન્યું જ ન હોય એમ ઘરે જતો રહ્યો.
આ પણ વાંચોઃ Ahmedabad: આ છે સાબરમતીની સફાઈ પડી ગયા ફોટો અને વહેવા લાગ્યા ગટરના પાણી
સગીરને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલાયો
સાણંદ GIDC પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવ્યો છે.જ્યાં તેનું કાઉન્સિલિંગ કરવામાં આવશે. આ સાથે જ હત્યાને અંજામ આપવામાં અન્ય કોઈ વ્યક્તિનો હાથ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Rajkot: કુવાડવાની જામગઢ ગામે યુવકની હત્યાનો મામલો, પરિવારના આંતરિક ઝઘડામાં કરી હત્યા