ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં શાળાની બેદરકારી! DEOએ શિક્ષણ વિભાગમાં સબમિટ કર્યો રિપોર્ટ

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: શાળાની બેદરકારી ખુલી, DEOનો રિપોર્ટ શિક્ષણ વિભાગમાં
05:08 PM Aug 20, 2025 IST | Mujahid Tunvar
સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: શાળાની બેદરકારી ખુલી, DEOનો રિપોર્ટ શિક્ષણ વિભાગમાં

અમદાવાદ : ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાની ઘટનાએ શહેરમાં હડકંપ મચાવ્યો છે. પ્રાથમિક તપાસમાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના પગલે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)એ રાજ્યના શિક્ષણ વિભાગમાં વિગતવાર રિપોર્ટ સબમિટ કર્યો છે. આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્તના મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

પ્રાથમિક તપાસમાં શું ખુલ્યું?

19 ઓગસ્ટ 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામુક્કીની નજીવી બાબતે ઝઘડો થયો, જે દરમિયાન ધો. 8ના સગીર વિદ્યાર્થીએ નયન પર છરી વડે જીવલેણ હુમલો કર્યો. ઇજાગ્રસ્ત નયનનું 20 ઓગસ્ટની સવારે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું. DEOની તપાસમાં જાણવા મળ્યું કે:

ઘટનાને છુપાવવાનો પ્રયાસ: સ્કૂલે આ ઘટના વિશે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને તાત્કાલિક જાણ કરી ન હતી, જે નિયમોનું ઉલ્લંઘન ગણાય છે.

સમયસર સારવારમાં બેદરકારી: ઘટના બાદ નયનને તાત્કાલિક સારવાર આપવામાં નિષ્ફળતા દાખવવામાં આવી, જેના કારણે તેની સ્થિતિ વણસી.

ભૂતકાળની ઘટનાઓ પર પણ પડદો: સેવન્થ ડે સ્કૂલમાં અગાઉ પણ વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ બની હતી, પરંતુ શાળા મેનેજમેન્ટે આવી ઘટનાઓને છુપાવીને કોઈ નક્કર પગલાં લીધાં ન હતાં.

DEOની કાર્યવાહી

જિલ્લા શિક્ષણ અધિકારીએ સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટને નોટિસ જારી કરી છે, અને ઘટનાના સીસીટીવી ફૂટેજ, ઘટનાનો વિગતવાર રિપોર્ટ અને સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા અંગેની માહિતી સબમિટ કરવા આદેશ આપ્યો છે. DEOએ રાજ્યના શિક્ષણ વિભાગને સબમિટ કરેલા રિપોર્ટમાં સ્કૂલની બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સેવન્થ ડે સ્કૂલને થોડા દિવસો માટે પ્રત્યક્ષ (ઓફલાઈન) શિક્ષણ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.

શહેરની અન્ય શાળાઓને ચેતવણી

આ ઘટનાને પગલે અમદાવાદ શહેરની અન્ય શાળાઓને પણ વિદ્યાર્થી સુરક્ષા બાબતે કડક તાકીદ કરવામાં આવી છે. DEOએ તમામ શાળાઓને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા, સીસીટીવી સિસ્ટમને અદ્યતન રાખવા, અને કોઈપણ ઘટનાની તાત્કાલિક જાણકારી વહીવટી તંત્રને આપવા આદેશ આપ્યો છે. શિક્ષણ વિભાગે આવી ઘટનાઓ નિવારવા માટે શાળાઓમાં વિદ્યાર્થીઓની માનસિક સ્વાસ્થ્ય કાઉન્સેલિંગ અને શિસ્તની નીતિઓને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે.

પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની તપાસ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ હાથ ધરી છે, અને આરોપી સગીર વિદ્યાર્થી (શાહઆલમનો રહેવાસી)ની ધરપકડ કરવામાં આવી છે. જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે સ્કૂલના સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓ એકત્ર કર્યા છે. 20 ઓગસ્ટે નયનની અંતિમયાત્રા દરમિયાન સ્કૂલ પર ભેગી થયેલી ભીડ અને તોડફોડની ઘટનાને ધ્યાનમે રાખીને, ક્રાઈમ બ્રાન્ચે ખોખરા અને આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.

આ પણ વાંચો- Vadodara : નેશનલ હાઇવેના રોડ પર વાઘોડિયા ચોકડી પાસે આજે પણ મોટા-મોટા ખાડા

Tags :
#Nayan#SeventhDSchoolAhmedabadCrimeBranchDEOeducationdepartmentKhokhraMurderStudentSafety
Next Article