શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતની તબિયત બગડી, હાલ સારવાર હેઠળ
- મુંબઇ પાલિકાની ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો
- જુના વફાદાર સિપાહી સંજય રાઉત બિમાર
- બે મહિના સુધી જાહેર જીવનથી વિરામ લેશે, તેમ જાણવા મળ્યું
MP Sanjay Raut Under Treatment : શિવસેના (UBT) ના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમની તબિયત ગંભીર રીતે બગડી છે અને તેઓ હાલમાં સારવાર હેઠળ છે. જેને પગલે મુંબઇની આગામી પાલિકાની ચૂંટણીઓ પર ભારે અસર પડવાની શક્યતાઓ હાલ નકારી શકાય તેમ નથી.
બે મહિના સુધી કાર્યક્રમોથી દૂર રહેશે
સંજય રાઉતે પોતાના સંદેશમાં લખ્યું, "તમે બધાએ હંમેશા મારા પર વિશ્વાસ કર્યો છે અને મારા પર પ્રેમ વરસાવ્યો છે, પરંતુ હવે મારી તબિયત અચાનક બગડી ગઈ છે. હું સારવાર લઈ રહ્યો છું, અને મને વિશ્વાસ છે કે હું જલ્દી સ્વસ્થ થઈ જઈશ." ડોક્ટરોની સલાહને અનુસરીને, તેમને હાલ માટે બહાર જવા અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. તેમણે આગળ લખ્યું, "મને વિશ્વાસ છે કે હું જલ્દી સ્વસ્થ થઈશ અને નવા વર્ષમાં તમને બધાને મળવા આવીશ. તમારો પ્રેમ અને આશીર્વાદ ચાલુ રહે." તેઓ બે મહિના સુધી જાહેર કાર્યક્રમોમાંથી દૂર રહેનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ઠાકરે જુથની શિવસેનાના જુના વફાદાર સિપાહી
સંજય રાઉત શિવસેનાના જૂના અને તેજતર્રાર નેતા છે. તેમના નિશાને સતત વિપક્ષ અને વિપક્ષની નાનામાંનાનીથી લઇને મોટી ભૂલો આવતી હોય છે. તેઓ પોતાના શાયરાના અંદાજમાં પોતાની વાત રજુ કરવા માટે ખાસ જાણીતા છે. પાર્ટીમાં ગમે તેટલા ઉતાર ચઢાવ બાદ પણ તેમનું મન ડગ્યું નથી. અને તેઓ ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે જોડાયેલા રહ્યા છે. તેમને ઉદ્ધવ ઠાકરે જુથની શિવસેનાના જુના વફાદાર સિપાહી તરીકે ગણવામાં આવે છે. તેમને તોડવાના અનેક પ્રયત્નો અત્યાર સુધીમાં નિષ્ફળ જ રહ્યા હોવાનું આપણી સૌ સમક્ષ છે.
આ પણ વાંચો ---- Bihar Election માં NDAનું ઘોષણા પત્ર જાહેર, વાંચો વિગતવાર