સુરેન્દ્રનગર કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો: લાંચના 50% કલેક્ટરને, PA અને મોરીએ સ્વીકાર્યું
- સુરેન્દ્રનગર કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો: લાંચના 50% કલેક્ટરને, PA અને મોરીએ સ્વીકાર્યું
- ED તપાસમાં લાંચ વિભાજનની વિગતો સામે: કલેક્ટરને 50%, મોરીને 10% – શીટમાંથી મળ્યા પુરાવા
- ચેતને 65 લાખની લાંચ આપી: સુરેન્દ્રનગર જમીન કેસમાં PAએ હિસાબ સંભાળવાનું કબૂલ્યું
- મોરીના ઘરેથી 1થી 68 નંબરની શીટ મળી: લાંચના હિસ્સાની વહેંચણીનો ખુલાસો
- 1500 કરોડના NA કૌભાંડમાં નવો વળાંક: ED સમક્ષ ચેતન અને PAના નિવેદનથી ખુલાસા
અમદાવાદ : ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ જમીનને બિન-કૃષિ (NA/CLU)માં રૂપાંતર કરવાના કથિત કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસમાં નવા અને ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામેલ અધિકારીઓએ પૂછપરછ દરમિયાન લાંચની રકમના વિભાજનની વિગતો સ્વીકારી છે, જેમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલને 50% હિસ્સો મળતો હોવાનું જણાવાયું છે. આ કેસમાં પહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હતી અને તાજેતરમાં જ કલેક્ટર પટેલને પાંચ દિવસના રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યા છે.
તપાસમાં થયા અનેક ખુલાસા
તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, એક ચેતન નામના વ્યક્તિએ ED સમક્ષ નિવેદન આપ્યું છે કે તેણે લાંચ તરીકે 65 લાખ રૂપિયા આપ્યા હતા. કલેક્ટરના અંગત સહાયક (PA) જયરાજસિંહ ઝાલાએ પણ પૂછપરછમાં હિસાબ સંભાળવાનું અને લાંચની રકમનું વિભાજન કરવાનું સ્વીકાર્યું છે. ઝાલાએ જણાવ્યું કે CLU (ચેન્જ ઓફ લેન્ડ યુઝ)ની લાંચની 50% રકમ કલેક્ટરને જતી હતી.
નાયબ મામલતદારે પણ લાંચની વહેંચણી કરાતી હોવાનું સ્વીકાર્યું
નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ પણ તપાસમાં આ જ વિભાજન સ્વીકાર્યું છે. તેમના જણાવ્યા મુજબ, લાંચની રકમમાં 50% કલેક્ટરને, 10% ચંદ્રસિંહ મોરીને, 25% રેસિડન્ટ એડિશનલ કલેક્ટર (RAC)ને, 10% મામલતદારને અને 5% ક્લાર્કને મળતી હતી. આ વિભાજનના પુરાવા તરીકે મોરીના નિવાસસ્થાનેથી 1થી 68 નંબરની એક શીટ મળી આવી છે, જેમાં આ હિસાબની વિગતો નોંધાયેલી હોવાનું કહેવાય છે.
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન NA કૌભાંડમાં મોટા સમાચાર
પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ EDને મળ્યા મહત્વના પુરાવા
ચેતન નામના વ્યક્તિએ ED સમક્ષ આપ્યું નિવેદન#Gujarat #Surendranagar #MoneyTrail #LandScam #EDAction #Collector #RajendraPatel #EDInvestigation #Corruption pic.twitter.com/ptG3HTDu4J— Gujarat First (@GujaratFirst) January 2, 2026
કૃષિ જમીનને બિન ખેતી કરવા માટે કરોડોની ઉઘરાણી
આ કૌભાંડનું મૂળ કૃષિ જમીનને બિન-કૃષિમાં રૂપાંતર કરવાની પ્રક્રિયામાં અનિયમિતતા અને લાંચના આરોપોમાં છે. EDએ દાવો કર્યો છે કે આ કેસમાં 10 કરોડથી વધુની લાંચની રકમ સામેલ છે અને કુલ જમીન વ્યવહારો 1500 કરોડથી વધુના હોઈ શકે છે. તપાસમાં ડિજિટલ રેકોર્ડ, ચિઠ્ઠીઓ અને અન્ય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
આ કેસમાં અગાઉ 23 ડિસેમ્બરે EDએ મોરીના ઘરેથી 67.50 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી અને તેમને ધરપકડ કરી હતી. ત્યારબાદ કલેક્ટર પટેલને પદેથી હટાવી દેવામાં આવ્યા હતા અને હવે તેમની કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે. તેથી આગામી દિવસોમાં ક્લેક્ટરની પૂછપરછમાં વધારે મોટા ખુલાસાઓ સામે આવી શકે છે. ગુજરાત ACBએ પણ EDની ફરિયાદ પર પટેલ, ઝાલા, મોરી અને ક્લાર્ક મયુર ગોહિલ સામે ભ્રષ્ટાચારની FIR નોંધી છે.
આ પણ વાંચો- સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલના રિમાન્ડને લઈને કોર્ટમાં તીવ્ર દલીલો : પાંચ દિવસના રિમાન્ડ મંજૂર


