Short Reels : ચાલો થોડો સમય મોબાઈલ બાજુમાં મૂકી દઈએ
Short Reels : ઇન્સ્ટાગ્રામ રીલ્સ, યુટ્યુબ શૉર્ટ્સ, ટિકટોક, ફેસબુક રીલ્સ – આ બધા પ્લેટફોર્મ પર નાચતા, કુદતા, આળોટતાં અને 10/20 સેકન્ડના કન્ટેન્ટના નામે કંઈપણ આડેધડ હથોડા ઝીંકતા લોકોનું તો ઠીક છે. એમણે તો જલ્દીથી સસ્તી ફેમ કમાવવી છે કે થોડાં પૈસા કમાવવા છે. સમસ્યા એ છે કે પહેલાં ફીડમાં અજાણ્યાં દેખાતાં હતાં હવે ઓળખીતાઓ વાંદરવેડા કરતાં જોવા મળે છે. સમજાતું નથી કે હસવું કે જવા દેવું? મનમાં થાય છે કે એક વાર પૂછું, “ઓ ભાઈ / ઓ બહેન, યે કીસ લાઈન મેં આ ગયે આપ?”
દરેક કન્ટેન્ટ હાનિકારક હોય એવું પણ નથી. ઘણું માહિતીપ્રદ કન્ટેન્ટ પણ જોવા મળે છે. પણ અમુકને બાદ કરતાં મોટાભાગનું કન્ટેન્ટ બે ઘડીની મોજ માટે જ હોય છે.
કન્ટેન્ટ સારું છે કે ખરાબ – એની ચર્ચા કર્યા વગર આજે એક પ્રશ્ન ઉઠ્યો કે: “આ થોડી સેકન્ડમાં જોવા મળતું કન્ટેન્ટ ખરેખર આપણા મગજ પર કેવી અસર કરે છે?”
Short Reels : સબ એક હી ખેત કી મુલી હૈ, બસ મુલી બદલ ગઈ હૈ!”
આજના બાળકોને જુઓ તો દિવસે કેટલું વાંચ્યું એ યાદ ના હોય, પણ “ફક્ત 5 મિનિટ માટે મોબાઇલ જોય લઉં?” કે “માત્ર 10 મિનિટ તો મોબાઇલ જોયું છે” એમ બોલતા બાળકો હવે દરેક ઘરમાં જોવા મળે છે. 25/30 વર્ષ પહેલાં અમે પણ આવી જ હાલતમાં હતા. ફર્ક એટલો છે કે ત્યારે ટીવી જોવા માટે એમ કરતા.
“સબ એક હી ખેત કી મુલી હૈ, બસ મુલી બદલ ગઈ હૈ!”
આસપાસ નજર ફેરવશો તો મોબાઇલમાં ડાચાં ઘાલીને સ્ક્રોલ કરતા લોકો કિલો કિલોનાં ભાવમાં જોવા મળશે.
હકીકત એ છે કે આ બધું એકદમ શરૂ થયું એવું નહોતું.
2006 – Twitter (હવે X) એ 140 અક્ષરનાં પબ્લિક મેસેજ દ્વારા શોર્ટ ફોર્મ કન્ટેન્ટની શરૂઆત કરી. લોકોને ઓછા સમયમાં વધુ માહિતી મળવા લાગી. એમને લાંબા નિબંધો વાંચવાને બદલે, નાનાં મેસેજ હળવા અને સરળ લાગ્યા.
2013 – Instagram એ 15 સેકન્ડનાં વિડિયો લોન્ચ કર્યા. ફોકસ “શબ્દોથી” ખસીને લોકોની લાઇફસ્ટાઇલ તરફ ગયું.
2016 – TikTok એ ગામે ગામ નવરી પ્રજાને કામે લગાડી દીધી. કોઈ પણ ચંગુ-મંગુ મિનિટોમાં વાયરલ થવા લાગ્યા. 20 વર્ષ સુધીની ઉંમર ધરાવતી યંગ જનરેશન તેમાં ડૂબી ગઈ.
2020 પછી બધા પ્લેટફોર્મ આમાં કૂદી પડ્યા – Instagram Reels (2020), YouTube Shorts (2021), Facebook Reels વગેરે. દરેકે જોઈ લીધું કેલોકો ટૂંકો વિડિયો વધુ પસંદ કરે છે. લાંબી પોસ્ટ કે ફોટા હવે “રિલેવન્ટ” નથી. એમને સમજ પડી ગઈ કે, વધુ વ્યૂઝ → વધુ એડ્સ → વધુ કમાણી.
ધીરે ધીરે ફાસ્ટ કોન્ટેન્ટ ને ગમાડવા માટે આપણું મગજ ટ્રેઈન થયું યા તો એમ કહો કે આ પ્લેટફોર્મસે આપણા મગજને એ રીતે કંટ્રોલ કરવાની શરૂઆત કરી.
Short Reels : શોર્ટ વિડિયો કન્ટેન્ટ્સ આપણાં મગજ અને બેહેવિયરને કેવી રીતે અસર કરી રહ્યાં છે?
શોર્ટ વિડિયો કન્ટેન્ટ્સ આપણાં મગજ અને બેહેવિયરને કેવી રીતે અસર કરી રહ્યાં છે એ પણ જાણવા જેવું છે.
1) શોર્ટ વિડિયો મગજને બધું ઝડપથી જોવા-જાણવા ટ્રેન કરે છે. આવા વિડિયો/રીલ્સનું સતત કન્સમ્પ્શન (Constant consumption)કરતા માણસને સમય જતા લાંબું કન્ટેન્ટ વાંચવામાં, જોવા, કે લાંબી મીનિંગફૂલ કન્વર્સેશન કરવામાં મુશ્કેલી પડવા લાગે છે. ભવિષ્યમાં એને ફોકસ કરવામાં, ધીરજ રાખવામાં અને પ્રોબ્લેમ-સોલ્વિંગ સ્કિલ્સ ડેવેલોપ કરવામાં પણ મુશ્કેલીઓ પડી શકે છે.
2) શરીરમાં ડોપામિન (Dopamine) નામનું કેમિકલ છે જે માણસને ખુશી મહેસૂસ કરવા માટે જવાબદાર છે. દરેક સ્વાઇપ કે સ્ક્રોલ આપણને નાની નાની ડોપામિન કિક/બૂસ્ટ/કરંટ આપે છે. આપણું મગજ ધીમે ધીમે “હવે નેક્સ્ટ શું જોઇશ?”, “હવે આના થી સારું શું જોવા મળશે?” એવું ઝંખવા માટે ટ્રેન થઈ જાય છે. ધીમે ધીમે આ એક એડિક્શન(Addiction) બની જાય છે અને પછી કામનું ના હોય એ કન્ટેન્ટ પણ સ્ક્રોલ પર સ્ક્રોલ થતું રહે છે.
3) આવા કન્ટેન્ટને દરરોજ કન્સ્યુમ કરવાથી ધીમે ધીમે લો સેલ્ફ-ઈસ્ટીમ, ડિપ્રેશન કે સોશિયલ ઍન્ઝાયટીના પણ ચાન્સ રહે છે. ધીમે ધીમે ખુદની જિંદગી બોરિંગ અને બીજાં કરતા રસવિહીન લાગવા માંડે છે.
4) 5 મિનિટ ક્યારે કલાકો સુધી સ્ક્રોલ કરવા માં ફેરવાય જાય છે એ ખબર નથી પડતી. આના લીધે માણસ પોતાના ગમતા શોખ માટે, નવું શીખવા, સંબંધો જાળવવામાં કે આરામ કરવામાં ઓછો સમય આપવા લાગે છે.
માસ લેવલ અસર શું છે?
લોકો જે ટ્રેન્ડ થઈ રહ્યું હોય તેનાથી ઇન્ફ્લુએન્સ થાય છે, પછી ભલેને એ ધડમાથા વગરના કોન્ટેન્ટ હોય. ક્રિટિકલ થિંકિંગ વેકેશન પર જતું રહે છે. માસ મનીપ્યુલેશન આવી રીતે જ થાય છે. સમાજ એવી ઘણી વાતોને ઍક્સેપ્ટ કરતો થઈ જાય છે કે નોર્મલ ગણવા લાગે છે જે હકીકતમાં લાંબા ગાળે આખી પેઢીને માનસિક રીતે પાંગળી કરી શકે છે.
માણસ રીયલ લાઇફ છોડીને રીલમાં હાઇલાઈટ થવા માટે જીવવા લાગે છે.
એક સમયે જે એન્ટરટેઇનમેન્ટ હતું એ આજે આપણે શું ફીલ કરીએ છે, શું વિચારીએ છીએ અને કેવી રીતે જીવીએ છીએ એને શેપ કરવા લાગ્યું છે. એજ દુ:ખદ હકીકત છે. એજ્યુકેશન, અવેરનેસ અને સેલ્ફ-ડિસિપ્લિન વિના હાલત આના કરતા પણ ખરાબ થઈ શકે છે.
તો ચાલો થોડો સમય મોબાઈલ બાજુમાં મૂકીએ.
આ પણ વાંચો :Digital Addiction : માનવીય સંબંધોનો અંત