Kashmir માં બરફવર્ષાથી ઠંડીમાં વધારો, તાપમાન -7 ડિગ્રી સુધી પહોંચી ગયું
- શ્રીનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં બરફવર્ષા
- પટનીટોપમાં ચાર ઇંચ બરફ પડ્યો, જમ્મુમાં ઘણી જગ્યાએ વરસાદ
- 23 જાન્યુઆરી સુધી ઊંચા પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ રહેશે
જમ્મુ અને કાશ્મીરમાં હવામાન બદલાયું છે. વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગ સહિત ખીણના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો અને જનજીવન ખોરવાઈ ગયું છે. અનંતનાગ-સિંથનટોપ-કિશ્તવાર રોડ, બાંદીપોરા-ગુરેઝ, કુપવાડા-કરનાહ અને પૂંછમાં મુઘલ રોડ ઉપરાંત, ઘણા કનેક્ટિંગ રોડ બંધ રહ્યા છે.
માતા વૈષ્ણો દેવીના ત્રિકુટા પર્વત પર હળવી હિમવર્ષા
બડગામ અને બનિહાલ વચ્ચે ટ્રેન સેવા સ્થગિત રહી છે. તેમજ હવાઈ સેવાઓ ઉપરાંત, શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક ઓછો રહ્યો છે. શ્રીનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં હળવી બરફવર્ષા પણ થઈ છે. જમ્મુ વિભાગમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો અને કેટલીક જગ્યાએ આકાશ વાદળછાયું હતું. મોડી સાંજે જમ્મુ ધુમ્મસથી ઘેરાયેલું હતું. માતા વૈષ્ણો દેવીના ત્રિકુટ પર્વત પર હળવી હિમવર્ષા થઈ હતી. જમ્મુના પર્યટન સ્થળો પટનીટોપ, નાથટોપ, બસંતગઢ, પંચારી, ડોડા, કિશ્તવાડ, રાજૌરી, પૂંચ અને કઠુઆના બાની વિસ્તારના પહાડી વિસ્તારોમાં બરફ પડ્યો છે. અનંતનાગ, કુલગામ, શોપિયા અને પુલવામા જિલ્લામાં પણ બરફવર્ષા શરૂ થઈ છે. કુલગામ અને શોપિયાના ઉપરના વિસ્તારોમાં જેવા કે પહેલગામ, કોકરનાગ, પીર કી ગલી સહિત બરફવર્ષા થઈ છે.
ગુલમર્ગ ખીણ વિસ્તાર -7.0 ડિગ્રી સાથે સૌથી ઠંડો રહ્યો
ગુલમર્ગ સહિત ઉત્તર કાશ્મીરના ઘણા વિસ્તારોમાં છ ઇંચથી વધુ બરફવર્ષા થઈ હતી જે મોડી રાત સુધી ચાલુ રહી હતી જેમાં રોડ કનેક્ટિવિટીને અસર થઈ છે. લપસણી સ્થિતિને કારણે ઘણા વાહનો રસ્તા પર અટવાઈ ગયા હતા. શ્રીનગર સહિત મોટાભાગના નીચલા વિસ્તારોમાં બપોરે થોડીવાર માટે હળવી બરફવર્ષા થઈ હતા. ઘણી જગ્યાએ તાપમાન સતત શૂન્ય બિંદુથી નીચે રહેતાં સમગ્ર ખીણ ઠંડીની લપેટમાં રહી છે. ગુલમર્ગ -7.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ખીણનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -2.5 ડિગ્રી, કાઝીગુંડમાં -3.8, કુપવાડામાં -1.9, કોકરનાગમાં -2.2 અને પહેલગામમાં -4.4 ડિગ્રી નોંધાયું હતું. પટનીટોપમાં 3-4 ઇંચ, નથાટોપમાં આઠ ઇંચ, પંચેરી, દુડ્ડુ, લાટી અને શિવગલીના ઉપરના વિસ્તારોમાં ત્રણથી છ ઇંચ બરફ પડ્યો છે. શિવગલી-દુડ્ડુ રસ્તો બંધ છે. ડોડા જિલ્લાના ભાદરવાહ ખીણમાં હિમવર્ષા થઈ રહી છે.
ડુંગરાળ રસ્તાઓ પર મુસાફરી ન કરવાની સલાહ
ભાલેસા વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાયો છે. તેમજ પૂંછ તાજા બરફથી ઢંકાયેલું જોવા મળ્યું છે. જમ્મુ ઉધમપુરમાં ગઇકાલે બપોરે અડધો કલાક વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 20 થી 23 જાન્યુઆરી દરમિયાન હવામાન બગડશે. ઘણા વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદ પડી શકે છે. લોકોને વધુ ઝડપે વાહન ન ચલાવવા અને ડુંગરાળ રસ્તાઓ પર મુસાફરી કરવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં વરસાદ સાથે હિમવર્ષાની આગાહી છે. સોનમર્ગ, ગુલમર્ગ, અનંતનાગ, કુલગામ અને શોપિયાન જિલ્લાના ઊંચા વિસ્તારોમાં પણ હળવીથી મધ્યમ હિમવર્ષા થઈ શકે છે. કારગિલ-દ્રાસમાં પણ હિમવર્ષા થશે.
આ પણ વાંચો: Rahul Gandhi મધ્યરાત્રિએ અચાનક AIIMS ની બહાર જાણો કોને મળવા પહોંચ્યા


