Somnath Temple : તીર્થભૂમિ સોમનાથના પથ્થરો કરે છે ગર્વભેર રણગર્જના, તામ્રપત્રો અને અભિલેખોમાં ધબકતી સનાતન સંસ્કૃતિ
- Somnath Temple : તીર્થભૂમિ સોમનાથના પથ્થરો કરે છે ગર્વભેર રણગર્જના
- પ્રભાસ પાટણની ધરતી પર સનાતન સંસ્કૃતિની અવિનાશી છાપ
- ભદ્રકાળી મંદિરના શિલાલેખમાં કંડારાયેલો સોમનાથનો કાલજયી ઇતિહાસ
Somnath Temple : પ્રભાસ પાટણની પવિત્ર ધરતી પર વિખરાયેલા પથ્થરો, શિલાલેખો અને તામ્રપત્રો માત્ર અવશેષો નથી, પરંતુ સનાતન સંસ્કૃતિના અખંડ સ્વાભિમાનના સાક્ષી છે. સોમનાથ મહાદેવના કાલજયી ઈતિહાસને ઉજાગર કરતા આવા જ એક અમૂલ્ય શિલાલેખ ભદ્રકાળી મંદિરની દિવાલ પર જે કંડારવામાં આવેલો છે. સોલંકી યુગના સુવર્ણકાળની ગાથા કહે છે.
Somnath Temple : સનાતન સંસ્કૃતિની અવિનાશી છાપ
પ્રભાસ પાટણ મ્યુઝિયમમાં સચવાયેલા અનેક આભિલેખિક પુરાવાઓ સોમનાથ અને પ્રભાસ ક્ષેત્રના પૌરાણિક તથા મધ્યકાલીન ઇતિહાસને પ્રકાશિત કરે છે. અનેક આક્રમણોથી ધ્વસ્ત થયેલા મંદિરના અવશેષો શૌર્ય, શક્તિ અને અડગ સમર્પણના જીવંત પ્રતીક રૂપે આજે પણ મ્યુઝિયમમાં સંરક્ષિત છે. હાલ આ મ્યુઝિયમ પ્રભાસ પાટણના પૌરાણિક સૂર્યમંદિરમાં કાર્યરત છે.
આ મ્યુઝિયમની નજીક, જૂના રામ મંદિર પાસે ભદ્રકાળી ફળિયામાં આવેલ પૌરાણિક ભદ્રકાળી મંદિરની દિવાલ પર એક અતિમહત્વપૂર્ણ શિલાલેખ કંડારાયેલો છે. સોમપુરા બ્રાહ્મણ દીપકભાઈ દવેના નિવાસસ્થાને સંરક્ષિત આ શિલાલેખ રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત ઐતિહાસિક ધરોહર છે.
તીર્થભૂમિ સોમનાથના પથ્થરો કરે છે ગર્વભેર રણગર્જના
પ્રભાસ પાટણ મ્યુઝિયમના ક્યુરેટર તેજલ પરમારના જણાવ્યા મુજબ, ઈ.સ. 1169માં કોતરાયેલો આ શિલાલેખ અણહિલવાડ પાટણના મહારાજાધિરાજ કુમારપાળના ધર્મગુરુ પરમ પાશુપતાચાર્ય શ્રીમદ ભાવબૃહસ્પતિની પ્રશસ્તિ છે. આ અભિલેખમાં સોમનાથ મંદિરના પૌરાણિક તથા મધ્યકાલીન ઇતિહાસનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
શિલાલેખ અનુસાર, ચારેય યુગોમાં સોમનાથ મહાદેવના નિર્માણની પરંપરા રહી છે—સત્યયુગમાં ચંદ્રદેવે સોનાનું, ત્રેતાયુગમાં રાવણે રૂપાનું, દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણે કાષ્ઠનું અને કળિયુગમાં સોલંકી શાસક ભીમદેવે પાષાણથી સુશોભિત ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
તામ્રપત્રો અને અભિલેખોમાં ધબકતી સનાતન સંસ્કૃતિ
ઇતિહાસ સાબિત કરે છે કે ભીમદેવ સોલંકીએ જૂના અવશેષો પર ચોથું મંદિર બંધાવ્યું હતું અને ત્યારબાદ ઈ.સ. 1169માં કુમારપાળના શાસનકાળ દરમિયાન એ જ સ્થાને પાંચમું મંદિર નિર્મિત થયું. સોલંકી યુગમાં પ્રભાસ પાટણ માત્ર તીર્થસ્થાન જ નહીં, પરંતુ સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિનું તેજસ્વી કેન્દ્ર બન્યું હતું.
સિદ્ધરાજ જયસિંહની ન્યાયપ્રિયતા અને કુમારપાળની ધર્મનિષ્ઠાએ સોમનાથના શિખરને ગૌરવના ઉચ્ચતમ સોપાન પર સ્થાપિત કર્યું. આજે પણ પ્રભાસ પાટણની ધરતી પર પાળિયા, શિલાલેખો અને અવશેષો આ ભૂમિના શૌર્ય અને સ્વાભિમાનની ગર્જના કરે છે. ભદ્રકાળી ફળિયામાં કંડારાયેલો આ શિલાલેખ માત્ર પથ્થર પર ઉત્કિર્ણ અક્ષરો નથી, પરંતુ સનાતન ધર્મના આત્મગૌરવ અને સોલંકી શાસકોના સમર્પણની અવિનાશી સ્મૃતિ છે.
આ પણ વાંચો- Surat : આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ ; વિદેશી પતંગબાજોએ ગુજરાતની પરંપરાના કર્યા વખાણ!


