દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 125 રનથી હરાવ્યું, વર્લ્ડ કપની ફાઇનલમાં પહેલીવાર કરી ધમાકેદાર એન્ટ્રી
- W World Cup Semifinal: દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
- મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહેલીવાર ફાઇનલમાં કર્યો પ્રવેશ
- ઇંગ્લેન્ડને 125 રનથી હરાવીને ફાઇનલમાં કર્યો પ્રવેશ
દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમે બુધવારે ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની પહેલી સેમિફાઇનલમાં ઇતિહાસ રચ્યો છે. કેપ્ટન લૌરા વોલ્વાર્ડ અને ઓલરાઉન્ડર મેરિઝેન કેપના શાનદાર પ્રદર્શનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને 125 રનથી હરાવીને પ્રથમ વખત મહિલા વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
W World Cup Semifinal આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં કર્યો પ્રવેશ
ઇંગ્લેન્ડે ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કેપ્ટન લૌરા વોલ્વાર્ડે અસાધારણ પ્રદર્શન કરીને 143 બોલમાં 169 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 20 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થતો હતો. તામઝિન બ્રિટ્સ (45) સાથે 116 રનની ઓપનિંગ ભાગીદારી પછી, વોલ્વાર્ડે મેરિઝેન કેપ (42) અને ક્લો ટ્રાયોનના અણનમ ( 33) સાથે નિર્ણાયક ભાગીદારી કરીને ટીમને નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 319 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડી.320 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત અત્યંત નબળી રહી. ઝડપી બોલર મેરિઝેન કેપે પોતાના પહેલા જ ઓવરમાં એમી જોન્સ અને હીથર નાઈટને શૂન્ય રને આઉટ કરીને ઇંગ્લેન્ડને મોટો આંચકો આપ્યો.કેપે તેના 7 ઓવરના સ્પેલમાં માત્ર 20 રન આપીને 5 વિકેટ ઝડપીને ઇંગ્લિશ બેટિંગ લાઇન-અપને તોડી પાડી. નાડાઇન ડી ક્લાર્કે પણ ૨ વિકેટ લીધી હતી.
W World Cup Semifinal ફાઇનલમાં ભારત કે ઓસ્ટ્રેલિયા સામે થશે મુકાબલો
ઇંગ્લેન્ડે 1 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, નેટ સાયવર-બ્રન્ટ (64) અને એલિસ કેપ્સી (50) એ 107 રનની લડાયક ભાગીદારી કરીને ટીમને સંકટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ જોડી તૂટતા જ ઇંગ્લેન્ડની બાકીની ટીમ 42.3 ઓવરમાં માત્ર 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડને તેની વિસ્ફોટક 169 રનની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવી.દક્ષિણ આફ્રિકા હવે ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે, જ્યાં તે બીજી સેમિફાઇનલના વિજેતા (ભારત કે ઓસ્ટ્રેલિયા) સામે ટકરાશે.
આ પણ વાંચો: T20I સિરીઝની શરૂઆત ખરાબ: વરસાદે પ્રથમ ભારત-ઓસ્ટ્રેલિયા મેચ રદ કરાવી!