બિપોરજોય વાવાઝોડા વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરુરી...!
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય નામનું વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થવાનું છે જેને લઇને વહિવટીતંત્ર એલર્ટ મોડમાં છે. હાલ વાવાઝોડુ ધીમે ધીમે આગળ ધપી રહ્યું છે. ગુજરાતના દરીયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી છે જેના કારણે સ્થાનિકોએ તકેદારી રાખવી...
10:00 PM Jun 10, 2023 IST
|
Vipul Pandya
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય નામનું વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થવાનું છે જેને લઇને વહિવટીતંત્ર એલર્ટ મોડમાં છે. હાલ વાવાઝોડુ ધીમે ધીમે આગળ ધપી રહ્યું છે. ગુજરાતના દરીયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી છે જેના કારણે સ્થાનિકોએ તકેદારી રાખવી અત્યંત જરુરી છે. ૧૧ અને ૧ર જુન પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે ખરા અર્થમાં નિર્ણાયક દિવસો બની રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર, માંગરોળ, ભાવનગર, જામનગર, વલસાડ, નવસારી અને દ્વારકા-ઓખાના સાગરકાંઠે લગભગ ૧૦૦ થી ૧ર૦ કિ.મી. ની ઝડપે પવન ફૂંકાશે અને આ બન્ને દિવસ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે.
વાવાઝોડા પહેલા રાખવાની તકેદારીઓ
આગાહી માટે રેડિયો, ટી.વી. પર સમાચારો સતત સાંભળતા રહેવા, તેમજ અફવા ફેલાવવી નહીં, ગભરાવું નહીં. ઘરના બારી-બારણાં અને છાપરાની મજબૂતી તપાસવી. ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો સલામત સ્થળે તેમજ ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જોખમી વિસ્તારમાં રહેતા લોકોએ વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું તેમજ પોતાના પ્રાણીઓને પણ સલામત સ્થળે લઈ જવા.
વાવાઝોડા દરમિયાન રાખવાની તકેદારીઓ
પાણીના સ્ત્રોતથી દૂર રહેવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઊભા ના રહેવું. ઘરની બહાર નીકળવાનું ટાળવું, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા, ટેલિફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
વાવાઝોડા બાદ રાખવાની તકેદારીઓ
સૂચના મળ્યા પછી જ ઘરની બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં તેમજ ખુલ્લા - છૂટા પડેલા વાયરોને અડકવું નહી, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાયેલાઓને તાત્કાલિક બચાવ કરવો, ક્લોરિનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો, ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો. સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
Next Article