આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના મંદિરમાં ભાગદોડમાં રેલિંગ વચ્ચે ફસાયા શ્રદ્વાળુઓ, ઘટનાનો ભયાનક વીડિયો સામે આવ્યો!
- Srikakulam Temple Stampede: વેંકટેશ્વર સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના સર્જીઇ
- વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડમાં 10 શ્રદ્વાળુઓના મોત
- આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ વેંકટેશ્વર સ્વામી મંદિરમાં (Srikakulam Temple Stampede) શનિવારે 1 નવેમ્બર અને 2025 ના રોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કાર્તિક એકાદશીના શુભ પર્વ નિમિત્તે મંદિરમાં ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 10 શ્રદ્ધાળુઓના માર્યા ગયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાએ રાજ્યભરમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને સ્થાનિક વહીવટીતંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવાની ફરજ પડી હતી.
Srikakulam Temple Stampede: વેંકટેશ્વર સ્વામી મંદિરનો વીડિયો આવ્યો સામે
આ કરુણ ઘટના અને ઘટનાસ્થળના ઘણા ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવ્યા છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. વીડિયોમાં મંદિર તરફ જતા સાંકડા માર્ગની રેલિંગ વચ્ચે ફસાયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા છે. એકાદશી પૂજા માટે ટોપલીઓ લઈને જતી ઘણી મહિલાઓ ચીસો પાડતી અને રડતી જોવા મળી હતી. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા, જેના દ્રશ્યો વીડિયોમાં એમ્બ્યુલન્સમાં પણ જોવા મળ્યા હતા, જેથી તેમને સમયસર તબીબી સહાય મળી શકે.
Srikakulam Temple Stampede: PM મોદીએ શોકની લાગણી વ્યકત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીકાકુલમ જિલ્લામાં થયેલી આ ભાગદોડ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, તેમણે કહ્યું, "આ ભયાનક અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદનાઓ છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું." પ્રધાનમંત્રીએ પીડિતો માટે આર્થિક સહાયની પણ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી મૃતકોના પરિવારોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાય આપવામાં આવશે.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પણ આ અકસ્માત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું, "શ્રીકાકુલમના કાસીબુગ્ગામાં વેંકટેશ્વર મંદિરમાં થયેલી ભાગદોડ અત્યંત દુ:ખદ છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ભક્તોનું નુકસાન હૃદયદ્રાવક છે. મેં અધિકારીઓને ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી છે." સ્થાનિક પ્રશાસને ભાગદોડના કારણોની તપાસ શરૂ કરી દીધી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને ટાળવા માટે સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરી શકાય.
આ પણ વાંચો: ભારત-અમેરિકાએ નવા 10-વર્ષના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા,ઇન્ડો-પેસિફિકમાં વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થશે