84 લાખનો વિદેશી દારૂ કચ્છમાંથી અને 1.31 કરોડનો મુંદ્રા પહોંચે તે પહેલાં SMC એ પકડ્યો
છેલ્લાં બે દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ખેડા, સુરેન્દ્રનગર તેમજ કચ્છ પશ્ચિમ જિલ્લામાંથી 2.56 કરોડનો વિદેશી દારૂ (IMFL) સહિત કુલ રૂપિયા 3.40 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. SMC એ એક દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ ભરેલી ટ્રકનો રનીંગ કેસ તેમજ કચ્છ પશ્ચિમમાં માંડવીના ત્રગડી ગામેથી વિદેશી દારૂ ભરેલા અડધો ડઝન વાહનો કબજે કરી 2.14 કરોડનો IMFL પકડ્યો છે. અમદાવાદ-રાજકોટ હાઈવે વસ્તડી ગામે બુટભવાની પેટ્રોલ પંપ પરથી પકડવામાં આવેલી દારૂ ભરેલી ટ્રકનું કચ્છ કનેકશન સામે આવ્યું છે.
પોલીસની ગોઠવણ, કચ્છમાં દારૂની રેલમછેલ
કચ્છના પૂર્વ અને પશ્ચિમ એમ બંને જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યાં છે. સ્થાનિક પોલીસ સાથેની ગોઠવણ વિના લાખો-કરોડોનો દારૂ જિલ્લામાં ના આવી શકે, ના વેચાઈ શકે. State Monitoring Cell ની ટીમે આજે શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar District) માંથી 1.31 કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડી હતી. દરમિયાનમાં SMC ની બીજી ટીમે કચ્છના માંડવીના ત્રગડી ગામે આવેલી એક સોસાયટીમાં દરોડો પાડી એક ટુ વ્હીલર અને 6 ફૉર વ્હીલર ઝડપી લઈ 83.78 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. અત્રે નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે પેટ્રોલ પંપ પરથી પકડાયેલી 1.31 કરોડનો દારૂ ભરેલી ટ્રક કચ્છના મુંદ્રા (Mundra Kutch) ખાતે જવાની હતી.
ગેંગસ્ટર અનિલ પાંડીયાએ પંજાબથી દારૂ મોકલ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામ પાસેથી 1.31 કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડી પાડી SMC એ રાજસ્થાની ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને પકડ્યા છે. આ મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશન (Joravarnagar Police Station) ખાતે નોંધાયેલા ગુનામાં ગેંગસ્ટર અનિલ પાંડીયા સહિત ત્રણ શખ્સોને ફરાર દર્શાવાયા છે. અનિલ પાંડીયાએ તેના સાગરીત થકી પંજાબથી વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મુંદ્રા ખાતેના શખ્સને મોકલ્યો હતો. જો કે, SMC પીએસઆઈ ડી. પી. ભાટી (PSI D P Bhati) અને તેમની ટીમે 1.31 કરોડનો દારૂ કચ્છ પહોંચે તે પહેલાં જ રસ્તામાંથી ઝડપી લીધો છે.
આ પણ વાંચોઃ પત્નીની હત્યા કરી મૃતદેહની વિડીયોગ્રાફી કરનારા પતિની Police એ કરી ધરપકડ
માંડવી ખાતે સોસાયટીમાં જ દારૂનો ખુલ્લેઆમ વેપાર
કચ્છ પશ્ચિમ જિલ્લાના માંડવી તાલુકા (Mandvi Kutch West) ના ત્રાગડી ગામે ઠોસ બાતમીના આધારે SMC ત્રાટકી હતી. વિદેશી દારૂના કટીંગ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એ. વી. પટેલ (PSI A V Patel) ટીમ સાથે પહોંચી ગયા હતા. પોલીસની રેડ પડતાંની સાથે જ આરોપીઓ પોતાના વાહનો બિનવારસી છોડી દઈને નાસી છૂટ્યા હતા. Team SMC ને એક ટુ વ્હીલર અને 6 ફૉર વ્હીલર સ્થળ પરથી મળી આવ્યા હતા. વાહનોમાં તપાસ કરતા વિદેશી દારૂ/બીયરની 13,661 બોટલ/ટીન (કિમત 83.78 લાખ) મળી આવ્યા હતા. માંડવી મરિન પોલીસ સ્ટેશન (Mandvi Marine Police Station) ખાતે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં યુવરાજસિંહ વજુભા જાડેજા, દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા, રોહિતસિંહ કેશુભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા જાડેજા (તમામ રહે. ત્રગડી, માંડવી) સહિત 16 શખ્સોને ફરાર દર્શાવાયા છે. ફરાર આરોપીઓ તેમના ઘર તેમજ સોસાયટીના ખુલ્લા પ્લોટમાંથી વિદેશી દારૂનો ધંધો ચલાવતા હતા.
આ પણ વાંચોઃ S G Highway પર ફૂટબોલ ખેલાડીને ટક્કર મારી કોમામાં ધકેલનારો પોલીસ પુત્ર કેવી રીતે ઓળખાયો ?