SMC ને હૉટલના પાર્કિંગમાંથી દારૂ ભરેલી કાર મળી અને રિક્ષામાંથી MDની પડીકીઓ વેચવા નીકળેલો શખ્સ મળ્યો
ડ્રગ્સનું દૂષણ અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન વધી રહ્યું છે અને આની જાણકારી સૌ ધરાવે છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) અને અમદાવાદ પોલીસે અનેક કેસ કર્યા હોવા છતાં ડ્રગ્સ વિતરણ અને વેચાણ આજે પણ શહેરમાં ચાલુ છે. SMC એ અમદાવાદના C G Road પરથી એક શખ્સને પકડી તેની પાસેથી 5.22 લાખનું એમડી ડ્રગ્સ કબજે લીધું છે. આ ઉપરાંત સોલા સાયન્સ સિટી રોડ પર આવેલી હૉટલમાં રોકાયેલા અમરેલીના બુટલેગરને ઝડપી પાડી હૉટલના પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી 5.13 લાખનો વિદેશી દારૂ/બીયર જપ્ત કર્યો છે.
MDની 10 પડીકી વેચવા નીકળેલો શખ્સ ઝડપાયો
અમદાવાદના જમાલપુર કાચની મસ્જીદ પાસે રહેતો સોહેબ ઉર્ફે મામા મેફેડ્રોન (Mephedrone) વેચવા એસ.જી. હાઈવે તરફ જવાનો છે તેવી બાતમી SMC ના પીએસઆઈ એસ. એન. ચુડાસમાને મળી હતી. જે માહિતીના આધારે પીઆઈ સી. બી. ચૌધરી (PI C B Chaudhari) સહિતની ટીમ જમાલપુર ખાતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાનમાં ગઈકાલે મંગળવારની સાંજે સોહેબ જમાલપુર દરવાજા તરફથી આવી એક શખ્સ સાથે વાતચીત કરતા કરતા એક રિક્ષામાં બેસીને નીકળી ગયો હતો. જેથી Team SMC એ ખાનગી કારમાં પાલડી ચાર રસ્તા, એલિસબ્રિજ લૉ ગાર્ડન, મીઠાખળી થઈને સી. જી. રોડ સુધી પીછો કર્યો હતો. C G Road ગીરીશ કોલ્ડ્રીંકસ ચાર રસ્તા પાસે પોલીસ સ્ટાફે રિક્ષા અટકાવી હતી. રિક્ષામાં બેસેલા સોહેબ શેખ અને અન્ય ઉસ્માન ભાટીજીવાલાને નીચે ઉતારી તલાશી લેતા સોહેબ ઉર્ફે મામા પાસેથી 10 ઝીપલૉક બેગ મળી આવી હતી. જેમાંથી 52.280 ગ્રામ MD Drugs મળી આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં સોહેબ શેખે એમડી ડ્રગ્સ શાહઆલમ દરગાહ સામે રહેતા ઈમરાન પાસેથી સોમવારે રાતે 54 હજારમાં ખરીદ્યું હોવાની કબૂલાત કરી હતી. ઈમરાન પાસેથી ખરીદેલું ડ્રગ્સ સોહેબ શેખ એસ.જી. હાઈવે તેમજ સિંધુ ભવન રોડ પર ગરજ અનુસાર ગ્રાહકોને વેચીને નફો મેળવતો હતો.
આ પણ વાંચોઃ IPL ની ફાઈનલ જોવા ગયેલા અનેક દર્શકોના મોબાઈલ ફોન ચોરાયા, બે ફરિયાદ ચોપડે નોંધાઈ
લિસ્ટેડ બુટલેગરને હૉટલના રૂમમાંથી પકડી દારૂ જપ્ત કર્યો
અમરેલી-ભાવનગર-રાજકોટ પોલીસના ચોપડે રહેલો લિસ્ટેડ બુટલેગર હાર્દિક વિનોદરાય માધવાણી ઉર્ફે માધો (રહે. અમરેલી શહેર) અમદાવાદની હૉટલમાં દારૂ ભરેલી કાર પાર્ક કરીને રોકાયો છે. SMC પીઆઈ આર. કે. કરમટા (PI R K Karamta) ને બાતમી મળતા તેઓ ટીમ સાથે વહેલી પરોઢ પહેલાં અમદાવાદ દોડી આવ્યા હતા. સોલા સાયન્સ સિટી રોડ પર પરિશ્રમ એલીગન્ટ કૉમ્પલેક્ષમાં આવેલી હૉટલ સિટિઝન (Hotel Citizen) માં સૂઈ રહેલાં હાર્દિક ઉર્ફે માધાને ઉઠાડીને પાર્કિંગમાં રહેલી સુરત પાસિંગવાળી કારની તલાશી લીધી હતી. કારની ડીકી તેમજ સીટ પરથી વિદેશી દારૂ તેમજ બીયરના ટીનની પેટીઓથી મળી આવી હતી. 1352 બોટલ/ટીન કિંમત રૂપિયા 5.13 લાખનો વિદેશી દારૂ, કાર, મોબાઈલ ફોન તેમજ રોકડ અઢી હજાર (કુલ મુદ્દામાલ 10.21 લાખ) કબજે લીધો હતો. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન (Sola High Court Police Station) ખાતે હાર્દિક ઉપરાંત અમરેલીના બુટલેગર અનિલ ચાવડા તેમજ રાજસ્થાનથી દારૂ મોકલનાર હરસંજી લુણીને આરોપી દર્શાવાયા છે. હાર્દિક માધવાણી છેલ્લાં કેટલાંય વર્ષોથી રાજસ્થાન, પંજાબ ખાતેથી દારૂ ખરીદીને સ્થાનિક બુટલેગરોને નફો લઈને પહોંચાડવાનું કામ કરે છે.
આ પણ વાંચોઃ કરોડોના રોકાણની વાતો કરી વિધવા મહિલાનો આર્થિક-શારીરિક ગેરફાયદો ઉઠાવનાર ઠગ ઝડપાયો