VADODARA : SMC એ પકડેલો દારૂનો જથ્થો બનાવટી હોવાની આશંકા, ગોવામાં તપાસ કરાશે
- રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી રેડ વડોદરામાં પડી
- અઢી કરોડના દારૂ મામલે બોટલો પરથી પ્રાથમિક માહિતી ગાયબ
- નવસારીમાં પણ તે જ રીતે દારૂની બોટલો મળી આવી
- વડોદરા પોલીસની પીસીબી શાખા ગોવામાં જઇને તપાસ કરી શકે છે
VADODARA : તાજેતરમાં રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની (STATE MONITORING SELL) ટીમો દ્વારા વડોદરા (VADODARA) શહેરના દશરથ (DASHRATH SMC RAID) ગામે દરોડા પાડ્યા હતા. જેમાં રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ કિંમત રૂ, 2.5 કરોડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જપ્ત કરેલી વિદેશી દારૂની બોટલો પર કિંમત અને બેચ નંબર જેવી માહિતી ગાયબ હતી. જેથી આ દારૂ બનાવટી હોવાની તપાસ અધિકારીને આશંકા છે. જેથી પોલીસની એક ટીમ ગોવા ખાતે દારૂ બનાવતી કંપનીમાં તપાસ અર્થે જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતો વગરની દારૂની બોટલો નવસારી ખાતેથી પણ પકડાઇ
વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા પાડેલા દરોડામાં રૂ. 2.5 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આ દારૂના જથ્થાની ઝીણવટભરી તપાસ કરતા તેના પર બેચ નંબર, કિંમત અને ઉત્પાદનની તારીખની વિગતો ગાયબ જણાતી હતી. જેથી આ દારૂનો જથ્થો બનાવટી હોવાની પ્રબળ આશંકા સેવાઇ રહી છે. બીજી તરફ આ જ રીતે વિગતો વગરની દારૂની બોટલો નવસારી ખાતેથી પણ પકડી પાડવામાં આવી છે. જેને પગલે આ પ્રકારે બનાવટી દારૂ ઘૂસાડવાનુ રાજ્યવ્યાપી કૌભાંડ ચાલતું હોવાની આશંકા પ્રબળ થઇ છે. જેને લઇને હવે પોલીસ દ્વારા આરોપીઓને જેલમાં મોકલી આપવાના હુકમ સામે રિવિઝન અરજી તૈયાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે આરોપી મંગીલાલ બાબુરામ બિશ્નોઇ, કમલેશકુમાર માધારામ બેનીવાલ, અશોક ઉર્ફે અનિલ પપ્પુરામ બિશ્નોઇ, પ્રવિણ પુનમરામ બિશ્નોઇને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
તપાસ પર સૌની નજર
બીજી તરફ દારૂની બોટલો પર કિંમત, બેચ નંબર, ઉત્પાદન તારીખ નહીં હોવા મામલે પોલીસ દ્વારા મૂળ કંપનીમાં ગોવા ખાતે તપાસ અર્થે જવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે આગળ શું હકીકતો સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
આ પણ વાંચો --- VADODARA : ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા પાલિકાના ત્રણ એન્જિનિયરોને નોટિસ