ઓડિશાના કટકમાં દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જન શોભાયાત્રા પર પથ્થરમારો, બે જૂથ વચ્ચે ભારે બબાલ
- Durga Puja : ઓડિશાના કટક શહેરમાં બે જૂથો વચ્ચે ભારે બબાલ
- દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા પર પથ્થરમારો
- વિશ્વ હિંદુ પરિષદે 6 ઓકટોબરે 12 કલાક માટે બંધનું એલાન આપ્યું
ઓડિશા (Odisha) ના કટક શહેરમાં રવિવારે દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ શોભાયાત્રા પર ટોળાએ પથ્થરમારો કરતા પરિસ્થિતિ વણસી હતી અને બંને જુથો વચ્ચે ભારે બબાલ થઇ હતી. આ પરિસ્થિતિ વધુ વણસે પહેલા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધુ હતું.આ ઘટનાને લઇને વિશ્વ હિંદુ પરિષદે 6 ઓકટોબરે 12 કલાક માટે બંધનું એલાન આપ્યું છે.
Durga Puja Violence: ઓડિશાના કટક શહેરમાં બે જૂથો વચ્ચે ભારે બબાલ
નોંધનીય છે કે આ ઘટના વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે માટે આગામી ૨૪ કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે દોઢથી બે વાગ્યાની વચ્ચે દરગાહબજાર વિસ્તારના હાથી પોખરી નજીક હિંસાની શરૂઆત થઈ હતી. જ્યારે કેટલીક દુર્ગા પૂજા સમિતિઓનું વિસર્જન જુલૂસ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે કેટલાક સ્થાનિક રહેવાસીઓએ જુલૂસમાં વાગી રહેલા મોટા અવાજના સંગીત સામે વાંધો ઉઠાવ્યો હતો.આ દલીલ ઝઘડામાં ફેરવાઇ ગઇ હતી. બંને જૂથો આમને-સામને આવી ગયા હતા. ટોળાએ છત પરથી શોભાયાત્રા પર પથ્થરો અને કાચની બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું.
Durga Puja Violence: પોલીસે સ્થિતિ પર મેળવ્યો કાબૂ
આ ઘટનામાં કટકના ડીસીપી ખેલાડી ઋષિકેશ જ્ઞાનદેવ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હળવા લાઠીચાર્જનો સહારો લીધો હતો. હુમલાખોરોની તાત્કાલિક ધરપકડની માંગ સાથે દુર્ગા પૂજા સમિતિઓના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં, વિસર્જનની કાર્યવાહી લગભગ ત્રણ કલાક સુધી અટકી પડી હતી.પોલીસ કમિશનર એસદેવ દત્ત સિંહે જણાવ્યું કે આ હિંસા સાથે જોડાયેલા છ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ ધરપકડો પથ્થરમારામાં તેમની સંડોવણીના આધારે કરવામાં આવી છે અને તેમની ઓળખ સીસીટીવી ફૂટેજ દ્વારા કરવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે તે જ વિસ્તારમાં અન્ય એક શોભાયાત્રા પહોંચી, ત્યારે તણાવ ફરી ભડકી ઉઠ્યો હતો. આ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CAPF) ને તૈનાત કરવામાં આવ્યું હતું. સખત સુરક્ષા ઘેરામાં સવારે ૧૦ વાગ્યા સુધીમાં બાકીની તમામ મૂર્તિઓનું વિસર્જન પૂર્ણ કરવામાં આવ્યું હતું. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી છેલ્લી ચેતવણી, 'શાંતિ પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરે તો હમાસની બરબાદી'