Studio On Wheels : શું ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાશે? ઠાકોર સમાજના બંધારણ મહાસંમેલન પર મહાસંવાદ
- Studio On Wheels : ગેનીબેન ઠાકોરનો મહાસંવાદ: ઠાકોર સમાજના બંધારણમાં આવશે મોટા પરિવર્તનો!
- અંધશ્રદ્ધા અને બદીઓ પર પ્રહાર: ગેનીબેન ઠાકોરના વિચારો સમાજને જાગૃત કરશે
- બનાસની ધરતીથી રાજકારણ સુધી: ગેનીબેનની સફર અને ઠાકોર સમાજનો સંકલ્પ
- 4 જાન્યુઆરીએ બંધારણ દિવસ: ઓગડથળીથી શરૂ થશે નવી પરંપરા
- કોંગ્રેસમાં જ રહીશું: ગેનીબેન ઠાકોરે ભાજપ અંગે કરી સ્પષ્ટ વાત
Studio On Wheels : 'ગુજરાત ફર્સ્ટ'ની અનોખી પહેલ 'Studio On Wheels' જ્યારે બનાસકાંઠા પહોંચી ત્યારે લોકલાડીલા સાંસદ ગેનીબેન ઠાકોરે ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. ઠાકોર સમાજ દ્વારા યોજાઈ રહેલા 'બંધારણ મહાસંમેલન' અંગે વાત કરતા ગેનીબેને જણાવ્યું હતું કે, આ સંમેલનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા લાવવાનો અને સમયની સાથે જરૂરી સુધારા કરવાનો છે.
કુરિવાજોને હાકારો
ડૉ. વિવેક ભટ્ટ સાથેની વાતચીતમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે, "સમાજે હવે કુરિવાજો અને ખોટા ખર્ચાઓ (જેમ કે લગ્નમાં ડીજે, ફટાકડા, ભભકા) છોડીને તે પૈસા દીકરા-દીકરીઓના શિક્ષણ પાછળ વાપરવા જોઈએ."આ દરમિયાન ગેનીબેને સ્પષ્ટ કર્યું કે, સમાજનું નવું બંધારણ કોઈને બંધનમાં રાખવા માટે નહીં, પણ સમાજને પ્રગતિના પંથે લઈ જવા માટે છે. તેમણે દરેક ગામ અને પરિવારને આ નવા નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
Studio On Wheels। BJPમાં જોડાવા પર સાંસદ ગેનીબેનનો જવાબ | Gujarat First@GenibenThakor @vishvek11 #StudioOnWheels #GanitbenThakor #MPStatement #BJPJoining #PoliticalBuzz #GujaratPolitics #NewsUpdate #GujaratFirst pic.twitter.com/T8pwR1GNPx
— Gujarat First (@GujaratFirst) January 4, 2026
Studio On Wheels માં ગેનીબેને દિલ ખોલીને કરી ચર્ચા
બનાસકાંઠાની ધરતીથી રાજકારણના શિખર સુધીની અનોખી સફર કરનાર સાંસદ ગેનીબેન ઠાકોરે તાજેતરમાં ગુજરાત ફર્સ્ટ સાથે એક વિશેષ મહાસંવાદમાં ઠાકોર સમાજના બંધારણ મહાસંમેલન અને સમાજ સુધારા અંગે ખુલીને વાત કરી છે. ઓગડથળી જેવા આસ્થાના કેન્દ્રથી શરૂ થયેલી આ વાતચીતમાં તેમણે સમાજના બદલાતા બંધારણ, બદીઓ પર પ્રતિબંધ, અંધશ્રદ્ધા, ખોટી ખર્ચ પ્રથા અને રાજકીય મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ મહાસંવાદ ઠાકોર સમાજ માટે ઐતિહાસિક પરિવર્તનની પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.
નવા બંધારણ વિશે પણ કરી વાત
ઠાકોર સમાજના બંધારણમાં આવી રહેલા પરિવર્તનો અંગે વાત કરતાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, "સમાજના રીત-રિવાજને સુધારવા માટે કોઈ કાયદો નથી હોતો. સમાજે જાતે જ વિવિધ નિયમો ઘડવા પડે છે." તેમણે ખોટી ખર્ચ પ્રથા બંધ કરવા માટે સમાજને આહ્વાન કર્યું અને કહ્યું કે, આવી પ્રથાઓને કારણે શ્રમિક વર્ગને સૌથી વધુ તકલીફ પડે છે. ગેનીબેને વધુમાં જણાવ્યું કે, "ઘણી ઘટનાઓમાં મને સમાજ પ્રત્યે લાગણી છે અને અંધશ્રદ્ધા રોકવા માટે અમે પ્રયાસ કર્યા છે." તેમણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેના ભેદને સમજાવવા માટે સમાજમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
Geniben Thakor LIVE: સમાજના બંધારણમાં મોટા ફેરફાર? Studio On Wheels પર Dr Vivek Kumar Bhatt સાથે https://t.co/HJzsKPXYfz
— Gujarat First (@GujaratFirst) January 3, 2026
ગેનીબેને કહ્યું- ઠાકોર સમાજ હંમેશા મારી સાથે રહ્યો
ગેનીબેન ઠાકોરે પોતાની રાજકીય સફર અંગે પણ ખુલીને વાત કરી. તેમણે કહ્યું કે, "મેં 9 ચૂંટણીઓ લડી છે અને ઠાકોર સમાજ હંમેશા મારી સાથે રહ્યો છે." કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ અને આઈડિયોલોજી વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "હું કોંગ્રેસ પક્ષની આઈડિયોલોજી પ્રમાણે કામ કરું છું." ભાજપ વિશે પૂછતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેઓ કોંગ્રેસમાં જ રહેશે અને ભાજપમાં જોડાવાનો કોઈ વિચાર નથી. તેમણે વધુમાં કહ્યું કે, "ટિકા-ટિપ્પણીઓથી અમને ફરક નહીં પડે, અમે અમારું કામ કરતા રહીશું."
1998માં ઓગળથળીમાં ઠાકોર સમાજનું બંધારણ લખાયું હતું, હવે એક વખત ફરીથી નવો બંધારણ લખાવવા જઈ રહ્યો છે
ઓગડથળી, જે ઠાકોર સમાજનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યાંથી આ મહાસંમેલનની શરૂઆત થઈ રહી છે. ગેનીબેને કહ્યું કે, "આસ્થાના કેન્દ્ર ઓગડથળીમાં બંધારણ ઘડાઈ રહ્યું છે અને અહીંથી સમાજની નવી શરૂઆત થશે." તેમણે ઓગડથળીના વિકાસ માટેના એજન્ડા પર વાત કરતાં જણાવ્યું કે, "જિલ્લાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવાની મારી પ્રાથમિકતા છે." ઠાકોર સમાજની સૌથી વધુ જનસંખ્યા ધરાવતા ત્રણ જિલ્લાઓમાં આ પરિવર્તનની અસર વધુ જોવા મળશે તેમ તેમણે અનુમાન વ્યક્ત કર્યું.
4 જાન્યુઆરીએ મહાસંમેલન
આ મહાસંમેલન 4 જાન્યુઆરીએ યોજાશે, જેને ઠાકોર સમાજના બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવશે. ગેનીબેને સમાજને કઈ દિશામાં લઈ જવો છે તે અંગે વાત કરતાં કહ્યું કે, સમાજ સુધારાનો સંકલ્પ લઈને આગળ વધવું જોઈએ. તેમણે બંધારણ પર પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ બંધારણ સમાજને આધુનિક અને પ્રગતિશીલ બનાવશે. આ વાતચીતમાં તેમણે નિસંકોચપણે તમામ મુદ્દાઓ પર વાત કરી અને સમાજને જાગૃત થવા માટે પ્રોત્સાહન આપ્યું.
ડોક્ટર વિવેક ભટ્ટ સાથેની ગેનીબેન ઠાકોરની એક્સક્લૂઝિવ વાતચીત જોવા નીચે આપેલ વીડિયોને જૂઓ
આ મહાસંવાદ ઠાકોર સમાજ માટે માત્ર એક વાતચીત નહીં, પરંતુ પરિવર્તનની પહેલ છે. ગેનીબેન ઠાકોરના આ વિચારો સમાજમાં નવી ઉર્જા ભરી શકે છે અને અનેક બદીઓને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. આગામી દિવસોમાં આ મહાસંમેલન કેવા પરિણામો લાવશે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો- BZED કૌભાંડમાં નવો વળાંક : ભુપેન્દ્ર ઝાલાના પિતાની ધરપકડ, જામીન અરજી પર ચુકાદો અનામત


