Green Firecrackers: સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો, દિલ્હી-એનસીઆરમાં ફટાકડા બનાવવાની શરતી મંજૂરી આપી
- Green Firecrackers:સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલા ફટાકડાના નિયમને લઇને આપ્યો ચુકાદો
- કોર્ટે ગ્રીન ફટાકડાને લઇને ઉત્પાદકોને મોટી રાહત આપી
- વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કડક શરતો પણ મૂકી
સુપ્રીમ કોર્ટે (Supreme Court) દિવાળી પહેલા ફટાકડાના નિયમને લઈને શુક્રવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ગ્રીન ફટાકડાને લઇને ઉત્પાદકોને મોટી રાહત આપી છે, પરંતુ સાથે જ વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કડક શરતો પણ મૂકી છે.
નોંધનીય છે કે નેશનલ એનવાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI) અને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોસિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO) તરફથી પ્રમાણિત સર્ટિફિકેટ ધરાવતા ઉત્પાદકોને દિલ્હી-NCR ક્ષેત્રમાં ગ્રીન ફટાકડા બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ ઉત્પાદકો દિલ્હી-એનસીઆર વિસ્તારમાં કોઈપણ પ્રકારના ફટાકડાનું વેચાણ કરી શકશે નહીં. આનું પાલન સુનિશ્ચિત કરવા માટે, ઉત્પાદકોએ કોર્ટમાં સોગંદનામું રજૂ કરવું પડશે.ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ અને જજ વિનોદ ચંદ્રનની ખંડપીઠે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે તમામ હિતધારકો સાથે મળીને દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ અને સંગ્રહ પરના પ્રતિબંધથી સંબંધિત સર્વસંમત ઉકેલ તૈયાર કરે અને તેને 8 ઓક્ટોબર સુધીમાં કોર્ટ સમક્ષ રજૂ કરે.
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે (Supreme Court) એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો. અદાલતે પ્રદૂષણ નિયંત્રણની નીતિ માત્ર દિલ્હી-એનસીઆર પૂરતી મર્યાદિત રાખવા પર સવાલ ઉઠાવ્યો હતો. ચીફ જસ્ટિસે ટિપ્પણી કરી હતી કે, "જો સ્વચ્છ હવાનો અધિકાર એનસીઆરના શહેરોને મળે છે, તો તે સમગ્ર દેશના નાગરિકોને પણ મળવો જોઈએ. જો ફટાકડા પર પ્રતિબંધ મૂકવો હોય, તો તે સમગ્ર દેશમાં લાગુ થવો જોઈએ." કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે નીતિ અખિલ ભારતીય સ્તરે હોવી જોઈએ, માત્ર દિલ્હીના "ભદ્ર નાગરિકો" માટે જ નહીં.
કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચ પાસેથી આ મુદ્દે વિગતવાર રિપોર્ટ લેવાનો નિર્દેશ આપ્યો હતો.આ નિર્ણયનો હેતુ પ્રદૂષણનું સ્તર ઘટાડવા અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે, સાથે જ દેશભરના નાગરિકો માટે સ્વચ્છ હવાના સમાન અધિકાર પર પ્રકાશ પાડવાનો છે.
આ પણ વાંચો: લેહ હિંસા બાદ પોલીસે એક્ટિવિસ્ટ Sonam Wangchuck ની કરી ધરપકડ, NSA હેઠળ મોટી કાર્યવાહી કરાઇ