Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: કન્ઝ્યુમર લોનના નામે 66 લાખથી વધુની ઠગાઈ આચરનાર આરોપીઓની ધરપકડ

સુરતના રીંગ રોડ વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સિયલ સોલ્યુશન નામથી ઓફિસ શરૂ કરી કન્ઝ્યુમર લોનના નામે પર્સનલ લોન લઈ 40 જેટલા લોકો જોડે 66 લાખથી પણ વધુની છેતરપિંડી આચરવાના કેસમાં સલાબતપૂરા પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મહિલા સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ સલાબતપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
surat  કન્ઝ્યુમર લોનના નામે 66 લાખથી વધુની ઠગાઈ આચરનાર આરોપીઓની ધરપકડ
Advertisement
  • સુરતના રીંગ રોડ વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સમાં ઓફિસ કરી હતી
  • ફાઇનાન્સિયલ સોલ્યુશન નામથી ઓફિસ શરૂ કરી લોકોને વિશ્વાસમાં લીધા
  • કન્ઝ્યુમર લોનના નામે પર્સનલ લોન લઈ 40 જેટલા લોકો છેતરપિંડી કરી

સુરતના રીંગ રોડ વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સિયલ સોલ્યુશન નામથી ઓફિસ શરૂ કરી કન્ઝ્યુમર લોનના નામે પર્સનલ લોન લઈ 40 જેટલા લોકો જોડે 66 લાખથી પણ વધુની છેતરપિંડી આચરવાના કેસમાં સલાબતપૂરા પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મહિલા સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ સલાબતપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ત્રણ ઠગબાજોની ધરપકડ કરવામાં આવી

સુરતમાં છેતરપિંડીના બનાવો ઉત્તરોત્તર વધી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટ હોય કે પછી હીરા ઉદ્યોગ કે પછી અન્ય બાબતોએ છેતરપિંડીના બનાવો પોલીસ ચોપડે ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે. ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં 40 જેટલા લોકો જોડે લોન અપાવવાના નામે 66 લાખથી પણ વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી. જે છેતરપિંડી કેસમાં સાત પૈકીના ત્રણ ઠગબાજોની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.

Advertisement

સલાબતપુરા પોલીસના જણાવ્યા અનુસાર, સુરતના રીંગરોડ વિસ્તારમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ આવેલી છે. જે બિલ્ડિંગમાં રોયલ ફાઇનાન્સિયલ સર્વિસ, મની સોલ્યુશન અને લોન સર્વિસ નામથી લોન એજન્સીની ઓફિસ આવેલી છે. જે ઓફિસનું સંચાલન રાજીવ ચૌબે કરે છે. જે ઓફિસના સંચાલક દ્વારા સુરતના ફરિયાદીને સસ્તા દરે અને ઝડપથી લોન કરી આપવાની લોભ લાલચ આપવામાં આવી હતી. એટલું નહીં લોનના હપ્તા કંપની ભરશે તેવી સ્કીમ બતાવી તેમના તથા તેમની પત્નીના નામે અલગ અલગ તેર જેટલી ફાઇનાન્સ બેંક એપ્લિકેશન મારફત 10 લાખ રૂપિયાની કન્ઝ્યુમર અને પર્સનલ લોન લેવામાં આવી હતી. જેમાંથી માત્ર બે લાખ રૂપિયા જેટલી રકમના હપ્તા પોતે ભરી બાકીના 7.98 લાખ રૂપિયાના હપ્તા નહીં ભરી છેતરપિંડી આચરવામાં આવી હતી.

Advertisement

આરોપીઓએ 40 લોકો જોડે છેતરપિંડી કરી

પોલીસના જણાવ્યા પ્રમાણે આ એકમાત્ર નહિ પરંતુ આ સિવાય અન્ય 40 જેટલા લોકો જોડે પણ અલગ અલગ કન્ઝ્યુમર અને પર્સનલ લોન કરાવી 66 લાખ રૂપિયા જેટલી રકમ પોતાના ખાતામાં જમા કરાવી લેવામાં આવી હતી. જે રૂપિયા ગ્રાહકોને નહીં આપી છેતરપિંડી કરી હતી. છેતરપિંડી કર્યા બાદ પોતાની ઓફિસ અને મોબાઈલ પણ બંધ કરી દીધા હતા. જ્યાં ભોગ બનનારાઓએ ઓફિસ પર તપાસ કરતા ઓફિસને તાળા મારેલા મળી આવ્યા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ સલાબતપુરા  પોલીસ મથકનો સંપર્ક કરતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આરોપી સંતોષસિંગ, ગોપાલ મીઠાઈલાલ ગુપ્તાની ધરપકડ કરી

તપાસ દરમિયાન સલાબતપુરા પોલીસે લાખોની છેતરપિંડી કેસમાં ઠગબાજ સંતોષસિંગ વાયસ્પતિ સિંગ, ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા અને અજય ગુણવંત વાગડીયાની ધરપકડ કરી હતી. જે આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી સંતોષસિંહ અને ગોપાલ ગુપ્તા મુખ્ય આરોપી રાજીવ ચોબેના કહેવાથી લોન માટે ગ્રાહકોને લાવતા હતા. જે બાદ ગ્રાહકોને ઓફિસે લાવી તેઓને રાજીવ ચોબે સાથે તેઓનો સંપર્ક કરાવવામાં આવતો હતો.

રાજીવ ચોબે આ કેસનો મુખ્ય આરોપી

રાજીવ ચોબે સાથે મુલાકાત કરાવ્યા બાદ તેઓની લોન માટેની પ્રોસેસ કરવામાં આવતી હતી. જ્યાં તે ગ્રાહકોના નામે મોબાઈલ, ટીવી, એસી, જેવી પ્રોડક્ટની કન્ઝ્યુમર લોન કરાવવામાં આવતી હતી. જે માટે સુરતના વરાછા ખાતે આવેલા યોગીચોક વિસ્તારમાં આવેલી ફોન બુક નામની દુકાનના સંચાલક અજય વાગડિયા પાસે ગ્રાહકોને લઈ જવામાં આવતા હતા. જે ફોન બુક નામની દુકાને ગ્રાહકની અલગ અલગ ફાઈનાન્સ કંપનીમાં કન્ઝ્યુમર લોન કરાવવામાં આવતી હતી. જે ગ્રાહકોના હાથમાં મોબાઈલ ફોન આપી ફોટો પણ પડાવી લેવામાં આવતો હતો. ત્યારબાદ તે મોબાઇલ ફોન પરત પણ લઈ લેવામાં આવતો હતો. જે મોબાઈલ સાથેનો ફોટો ગ્રાહકોને મોકલી આપવામાં આવતો હતો.

વરાછાની "ફોન બુક" દુકાનના સંચાલક અજય વાગડિયાની દુકાનેથી ફરાર આરોપી રાજુભાઈ ઉર્ફે મામા અજય વાગડિયા આ મોબાઈલ આપી દેતો હતો. રાજુ ઉર્ફે મામા આ મોબાઈલ ફોનના રોકડા રૂપિયા ઉભા કરી બાદમાં સંતોષસિંહ અને ગોપાલ ગુપ્તા હસ્તક રાજીવ ચોબેને મોકલી આપતો હતો. આમ તમામ આરોપીઓ દ્વારા સુનિયોજિત રીતે એક ષડયંત્ર રચી આ છેતરપિંડી આચરવામાં આવતી હતી. જે સમગ્ર હકીકત પોલીસ તપાસ દરમિયાન સામે આવી હતી.

આરોપીઓ વિરૂદ્ધ ભૂતકાળમાં પણ એનેક કેસ દાખલ થયા છે

સલાબતપુરા પોલીસ દ્વારા લાખોની છેતરપિંડી કેસમાં જાણવા મળ્યું છે કે, આરોપી રાજીવ ચોબે વિરુદ્ધ ભૂતકાળમાં પણ પોલીસ ચોપડે અનેક ગુના નોંધાઈ  ચૂક્યા છે. જેમાં વડોદરા, ભરૂચ સહિત વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી રાજીવ વીરેન્દ્ર ચૌબે વર્ષ 2023 અને વર્ષ 2024 માં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લા અને શહેરોમાં અલગ અલગ નામથી લોન એજન્સી ખોલી આર્થિક તંગી અને લોનની જરૂરિયાત વાળા લોકોને લોભામણી લાલચો આપી તેઓ જોડે છેતરપિંડી કરી ચૂક્યો છે. તેઓના નામે મોબાઈલ ટીવી અને એસી જેવી પ્રોડક્ટની કન્ઝ્યુમર લોન તેમજ પર્સનલ લોન કરાવી લઈ લોનના હપ્તાની રકમ પોતે ભરશે તેવી લાલચ આપી છેતરપિંડી કરી ચૂક્યો છે. એટલું જ નહીં પરંતુ ગુનાને અંજામ આપી આરોપીઓ પોતાની ઓફિસ પણ રાતોરાત બંધ કરી ફરાર થઈ જાય છે.

પોલીસ તપાસમાં એવી પણ જાણકારી સામે આવી છે કે ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે આરોપીઓએ પેમ્પલેટ પણ છપાવી બજારોમાં વહેંચાવ્યા છે. જેમાં સર્વિસ, દરેક પ્રકારની લોન સર્વિસ, રૂપિયા દસ લાખ થી પાંચ લાખ સુધીની લોન માત્ર એકથી બે દિવસમાં કરાવી આપવાની સ્કીમ, જેવી અલગ અલગ જાહેરાતો આ પેમ્પલેટમાં છપાવવામાં આવી હતી. આ ઉપરાંત પાર્ટ ટાઈમ અને ફુલટાઈમ કામ કરવા માટે ઈચ્છુક ઉમેદવારોની જાહેરાત પણ આ પેમ્પલેટ થકી આપવામાં આવી હતી. આ રીતે આ ઠગ ટોળકી લોકો જોડે છેતરપિંડી આચરવા માટે શરૂઆતના ધોરણેથી જ પ્રિપ્લાન મુજબ કાવતરૂ ઘડતા અને પોતાના ગુનાને અંજામ આપતા હતા.

મહત્વનું છે કે નાની મોટી લોન લેવા માટે લોકો આ પ્રકારની ખાનગી સર્વિસિસ કંપનીઓ પાસે પહોંચી જતા હોય છે. પરંતુ તેઓને ખ્યાલ પણ હોતો નથી કે જે કંપની તરફથી તેઓને ઝડપી લોન અપાવવાની લોભામની સ્કીમ બતાવવામાં આવે છે, તે કંપની દ્વારા અંધારામાં રાખી તેઓ જોડે છેતરપિંડી કરવામાં પણ આવી શકે છે. એટલે લોન લીધી વખતે આવી સર્વિસીસ કંપનીઓથી લોકોએ પણ હવે ચેતવાની જરૂર છે. ત્યારે હાલ તો સલાબતપુરા પોલીસ ચોપડે નોંધાયેલ લાખોની છેતરપિંડી કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી ચાર શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. જે આરોપીઓની ધરપકડ બાદ આરોપીઓએ ક્યાં ક્યાં આ પ્રમાણેની છેતરપિંડી કરી છે, તેની વધુ વિગતો બહાર આવી શકે તેમ છે.

અહેવાલ: રાકેશ બ્રહ્મભટ્ટ (સુરત)

આ પણ વાંચો: Dahod: પોલીસે ડ્રોનની મદદથી આરોપીને ઝડપી પાડી ચાર મંદિર અને એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

Tags :
Advertisement

.

×