Surat: શેર માર્કેટમાં રૂપિયા કમાવવાની લાલચ આપી 25 લાખની છેતરપિંડી કરનાર આરોપીઓની ધરપકડ
- આરોપીઓએ શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારા વળતરની લાલચ આપી
- 25 લાખની છેતરપિંડીના કેસમાં સુરત પોલીસે બે આરોપીની ધરપકડ કરી
- આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ સાઈબર ક્રાઈમ સેલ દ્વારા ચાલુ
શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારા વળતરની લોભામણી લાલચ આપી 25 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં સુરત સાઇબર ક્રાઇમ સેલ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ સેલ પોલીસ ચોપડે છેતરપિંડીના બે અલગ અલગ ગુના નોંધાયા હતા. જે ગુનામાં સાઇબર ફ્રોડ આચરતી ટોળકીના સગરિતોને બેન્ક એકાઉન્ટ ભાડે આપી ગુન્હો આચરનાર આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ સાઈબર ક્રાઈમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સાયબર ક્રાઇમના ગુનાઓ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા લોકોને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાઇબર ક્રાઇમના ગુના આચરતી ટોળકીઓને પણ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વર્ષ 2024માં સાઇબર ક્રાઇમ સેલ પોલીસ ચોપડે નોંધાયેલા છેતરપિંડીના બે અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓની સાઇબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
સુરત સાઇબર ક્રાઇમ સેલના એસીપી શ્વેતા ડેનિયલના જણાવ્યા અનુસાર, વર્ષ 2024માં સાયબર ક્રાઈમ પોલીસ ચોપડે ₹6.94 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી લાલચ આપી ફરિયાદી જોડે છેતરપિંડી કરાઈ હતી. જે ગુનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીઓની પૂછપરછમાં પવન દ્વારકા પ્રસાદ ગુપ્તાનું નામ સામે આવ્યું હતું. જે આરોપીને ઝડપી પાડવા સાયબર ક્રાઇમ પોલીસ વર્કઆઉટમાં હતી.
આરોપી કાપડ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલ છે
દરમિયાન સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપી પવન દ્વારકા પ્રસાદ ગુપ્તાની ડીંડોલી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી કાપડ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. જે આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે અગાઉ ધરપકડ કરાયેલા આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો જયંતીભાઈ આહલપરાનું બેન્ક એકાઉન્ટ કમિશન ઉપર લઈ સલમાન નામના ઇસબને કમિશન ઉપર આપ્યું હતું. જે બેંક એકાઉન્ટ ઉપર નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર અલગ અલગ રાજ્યોમાં કુલ 10 જેટલી ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે. આરોપી દ્વારા અન્ય વ્યક્તિનું બેન્ક એકાઉન્ટ ભાડે લઈ કમિશન પર સાયબર ફ્રોડ આચરતી ટોળકીના સાગરીતને આપ્યું હતું. જે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સાઇબર ક્રાઇમ સેલના ACP શ્વેતા ડેનિયલએ માહિતી આપી
સાઇબર ક્રાઇમ સેલના ACP શ્વેતા ડેનિયલએ વધુમાં જણાવ્યું હતું કે, અન્ય એક છેતરપિંડીની ફરિયાદ પણ વર્ષ 2024માં સુરત સાયબર ક્રાઇમ સેલના પોલીસ ચોપડે નોંધાઈ હતી. જેમાં પણ પવન દ્વારકા પ્રસાદ ગુપ્તાનું નામ બહાર આવ્યું હતું. શેર માર્કેટમાં રોકાણના નામે સુરતના ફરિયાદી જોડે 15.3 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે કેસમાં ધરપકડ કરાયેલા પવન દ્વારકા પ્રસાદ ગુપ્તાની પૂછપરછમાં વિનય કુમાર અનિલ વિશ્વકર્માનું પણ નામ સામે આવ્યું હતું. જે આરોપીને પણ સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પવન ગુપ્તા દ્વારા પોતાનું બેન્ક એકાઉન્ટ આરોપી વિનય કુમાર અનિલ વિશ્વકર્માને કમિશન ઉપર સાયબર ફ્રોડનાં ગુના આચરવા માટે આપ્યું હતું. જે બેંક એકાઉન્ટ ઉપર નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર અલગ-અલગ રાજ્યોમાં 55 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. વિનય વિશ્વકર્મા સુરતના અલથાણ ભીમરાડ રોડનો રહેવાસી છે અને ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જે આરોપીએ પવન દ્વારકા પ્રસાદ ગુપ્તાનું બેન્ક એકાઉન્ટ કમિશન પર લીધું હતું. જે બેંક એકાઉન્ટ લઈ મુંબઈ ખાતે રહેતા અમિત નામના ઇસમને સાયબર ફ્રોડના ગુના આચરવા માટે આપ્યું હતું. જે અંગેની કબુલાત આરોપીએ સુરત સાયબર ક્રાઇમ પોલીસની પૂછપરછમાં કરી છે.
આમ વર્ષ 2024 માં સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બે અલગ અલગ છેતરપિંડીના ગુન્હામાં ફરાર બંને આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે સાયબર ક્રાઈમ પોલીસ ચોપડે નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સાયબર ફ્રોડ આચરી જે નાણાં બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા, તે બેંક એકાઉન્ટ સુરતના આ બંને આરોપીઓ દ્વારા સાયબર ફ્રોડ ટોળકીને કમિશન અને ભાડા પટ્ટા પર આપ્યા હતા. જે આરોપીઓની પૂછપરછમાં અન્ય ગુના ઉકેલાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.
અહેવાલ: રાકેશ બ્રહ્મભટ્ટ (સુરત)
આ પણ વાંચો: Surat: કન્ઝ્યુમર લોનના નામે 66 લાખથી વધુની ઠગાઈ આચરનાર આરોપીઓની ધરપકડ