Surat: દર્દી કણસતો રહ્યો અને તબીબો પોતાની મસ્તીમાં મસ્ત, હોસ્પિટલના સત્તાધીશોએ મોડે મોડે ખુલાસો કર્યો
- સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ
- નવી સિવિલના તબીબોની લાલિયાવાડી ફરી સામે આવી
- દર્દી કણસતો રહ્યો અને તબીબો પોતાની મસ્તીમાં મસ્ત
- કોઈ મોબાઈલમાં મસ્ત, તો કોઈ બાંકડા પર માણે છે નિંદર
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવવા પામી છે. સારવાર માટે કણસતા દર્દીને છોડી હોસ્પિટલ સ્ટાફ પોતાની મસ્તીમાં વ્યસ્ત જોવા મળ્યો હતો. વાયરલ થયેલ વીડિયોમાં કોઈ ગપ્પા મારવામાં તો કોઈ મોબાઈલમાં વ્યસ્ત છે. કોઈ ખુરશી પર ઊંઘી રહ્યું છે, તો કોઈ વાતોના વડા કરવામાં વ્યસ્ત છે. હોસ્પિટલના બેડ પર દર્દી કણસતો રહ્યો અને હોસ્પિટલ સ્ટાફ તમાશો જોતું રહ્યું.
વાયરલ વીડિયોમાં જાગૃત નાગરિકે દર્શાવી હિંમત
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં જાગૃત નાગરિકે હિંમત દર્શાવી છે. વીડિયો ઉતારતા હોસ્પિટલ સ્ટાફ હરકતમાં આવ્યું હતું. ખુરશી પર મોબાઈલમાં વ્યસ્ત તબીબ ઊભા થઈ બેડ તરફ દોડ્યા હતા. જ્યારે અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પોલીસની ધમકી આપવામાં આવી હતી. છતાં જાગૃ નાગરિકે ચાલુ વીડિયોમાં હોસ્પિટલ સ્ટાફની લાલિયાવાડી કેદ કરી હતી. જ્યાં સારવાર અર્થે આવતા દર્દીઓને સારવાર નહી પરંતું કણસવું પડી રહ્યું છે. હોસ્પિટલ સ્ટાફની આ લાલિયાવાડી સામે આવતા નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. અગાઉ અનેક વખત નવી સિવિલ હોસ્પિટલ વિવાદોના ઘેરામાં આવી ચૂકી છે. જ્યાં વધુ એક વિવાદ સામે આવતા હોસ્પિટલના સ્ટાફની લાલિયાવાડીની પોલંપોલ બહાર આવી જવા પામી હતી.
નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ મોડે મોડે ખુલાસો કર્યો
સુરત નવી સિવિલમાં દર્દીનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયો બાજદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ધારીત્રી પરમારે નિવેદન આપ્યું હતું કે, હોસ્પિટલને બદનામ કરવાના આશયથી તેમજ ઈરાદાપૂર્વક બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. દર્દીને લાવ્યા બાદ જરૂરી રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. તેમજ સર્જન હોસ્પિટલમાં અન્ય દર્દીના દાંતના ટાંકા લઈ રહ્યા હતા. તબીબ આવે તે પહેલા વીડિયો બનાવી વાયરલ કર્યો છે. એક તબીબ દ્વારા દર્દીને ચેક કરવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહેલ લોકો તબીબો સર્જન ન હતા. નવી સિવિલ હોસ્પિટલમાં સત્તાધીશોએ મોડે મોડે ખુલાસો કર્યો હતો. વાયરલ વીડિયોના પગલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તપાસ કમિટીના રિપોર્ટ બાદ યોગ્ય કાર્યવાહી કરાશે.